બેંગલુરૂમાં કીવી બોલરોનો આતંક, ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં ઓલઆઉટ, ઘરઆંગણે બનાવ્યો સૌથી ઓછો સ્કોર
IND vs NZ: બેંગલુરૂમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી ટીમ ઈન્ડિયાને ભારે પડી છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
Trending Photos
India vs New Zealand 1st Test: મેટ હેનરી અને વિલિયમ ઓ રૂકની ઘાતક બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે બેંગલુરૂમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને માત્ર 46 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. ભારતનો પોતાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયા માટે રિષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વીએ 13 રનનું યોગદાન આપ્યું હતું.
મેટ હેનરીએ 5 વિકેટ અને વિલિયમ ઓ રૂકે 4 વિકેટ ઝડપી ભારતીય બેટરોની કમર તોડી દીધી હતી. ભારતના પાંચ બેટરો તો શૂન્ય રન પર આઉટ થયા હતા. આ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો હતો.
ભારતના બેટરોનો ધબડકો
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર 9 રન હતો ત્યારે રોહિત શર્મા આઉટ થયો હતો. રોહિતને ટિમ સાઉદીએ આઉટ કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. સરફરાઝ ખાન પણ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો.
10 રન પર ત્રણ વિકેટ પડ્યા બાદ યશસ્વી જાયસવાલ અને રિષભ પંત પાસે આશા હતી. પરંતુ કીવી બોલરો સામે આ બંને પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંને વચ્ચે 21 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ 31 રનના સ્કોર સુધી ઓ રૂકે યશસ્વીને આઉટ કરી દીધો હતો. જાયસવાલે એક ચોગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા.
જાયસવાલ આઉટ થયા બાદ ક્રીઝ પર કેએલ રાહુલ આવ્યો હતો. રાહુલ પણ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. પછી રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિન પણ શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ બુમરાહ એક રન બનાવી આઉટ થયો હતો. અંતમાં કુલદીપ યાદવ 2 રન બનાવી આઉટ થઈ ગયો હતો.
ટેસ્ટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર
36 રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
42 રન વિરુદ્ધ ઈંગ્લેન્ડ
46 રન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
58 રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
58 રન વિરુદ્ધ ઈંગ્લેન્ડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે