IPL ઓક્શનમાં વિદેશી ખેલાડીઓએ કરી જોરદાર કમાણી, પરંતુ ગ્રાઉન્ડ પર ઉતરતા થયા ફ્લોપ
IPL 2023 Trends: આઈપીએલ 2023ના ઓક્શનમાં 4 ખેલાડીઓ પર 16 કરોડ રૂપિયાથી વધુની બોલી લાગી હતી. તેમાંથી 3 ખેલાડી હજુ સુધી લીગમાં કોઈ પ્રભાવ પાડી શક્યા નથી. તો કેટલાક એવા યુવા ભારતીય ખેલાડી છે, જેને માત્ર લાખો રૂપિયા મળ્યા છે, પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલ 2023ની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 17 મેચ રમાઈ છે. ટી20 લીગની શરૂઆત 31 માર્ચથી થઈ અને 28 મે સુધી લીગ ચાલશે. 10 ટીમોમાં અનેક વિદેશી ખેલાડીઓ રમી રહ્યાં છે. ઓક્શનની વાત કરીએ તો ઈંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરન પર રેકોર્ડ બોલી લાગી હતી. તેને પંજાબ કિંગ્સે 18.50 કરોડ આપીને ખરીદ્યો હતો. તો ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન પર મુંબઈએ 17.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા.
T20 લીગની 16મી સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોની વાત કરીએ તો હરાજીમાં જે ખેલાડીઓને મોટી રકમ મળી છે તેઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. જ્યારે ભારતીય યુવા ખેલાડીઓ આ મામલે તેમના કરતા અનેક ગણા આગળ છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સેમ કરન વિશે વાત કરીએ તો તેણે અત્યાર સુધીની 3 મેચમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે અને ઈકોનોમી 9થી વધુ છે. તે જ સમયે, પંજાબ તરફથી રમતા અન્ય લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 3 મેચમાં 6 વિકેટ લીધી છે. તેને ટીમ તરફથી 4 કરોડ રૂપિયા મળશે.
હવે વાત કેમરૂન ગ્રીનની. આ યુવા ઓલરાઉન્ડરે 3 મેચમાં 17ની એવરેજથી 34 રન બનાવ્યા છે. બોલિંગમાં પણ તે માત્ર એક વિકેટ ઝડપી શક્યો છે. મુંબઈ તરફથી રમી રહેલા યુવા ભારતીય ઋતિક શૌકીનને મુંબઈએ 20 લાખમાં ખરીદ્યો હતો. તે અત્યાર સુધી 2 ઈનિંગમાં 23 રન બનાવી ચુક્યો છે. તેણે એક વિકેટ પણ લીધી છે. તો માત્ર 1.7 કરોડ મેળવનાર યુવા બેટર તિલક વર્માએ 3 મેચમાં 147 રન ફટકાર્યા છે. તે મુંબઈ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટર છે.
હવે વાત કરીએ એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની. ચાર વખતની ચેમ્પિયન ટીમ સીએસકેએ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો. તે ઈજાને કારણે બહાર છે. પરંતુ સ્ટોક્સે બે મેચમાં માત્ર 15 રન બનાવ્યા હતા. ટીમના 20 વર્ષના યુવા ઓલરાઉન્ડર રાજવર્ધન હેંગરગેકરને 1.5 કરોડમાં ખરીદ્યો હતો. તેણે બે મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વર્તમાન સિઝનમાં સારી શરૂઆત કરી શકી નથી. ટીમે અત્યાર સુધી 3 મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે અને તે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. હૈદરાબાદે ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુક પર 13.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે 3 મેચમાં 10ની એવરેજથી માત્ર 29 રન જ બનાવી શક્યો છે. 13 રન શ્રેષ્ઠ પ્રદર્શન છે. ટીમે 25 વર્ષીય લેગ સ્પિનર મયંક માર્કંડેયને 50 લાખમાં ખરીદ્યો છે. આ બોલરે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને 4 વિકેટ લીધી છે.
આ રીતે હૈદરાબાદે ભારતીય બેટર મયંક અગ્રવાલને 8.25 કરોડ રૂપિયા આપી ટીમમાં સામેલ કર્યો હતો. તે આઈપીએલ 2022માં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. ખરાબ પ્રદર્શન બાદ ટીમે તેને રિલીઝ કરી દીધો હતો. તે અત્યાર સુધી 3 મેચમાં 19ની એવરેજથી માત્ર 56 રન બનાવી શક્યો છે. એટલે કે અગ્રવાલ પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે