INDW vs ENGW: ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ

U19 Women's T20 World Cup 2023 final: બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ભારતીય મહિલા અન્ડર-19 ટીમે ઈતિહાસ રચી દીધો છે. શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને હરાવી વિશ્વકપ જીતી લીધો છે. 

INDW vs ENGW: ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ

નવી દિલ્હીઃ શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય મહિલા અન્ડર-19 ટીમે ઈતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકામાં પ્રથમવાર રમાઈ રહેલા મહિલા અન્ડર-19 વિશ્વકપની ટ્રોફી ભારતે જીતી લીધી છે. ભારતે ફાઇનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે પરાજય આપ્યો છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર એક મેચ ગુમાવી હતી. ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય મહિલા ટીમે 14મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં બે ઝટકા લાગ્યા હતા. કેપ્ટન શેફાલી વર્મા 11 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 15 રન બનાવી આઉટ થઈ હતી. શ્વેતા સેહરાવત 5 રન બનાવી આઉટ થઈ હતી. ત્યારબાદ ત્રિશા અને સૌમ્યા તિવારી વચ્ચે ત્રીજી વિકેટ માટે 46 રનની ભાગીદારી થઈ હતી. ત્રિશા 29 બોલમાં 24 રન બનાવી આઉટ થઈ હતી. સૌમ્યા તિવારી 24 રન બનાવી અણનમ રહી હતી. 

ભારતીય ટીમની ઘાતક બોલિંગ
ભારતીય અન્ડર-19 મહિલા ટીમની કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવતા શરૂઆતથી ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ભારતને પ્રથમ સફળતા તિતાસ સાધુએ અપાવી હતી. તિતાસે લિબર્ટી હીપને શૂન્ય રને આઉટ કરી હતી. ત્યારબાદ અર્ચના દેવીએ નીંવ હોલેન્ડને (10) બોલ્ડ કરી હતી. ગ્રેસ સ્ક્રિવેન્સ (4) રન બનાવી અર્ચનાનો શિકાર બની હતી. ઈંગ્લેન્ડની ટીમે માત્ર 16 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 

ઈંગ્લેન્ડને 22 રનના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. સેરેન સ્મેલ 3 રન બનાવી સાધુનો શિકાર બની હતી. ત્યારબાદ શરીસ પવેલી (2) રન બનાવી પાર્શવીની ઓવરમાં આઉટ થઈ હતી. ઈંગ્લેન્ડે 43 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. રાયના મેકડોનલ્ડ-ગ્રે (19) રન બનાવી આઉટ થઈ હતી. એલેક્સા સ્ટોનહાઉઝ 11 રન બનાવી મન્નત કશ્યપનો શિકાર બની હતી. જોજી ગ્રોવ્સ 4 રન બનાવી રનઆઉટ થઈ હતી. સોફિયા સ્મેલે 11 રનનું યોગદાન આપ્યું હતું. 

ભારતના ત્રણ બોલરોએ બે-બે વિકેટ લીધી
ભારત તરફથી તિતાસ સાધુએ 4 ઓવરમાં માત્ર 6 રન આપી બે વિકેટ લીધી હતી. અર્ચના દેવીએ 17 રન આપીને અને પાર્શવી ચોપડાએ 13 રન આપીને બે સફળતા મેળવી હતી. આ સિવાય મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ યાદવે એક-એક વિકેટ લીધી હતી. 

ભારતીય મહિલા ટીમની વિશ્વકપમાં સફર
સાઉથ આફ્રિકા સામે લીગ મેચમાં 7 વિકેટે વિજય
યુએઈ સામે લીગ મેચમાં 122 રનથી જીત
સ્કોટલેન્ડ સામે લીગ મેચમાં 83 રને જીત
સુપર-6માં ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટે હાર
સુપર-6માં શ્રીલંકા સામે 7 વિકેટે જીત
સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું
ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news