IPL 2019: KXIP vs DC- સેમ કરનની હેટ્રિક, પંજાબે રોમાંચક મેચમાં દિલ્હીને 14 રને હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના 14માં મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે બોલરોના શાનદાર પ્રદર્શન અને સેમ કરનની હેટ્રિકની મદદથી દિલ્હી કેપિટલ્સને 14 રને પરાજય આપ્યો છે.
Trending Photos
મોહાલીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 13માં મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને 14 રનથી પરાજય આપીને પોતાની ત્રીજી જીત મેળવી છે. દિલ્હીને અંતિમ 4 ઓવરમાં માત્ર 30 રનની જરૂર હતી અને સાત વિકેટ હાથમાં હતી. પરંતુ દિલ્હી કેપિટલ્સનો ધબડકો થતા ટીમે માત્ર 15 રનના ગાળામાં સાત વિકેટ ગુમાવી હતી. ઓલરાઉન્ડર સેમ કરને હેટ્રિક સાથે 2.2 ઓવરમાં 11 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 152 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
દિલ્હીને પહેલા બોલ પર ઝટકો લાગ્યો હતો અને પૃથ્વી શો શૂન્ય પર આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિનને આ સફળતા મળી હતી. ત્યારબાદ ધવન અને અય્યરે દિલ્હીની ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ 7 ઓવરમાં 50 રનની ભાગીદારી કરી હતી. ઈનિંગની આઠમી ઓવરના બીજા બોલ પર શ્રેયસ અય્યર આઉટ થયો હતો. તેણે 22 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 28 રન બાવ્યા અને હાર્ડસ વિલ્ઝોનનો શિકાર બન્યો હતો. ટીમને શિખર ધવનના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. તેને અશ્વિને LBW આઉટ કર્યો હતો. ધવને 25 બોલમાં 4 બાઉન્ડ્રી સાથે 30 રન બનાવ્યા હતા.
82 રને ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંત અને કોલિન ઇંગ્રામે ચોથી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. રિષભ પંત (39)ને મોહમ્મદ શમીએ બોલ્ડ કર્યો હતો. પંતે 26 બોલનો સામનો કરતા 3 બાઉન્ડ્રી અને બે સિક્સ ફટકારી હતી. દિલ્હીને અંતિમ 4 ઓવરમાં માત્ર 30 રનની જરૂર હતી. પરંતુ ટીમનો ધબડકો થયો હતો. પંત આઉટ થયા બાદ આગામી બોલ પર ક્રિસ મોરિસ શૂન્ય પર રનઆઉટ થયો હતો.
ઈનિંગની 18મી ઓવરમાં સેમ કરને માત્ર ચાર રન આપીને કોલિન ઇંગ્રામ (38) અને હર્ષલ પટેલ (0)ને આઉટ કરીને બે ઝટકા આપ્યા હતા. ત્યારબાદની ઓવરમાં શમીએ હનુમા વિહારી (2)ને બોલ્ડ કર્યો હતો.
પંજાબની ઈનિંગ
ઈનિંગ શરૂ થવાની સાથે પંજાબની વિકેટ પડવાનો સિલસિલો અંત સુધી ચાલ્યો હતો. ટીમે બીજી ઓવરમાં પાંચમાં બોલ પર લોકેશ રાહુલના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. રાહુલ 15 રન બનાવીને ક્રિસ મોરિસનો શિકાર બન્યો હતો. પ્રથમ ઝટકામાંથી પંજાબ બહાર આવે તે પહેલા સૈમ કરન પણ 20 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 10 બોલમાં 20 રન બનાવ્યા હતા. સંદીપ લામિછાનેએ તેને LBW આઉટ કર્યો હતો.
ઈનિંગની 8મી ઓવરમાં પંજાબને ત્રીજો ઝટકો લાગ્યો, જ્યારે મયંક અગ્રવાલને શિખર ધવને રન આઉટ કર્યો હતો. ટીમનો સ્કોર 58 રન હતો ત્યારે મયંક આઉટ થયો હતો. તેણે 9 બોલ રમીને છ રન બનાવ્યા હતા. ત્યારબાદ શાનદાર લયમાં બેટિંગ કરી રહેલા સરફરાઝ ખાન 14મી ઓવરના 5માં બોલ પર આઉટ થયો હતો. તેણે 29 બોલમાં 39 રન બનાવ્યા હતા.
ડેવિડ મિલરે 30 બોલમાં 43 રન ફટકાર્યા અને 17મી ઓવરમાં ક્રિસ મોરિસના બોલ પર રિષભ પંતના હાથે આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. ત્યારબાદ 18મી ઓવરના ત્રીજા બોલ પર હાર્ડસ વિલ્જોન 1 રન બનાવી આઉટ થયો હતો. 19મી ઓવરના 5માં બોલ પર કેપ્ટન અશ્વિન પણ 3 રન બનાવીને આઉટ થયો હતો. 20મી ઓવરના પ્રથમ બોલે મુર્ગન અશ્વિન પણ 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ શમી (0) રન આઉટ થયો હતો.
પંજાબ તરફથી મંદીપ સિંહે અંતિમ 2 બોલ પર 1 ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને સ્કોર 166 રન સુધી પહોંચાડ્યો હતો. તે 29 રન બનાવી અણનમ રહ્યો હતો.
દિલ્હી કેપિટલ્સ તરફથી કાગિસો રબાડાએ 4 ઓવરમાં 32 રન આપીને બે, સંદીપ લામિછાનેએ 4 ઓવરમાં 27 રન આપીને બે તથા ક્રિસ મોરિસે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે