દુબઈ જૂનિયર ઈન્ટરનેશનલ સિરીઝમાં મહેસાણાની તસનીમ મીરે જીત્યા બે ગોલ્ડ મેડલ

તસનીમે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ભારતની જ અન્ય મહિલા ખેલાડી તેરેસા જોલીને 21-15, 21-15થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો.
 

દુબઈ જૂનિયર ઈન્ટરનેશનલ સિરીઝમાં મહેસાણાની તસનીમ મીરે જીત્યા બે ગોલ્ડ મેડલ

તેજસ દવે/મહેસાણાઃ દુબઈમાં આજે સમાપ્ત થયેલી જૂનિયર ઈન્ટરનેશનલ સિરીઝ (બેડમિન્ટન)માં મહેસાણાની 14 વર્ષીય ખેલાડી તસનીમ મીરે બે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત તથા દેશનું ગૌરવ વધાર્યું છે. 11મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં તસનીમ મિરે મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 

તસનીમે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ભારતની જ અન્ય મહિલા ખેલાડી તેરેસા જોલીને 21-15, 21-15થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. તો સેમિફાઇનલમાં પણ મિરે શાનદાર પ્રદર્શન કરતા એકતરફી વિજય મેળવ્યો હતો. તેણે પોતાના જ દેશની તાન્યા હેમાનાથને 21-1, 21-0થી પરાજય આપ્યો હતો. 

મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તસનીમ મિરે મિક્સ ડબલ્સમાં પણ ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. મિક્સ ડબલ્સની ફાઇનલમાં તેણે ભારતના પુરૂષ ખેલાડી આયન રાશિદ સાથે જોડી બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં બંન્નેએ ત્રણ ગેમમાં જીત મેળવી હતી. બંન્ને ખેલાડીઓએ ગુલાહ ડ્વી પૂતરા અને ઝૈનાબા રીમ સિરાજની જોડીને 21-16, 22-24, 21-19થી પરાજય આપીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. 

તસનીમ મિર ગોલ્ડ મેડલ જીત્યા બાદ સોમવારે સવારે મહેસાણા પરત ફરવાની છે. તેની આ સિદ્ધિને લઈને તેના પરિવારજનો તથા લોકોમાં આનંદની લાગણી છવાઇ ગઈ છે. તો તસનીમ આગામી મહિને રશિયા ખાતે પણ રમવા જવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news