IND vs NZ: સૂર્યાની સદી, હુડ્ડાની ચાર વિકેટ, ભારતનો બીજી ટી20 મેચમાં 65 રને ભવ્ય વિજય
India vs New Zealand: સૂર્યકુમાર યાદવની શાનદાર સદી બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રને પરાજય આપી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપમાં સેમીફાઇનલમાં પરાજય બાદ ભારતીય ટીમે નવી શરૂઆત કરી છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતે 65 રનથી જીત મેળવી ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સૂર્યકુમાર યાદવની શાનદાર સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં માત્ર 126 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપક હુડ્ડાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
સૂર્યકુમારનું શાનદાર ફોર્મ યથાવત
ભારત માટે વિશ્વકપમાં દમદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડની ધરતી પર પણ ધમાકેદાર ઈનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 7 સિક્સ અને 11 ચોગ્ગા સાથે અણનમ 111 રન ફટકાર્યા હતા. આ સૂર્યકુમાર યાદવના કરિયરની બીજી ટી20 સદી છે. આ પહેલાં તેણે ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. તે રોહિત શર્મા બાદ એક વર્ષમાં બે ટી20 સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારત માટે રિષભ પંત અને ઈશાન કિશને ઈનિંગની શરૂઆત કરી હતી. પંત માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. તો ઈશાન કિશને 31 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર 13 રન બનાવી આઉટ થયો હતો. દીપક હુડ્ડા અને વોશિંગટન સુંદર શૂન્ય રન પર આઉટ થયા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 13 રનનું યોગદાન આપ્યું હતું.
ટિમ સાઉદીની હેટ્રિક
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉદીએ ઈનિંગની છેલ્લી ઓવરમાં હેટ્રિક લીધી હતી. સાઉદી મલિંગા બાદ ટી20 આંતરરાષ્ટ્રીયમાં બે હેટ્રિક લેનાર બીજો બોલર બની ગયો છે. સાઉદીએ હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા અને વોશિંગટન સુંદરને આુટ કર્યા હતા. આ સિવાય ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યૂસને બે વિકેટ લીધી હતી.
કેન વિલિયમસન સિવાય તમામ બેટર ફેલ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસને અડધી સદી ફટકારતા 62 રન ફટકાર્યા હતા. કેન વિલિયમસને 52 બોલમાં 4 ફોર અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય કોનવેએ 25 રનનું યોગદાન આપ્યું હતું. ફિન એલેન શૂન્ય રને આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સ 12 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ડેરેલ મિચેલ 10, નીશમ શૂન્ય, સેન્ટનર 2 રન બનાવી આઉટ થયા હતા.
ભારત તરફથી દીપક હુડ્ડા સૌથી સફળ બોલર રહ્યો હતો. હુડ્ડાએ 2.5 ઓવરમાં 10 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલને બે-બે સફળતા મળી હતી. ભુવનેશ્વર કુમાર અને સુંદરને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે