INDvsWI: આજથી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ, પૃથ્વી શો કરશે પર્દાપણ

બીજીતરફ બિનઅનુભવી વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે ભારતીય ટીમ મજબૂત છે. વેસ્ટ ઈન્ડિઝના મોટાભાગના ખેલાડીઓને ભારતમાં રમવાનો અનુભવ નથી.

INDvsWI: આજથી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ, પૃથ્વી શો કરશે પર્દાપણ

રાજકોટઃ આજથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થવાનો છે. ઈંગ્લેન્ડમાં મળેલા પરાજયને ભૂલીને ટીમ ઈન્ડિયા નવી શરૂઆત કરવા તૈયાર છે. આમ તો તમામ મોરચે ભારતીય ટીમ વિન્ડીઝ સામે મજબૂત લાગી રહી છે. ભારતીય ટીમ તરફથી મેચ પહેલા જ 12 ખેલાડીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પૃથ્વી શો આ મેચ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું પર્દાપણ કરશે. ભારતીય ટીમ ક્યાં કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે છે, તે જોવાનું રહ્યું. જો ત્રણ સ્પિનરો સાથે ઉતરશે તો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને બહાર રાખવામાં આવશે. જો ત્રણ ફાસ્ટ બોલર રમાડશે તો સ્પિનર કુલદીપ યાદવ બહાર રહી શકે છે. કેએલ રાહુલ અને પૃથ્વી શો ઈનિગંનો પ્રારંભ કરશે. તો મીડલ ઓર્ડરમાં પૂજારા, કેપ્ટન કોહલી અને રહાણે જવાબદારી સંભાળશે. વિકેટકીપર તરીકે રિષભ પંતને તક મળી છે. 

બીજીતરફ બિનઅનુભવી વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે ભારતીય ટીમ મજબૂત છે. વેસ્ટ ઈન્ડિઝના મોટાભાગના ખેલાડીઓને ભારતમાં રમવાનો અનુભવ નથી. આ સાથે પ્રથમ ટેસ્ટ પહેલા તેનો સ્ટાર બોલર કેમાર રોચ રમવાનો નથી, જેથી વિન્ડીઝને મોટો ફટકો પડ્યો છે. વિન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું કે, અમારી ટીમ તૈયાર છે. ભારતીય સમય અનુસાર મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે. 

પૃથ્વી શો કરશે ઓપનિંગ
તે નક્કી થઈ ગયું છે કે, ભારત આ મેચમાં નવી ઓપનિંગ જોડીને સાથે ઉતરશે. કેએલ રાહુલ પ્રતિભાશાળી પૃથ્વી શોની સાથે મળીને ઈનિંગનો પ્રારંભ કરશે. આ જોડી ભલે અહીં ચાલી જાય પરંતુ જરૂરી નથી કે ઓસ્ટ્રેલિયામાં ચાલે, કારણ કે ત્યાંની સ્થિતિ અલગ છે. બોલિંગ વિભાગની વાત કરીએ કો ભારત ત્રણ સ્પીનરો- આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સાથે રમશે. 

જાડેજા કરી શકે છે ધમાલ
જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આરામ આપવો તથા ઈશાંત શર્માનું ઈજાગ્રસ્ત થયા બાદ ઉમેશ યાદવ અને મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં જાડેજા ઓલરાઉન્ડની ભૂમિકા નિભાવશે. એશિયા કપમાં વનડેમાં શાનદાર વાપસી કર્યા બાદ જાડેજા પોતાના હોમ ગ્રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરવા તૈયાર છે. 

અન્ય એક ખેલાડી રિષભ પંચ પર પણ નજર રહેશે, જેણે ઓવલમાં 114 રનની ઈનિંગ રમીને પોતાને ટીમમાં જગ્યા સુરક્ષિત રાખી છે. ઓવલમાં પર્દાપણ પર 56 રન બનાવનાર હનુમા વિહારીને અંતિમ ઈલેવનમાં જગ્યા નહીં મળે, કારણ કે ટીમ પાંચ નિષ્ણાંત બોલરને ઉતારવા ઈચ્છે છે. ભારતની આ સૌથી શાનદાર ટીમ નથી પરંતુ અનુભવહીન વિન્ડીઝ પર બદબદો બનાવવા સક્ષમ છે. 

કેમ નબડી છે વિન્ડીઝ ટીમ
કેરેબિયન ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ તેને ભારતમાં રમવાનો અનુભવ નથી. તેના 15 સભ્યોની ટીમમાંથી માત્ર 5 ખેલાડીઓને જ ભારતમાં ટેસ્ટ રમવાનો અનુભવ છે અને તેમાં ફાસ્ટ બોલર કેમાર રોચ પણ સામેલ છે, જે બારબાડોસમાં પોતાના નાનીના નિધનને કારણે પ્રથમ મેચમાં રમશે નહીં. જે અન્ય ખેલાડીઓને ભારતમાં ટેસ્ટ રમવાનો અનુભવ છે તેમાં દેવેન્દ્ર બિશૂ, ક્રેગ બ્રેથવેટ, પાવેલ અને શેનોન ગ્રૈબિયલ સામેલ છે. 

છેલ્લા 16 વર્ષથી ભારત વિરુદ્ધ જીત્યું નથી વેસ્ટ ઈન્ડિઝ
કોઈ સમયે વિરોધી ટીમને એકતરફથી ધૂળ ચટાવનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત વિરુદ્ધ છેલ્લા 16 વર્ષથી એક જીત માટે તરસી રહી છે. વર્ષ 2002માં કિંગસ્ટનમાં અંતિમ જીત બાદ વિન્ડીઝ ભારતને હરાવી શક્યું નથી. 

છેલ્લા 16 વર્ષમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 19 ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાં ભારતે 10 જીતી છે, જ્યારે 9 ડ્રો રહી છે. 

ભારતમાં છેલ્લા 24 વર્ષથી નથી જીત્યું વેસ્ટ ઈન્ડિઝ
વેસ્ટ ઈન્ડિઝની ટીમે છેલ્લીવાર 1994માં ભારતને ઘરઆંગણે ટેસ્ટમાં હરાવ્યું હતું. મોહાલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો 243 રને વિજય થયો હતો. ત્યારબાદ વિન્ડીઝની ટીમ ભારતમાં ક્યારેય ટેસ્ટ મેચ જીતી નથી. 

સતત છ શ્રેણીમાં વિન્ડીઝને હરાવ્યું
બંન્ને દેશો વચ્ચે વર્ષ 2002થી છ ટેસ્ટ શ્રેણી રમાઇ છે. જેમાં કેરેબિયન દેશ ક્યારેય શ્રેણી જીતવામાં સફળ રહ્યો નથી. 2002થી 2016 સુધી રમાયેલી છ ટેસ્ટ શ્રેણીમાં ભારત 6-0થી આગળ છે. આ છ શ્રેણીમાં ત્રણ શ્રેણી ભારતમાં તો ત્રણ વેસ્ટ ઈન્ડિઝમાં રમાઇ છે. 

પ્રથમ શ્રેણી વિજયમાં ભારતને લાગ્યા હતા 22 વર્ષ
બંન્ને દેશો વચ્ચે વર્ષ 1948થી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ હતી. પરંતુ તે સમયમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનો જલવો હતો કે ભારતીય ટીમ 22 વર્ષો સુધી સતત શ્રેણી હારી અને અંતે 1970/71માં તેને પ્રથમ વિજય મળ્યો હતો. 

1948થી 2002 સુધી હતો વેસ્ટ ઈન્ડિઝનો દબદબો
1948થી શરૂ થયેલા આ જંગમાં 2002 સુધી વેસ્ટ ઈન્ડિઝ ટીમ ભારત માટે ક્યારેય સરળ વિરોધી ટીમ રહી નથી. તેણે 2002 સુધી ભારતની સાથે કુલ 16 ટેસ્ટ શ્રેણી રમી અને 12માં વિજય મેળવ્યો હતો. 

વેસ્ટ ઇન્ડિઝ : જેસન હોલ્ડર (સુકાની), સુનીલ એમ્બ્રિસ, દેવેન્દ્ર બિશુ, ક્રેગ બ્રાથવેટ, રોસ્ટન ચેઝ, શેન ડાઉરિચ, શેનોન ગેબ્રિયલ, જશમાર હેમ્લિટન, શિમરોન હેતતમેયર, શાઈ હોપ, જોસેફ, કિમો પોલ, કેઈરોન પોવેલ, કિમર રોચ, જોમેલ વેરિકન.

આ રીતે છે 12 ખેલાડીઓની ટીમ
વિરાટ કોહલી, (કેપ્તાન), કેએલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટ કીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર

ક્યાં જોશો મેચ
મેચનું લાઇવ પ્રાસરણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. 
આ સિવાય ઓનલાઇન હોટ સ્ટાર પર જોઈ શકાશે. 
મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે.
સવારે 9 કલાકે ટોસ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news