MI vs SRH: કેમરૂન ગ્રીનની ધમાકેદાર સદી, મુંબઈએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું
IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-2023માં પોતાની અંતિમ લીગ મેચમાં શાનદાર જીત મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી છે. હવે મુંબઈએ બેંગલોરની હાર માટે પ્રાર્થના કરવી પડશે.
Trending Photos
મુંબઈઃ કેમરૂન ગ્રીન (અણનમ 100 રન, 47 બોલ, 8 ફોર અને 8 સિક્સ) ની શાનદાર સદી અને રોહિત શર્માની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પોતાની અંતિમ લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે મુંબઈના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તેની પ્લેઓફની આશા જીવંત છે. જો આરસીબી પોતાની અંતિમ લીગ મેચમાં ગુજરાત સામે હારી જાય અથવા મેચ રદ્દ થાય તો મુંબઈને પ્લેઓફમાં એન્ટ્રી મળી જશે. સનરાઇઝર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
કેમરૂન ગ્રીનની ધમાકેદાર બેટિંગ
આઈપીએલ ઈતિહાસના બીજા સૌથી મોંઘા ખેલાડી કેમરૂન ગ્રીન આજે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા ગ્રીને શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. ગ્રીને રોહિતની સાથે મળીને ટીમની ઈનિંગ સંભાળી હતી. કેમરૂન ગ્રીને માત્ર 47 બોલમાં પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. ગ્રીને 47 બોલમાં 8 ફોર અને 8 સિક્સની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા.
મુંબઈ તરફથી ઈશાન કિશન માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ ફોર્મમાં વાપસી કરતા અડધી સદી ફટકારી હતી. રોહિતે 37 બોલમાં 8 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ 16 બોલમાં ચાર ચોગ્ગા સાથે 25 રન બનાવી અણનમ રહ્યો હતો. ભુવી અને મયંક ડાગરે એક-એક વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદના ઓપનરોની અડધી સદી
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અંતિમ લીગ મેચમાં નવી ઓપનિંગ જોડીએ ઈનિંગની શરૂઆત કરી હતી. વિવરાંત શર્મા અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ શરૂઆતથી આક્રમક બેટિંગ કરી હતી. અગ્રવાલ અને શર્માએ પ્રથમ વિકેટ માટે 140 રનની ભાગીદારી કરી હતી. વિવરાંત શર્મા 47 બોલમાં 69 રન ફટકારી આઉટ થયો હતો. મયંક અગ્રવાલે 46 બોલમાં 8 ફોર અને ચાર સિક્સ સાથે 83 રન બનાવ્યા હતા.
હેનરિક ક્લાસેન 18 રન બનાવી આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સ 1 રન બનાવી આઉટ થયો હતો. એડન માર્કરમ 13 રન બનાવી આઉટ થયો હતો. મુંબઈ તરફથી આકાશ મઢવાલે ચાર અને જોર્ડને એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે