INDvsNZ: હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડને કરી વાપસી, ભારતને 8 વિકેટે હરાવ્યું

ચોથી વનડેમાં ન્યૂઝીેલેન્ડે શાનદાર વાપસી કરતા ભારતીય ટીમને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે પાંચ મેચોની વનડે સિરીઝમાં ભારતીય ટીમ 3-1થી આગળ છે. 

INDvsNZ: હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડને કરી વાપસી, ભારતને 8 વિકેટે હરાવ્યું

હેમિલ્ટનઃ ટ્રેન્ટ બોલ્ટ (21/5) અને કોલિન ડિ ગ્રાન્ડહોમ (26/3)ની શાનદાર બોલિંગ બાદ રોસ ટેલર (37*) અને હેનરી નિકોલ્સ (30*)ની શાનદાર બેટિંગની મદદથી ન્યૂઝીલેન્ડે ચોથી વનડે મેચમાં ભારતને 8 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 92 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 14.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 93 રનનો લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે બે વિકેટ ઝડપી હતી. આ સાથે ભારતીય ટીમ પાંચ મેચોની વનડે શ્રેણીમાં 3-1થી આગળ છે. 

93 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ તરફથી માર્ટિન ગુપ્ટિલે આક્રમક શરૂઆત કરી હતી. પ્રથમ ત્રણ બોલમાં એક સિક્સ અને બે બાઉન્ડ્રી ફટકાર્યા બાદ ગુપ્ટિલ ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ભુવીએ ઈનિંગની સાતમી ઓવરમાં કેપ્ટન કેન વિલિયમસન (11)ને પણ આઉટ કરીને ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ રોસ ટેલર (37*) અને નિકોલ્સ (30*)એ ત્રીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. 

ભારતની ઈનિંગનો રોમાંચ
ટ્રેન્ટ બોલ્ટ (21/5) અને કોલિન ડિ ગ્રાન્ડહોમ (26/3)ની શાનદાર બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે ચોથી વનડેમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ભારતને 92 ઓલઆઉટ કરી દીધું હતું. ભારતીય ટીમ તરફથી ચહલે સૌથી વધુ 18 રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડના બોલર બોલ્ટ સામે ભારતીય બેટ્સમેનોએ ઘુંટણીયા ટેકવી દીધા હતા. એકબાદ એક બેટ્સમેન આઉટ થતા ભારતને ધબડકો થયો હતો. ભારતીય ટીમ માત્ર 30.5 ઓવર બોલિંગ કરી શકી હતી. 

પ્રથમ ત્રણ મેચમાં શાનદાર શરૂઆત અપાવનાર ભારતના બંન્ને ઓપનર આ મેચમાં ફ્લોપ રહ્યાં હતા. ઈનિંગની છઠ્ઠી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. શિખર ધવન (13) રન બનાવી આઉટ થયો હતો. તેણે 20 બોલનો સામનો કરતા 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ત્યારબાદ બોલ્ટે બીજી સફળતા મેળવતા રોહિત શર્મા (7)ને આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. ભારતે 23 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી. આ ઝટકામાંથી ભારત બહાર આવે તે પહેલા જ કોલિન ડિ ગ્રાન્ડહોમેએ ઈનિંગની 11મી ઓવરમાં અંબાતી રાયડૂ (0)ને ગુપ્ટિલના હાથમાં ઝિલાવીને કીવીને ત્રીજી સફળતા અપાવી હતી. તેજ ઓવરમાં દિનેશ કાર્તિક પણ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. 

આ મેચમાં પર્દાપણ કરી રહેલા યુવા બેટ્સમેન શુભમન ગિલ પાસે પણ ટીમને આશા હતી. પરંતુ તે (9) રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. 33 રનના સ્કોર પર ભારતની અડધી ટીમ પેવેલિયન પરત પહોંચી ગઈ હતી. તેજ ઓવરમાં બોલ્ટે કેદાર જાધવ (1)ને LBW આઉટ કરીને ભારતને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ભારતનો સ્કોર 40 રન હતો ત્યારે કોલિન ડિ ગ્રાન્ડહોમ ભુવનેશ્વર કુમાર (1)ને બોલ્ડ કરીને ન્યૂઝીલેન્ડને સાતમી સફળતા અપાવી હતી. ત્યારબાદ પંડ્યાએ બોલ્ટની 17મી ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારીને ભારતનો સ્કોર 50ને પાર પહોંચાડ્યો હતો. બોલ્ટે આ મેચમાં સતત પોતાની 10 ઓવર ફેંકી હતી. તેણે ઈનિંગની 20મી ઓવરમાં હાર્દિક પંડ્યા (16) રને આઉટ કરીને પોતાની પાંચમી વિકેટ પૂરી કરી હતી. પંડ્યાએ 20 બોલમાં 4 બાઉન્ડ્રી ફટકારી હતી. 

ત્યારબાદ કુલદીપ યાદવ અને ચહલે ટીમનો સ્કોર 80 સુધી પહોંચાડ્યો હતો. કુલદીપ (15) રન બનાવી એસ્ટલેનો શિકાર બન્યો હતો. અંતે ખલીલ અહમદ (5)ને નિશામે બોલ્ડ કરીને ભારતની ઈનિંગનો અંત કર્યો હતો. 

બોલ્ટે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 4 મેડન ફેંકીને 21 રન આપતા 5 વિકેટ ઝડપી હતી. તો ગ્રાન્ડહોમે 26 રન આપીને 3 તથા નિશામ અને એસ્ટલેને એક-એક સફળતા મળી હતી. 

ટીમ ઈન્ડિયા પ્રથમ ત્રણ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી ચુકી છે. હવે ન્યૂઝીલેન્ડ સામે ક્વીન સ્વીપથી બચવાનો પડકાર છે. ટીમ ઈન્ડિયા વિજય ક્રમને જાળવી રાખવા માટે મેદાને ઉતરી છે.  ન્યૂઝીલેન્ડની ટીમમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. મુનરો, સાઉદી અને લોકી ફર્ગ્યુસનને બહાર કરવામાં આવ્યા છે. 

ટીમ ઈન્ડિયા આ મેચમાં નિયમિત કેપ્ટન વિરાટ વિના મેદાને ઉતરવાની છે. તેને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને રોહિત શર્મા ટીમની કમાન સંભાળી રહ્યો છે. તે પોતાના કરિયરની 200મી વનડે મેચ રમી રહ્યો છે. 

શુભમન ગિલને મળી તક
કોહલીની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટે યુવા બેટ્સમેન શુભમન ગિલને તક આપી છે. રાહુલ પર પ્રતિબંધ લાગવાને કારણે ગિલને તક મળી હતી. 

ધોની નહીં રમે
ઈજાને કારણે ત્રીજી વનડે ગુમાવનાર ધોની પણ ચોથી વનડેમાં રમશે નહીં. સ્નાયુ ખેંચાઈ જવાને કારણે ધોની ત્રીજી વનડેમાંથી બહાર હતો. 

ટીમઃ 
ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, ચહલ. કુલદીપ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ. 

ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ, માર્ટિન ગુપ્ટિન, કોલિન ડિ ગ્રાન્ડહોમ, ટ્રેન્ટ બોલ્ટ, હેનરી નિકોલ્સ, ડગ બ્રેસવેલ, મેટ હેનરી, ટેડ એસ્ટલે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news