KKR vs DC: દિલ્હીનું દિલ તૂટ્યું, કોલકત્તા નાઇટ રાઇડર્સ ફાઇનલમાં, હવે ચેન્નઈ સામે ટક્કર

આઈપીએલમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા કોલકત્તા નાઇટ રાઇડર્સે 2014 બાદ આઈપીએલ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઇયોન મોર્ગનની આગેવાનીમાં ટીમ છ સીઝન બાદ ફાઇનલમાં પહોંચી છે. 

KKR vs DC: દિલ્હીનું દિલ તૂટ્યું, કોલકત્તા નાઇટ રાઇડર્સ ફાઇનલમાં, હવે ચેન્નઈ સામે ટક્કર

શારજાહઃ શારજાહની ધીમી પિચ પર કોલકત્તા નાઇટ રાઇડર્સે (KKR) પોતાનું દમદાર ફોર્મ જાળવી રાખતા ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સ (DC) ને 3 વિકેટે પરાજય આપી આઈપીએલ-2021 (IPL 2021) ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે દિલ્હીનું ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયું છે. હવે 15 ઓક્ટોબર એટલે કે શુક્રવારે કોલકત્તા અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દુબઈમાં ફાઇનલ મેચ રમાશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 19.5 ઓવરમાં 7 વિકેટે 136 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.ઇયોન મોર્ગનની આગેવાનીમાં કોલકત્તાની ટીમ વર્ષ 2014 બાદ આઈપીએલ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. 

કોલકત્તાના ઓપનરો છવાયા
કોલકત્તા નાઇટ રાઇડર્સના ઓપનરોએ ફરી ટીમને દમદાર શરૂઆત અપાવી હતી. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પાવરપ્લેમાં વિના વિકેટે 51 રન જોડી દીધા હતા. પાવરપ્લે બાદ પણ બંનેએ આક્રમક બેટિંગ કરવાનું જાળવી રાખ્યું હતું. આ દરમિયાન વેંકટેશ અય્યરે આ સીઝનની ત્રીજી અડધી સદી પૂરી કરી હતી. વેંકટેશ 41 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 55 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. ગિલ અને વેંકટેશે પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. 

શુભમન ગિલ અડધી સદી ચુક્યો
શુભમન ગિલે વેંકટેશ અય્યર સાથે પ્રથમ વિકેટ માટે 96 અને નીતિશ રાણા સાથે બીજી વિકેટ માટે 27 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 46 બોલમાં 46 રન બનાવી આઉટ થયો હતો. ગિલે એક સિક્સ અને એક બાઉન્ડ્રી ફટકારી હતી. નીતિશ રાણા 13 રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો. દિનેશ કાર્તિક (0)ને રબાડાએ બોલ્ડ કરીને કોલકત્તાને ચોથો ઝટકો આપ્યો હતો. 

કેપ્ટન ઇયોન મોર્ગન આ સીઝનમાં બેટથી સતત ફ્લોપ રહ્યો છે. આજે પણ જરૂરીયાતના સમયે મોર્ગન 3 બોલમાં શૂન્ય રન બનાવી નોર્ત્જેની ઓવરમાં બોલ્ડ થયો હતો. શાકિબ અલ-હસન શૂન્ય રન બનાવી અશ્વિનની ઓવરમાં LBW આઉટ થયો હતો. ત્યારબાદ અશ્વિને સુનીલ નારાયણ (0)ને આઉટ કરી દિલ્હીની વાપસી કરાવી હતી. રાહુલ ત્રિપાઠીએ અંતિમ ઓવરના પાંચમાં બોલ પર સિક્સ ફટકારી કેકેઆરને જીત અપાવી હતી.

દિલ્હીના ઓપનરો સારૂ શરૂઆત અપાવવામાં નિષ્ફળ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ધીમી રહી હતી. ટીમને 32 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઓપનર પૃથ્વી શો 12 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 18 રન બનાવી વરૂણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. ટીમે પાવરપ્લેમાં 1 વિકેટે 38 રન બનાવ્યા હતા. 

મિડલ ઓર્ડરમાં કોલકત્તાની શાનદાર બોલિંગ
મિડલ ઓર્ડરમાં પણ દિલ્હીના બેટર્સ મોટા શોટ્સ ફટકારવામાં નિષ્ફળ રહ્યા હતા. ટીમને 12મી ઓવરમાં 71 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. માર્કસ સ્ટોયનિસ 23 બોલમાં 18 રન બનાવી શિવમ માવીની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ શિખર ધવન 39 બોલમાં 36 રન બનાવી ચક્રવર્તીની ઓવરમાં કેચઆઉટ થયો હતો. 

શ્રય્યરે ટીમનો સ્કોર 130ને પાર કરાવ્યો
કેપ્ટન રિષભ પંત પણ 6 રન બનાવી લોકી ફર્ગ્યુસનની ઓવરમાં ત્રિપાઠીને કેચ આપી બેઠો હતો. દિલ્હીને 90 રન પર ચોથો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ શિમરોન હેટમાયરે 10 બોલમાં બે છગ્ગા સાથે 17 રન બનાવ્યા હતા. હેટમાયર રનઆઉટ થયો હતો. શ્રેયસ અય્યરે 27 બોલમાં 1 ફોર અને એક સિક્સ સાથે અણનમ 30 રન બનાવી ટીમનો સ્કોર 130ને પાર કરાવ્યો હતો. 

કોલકત્તા તરફથી વરૂણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપી બે વિકેટ ઝડપી હતી. શિવમ માવી અને ફર્ગ્યુસનને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news