મિલર-પ્લેસિસની રેકોર્ડ ભાગીદારી, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને અંતિમ વનડેમાં હરાવી શ્રેણી જીતી

સાઉથ આફ્રિકાએ મિલર 139 અને પ્લેસિસ 125 રનની મદદથી પાંચ વિકેટ પર 320 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 280 રન બનાવી શક્યું હતું. 

મિલર-પ્લેસિસની રેકોર્ડ ભાગીદારી, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને અંતિમ વનડેમાં હરાવી શ્રેણી જીતી

હોબાર્ટઃ 'મેન ઓફ ધ મેચ' અને 'મેન ઓફ સીરીઝ' ડેવિડ મિલર અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ વચ્ચે રેકોર્ડ ભાગીદારીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 40 રને હરાવી ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. યજમાન ટીમે મિલર (139 રન) અને ડુ પ્લેસિસ (125 રન)ની સદીની મદદથી પાંચ વિકેટ ગુમાવીને 320 રન ફટકાર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ શોન માર્શ (106)ની સદી છતાં નિર્ધારિત 50 ઓવરમાં નવ વિકેટ પર 280 રન બનાવી શકી હતી. 

321 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલલી ઓસ્ટ્રેલિયન ટીમે 39 રનની અંદર પોતાની ત્રણ વિકેટ ક્રિસ લિન (0), કેપ્ટન એરોન ફિન્ચ (11) અને ટ્રેવિસ હેડ (6) ગુમાવી દીધી હતી. ત્યારબાદ શોન અને માર્કસ સ્ટોઇનિસ (63)એ ચોથી વિકેટ માટે 107 રન જોડ્યા હતા. શોને એલેક્સ કેરી (42)ની સાથે પાંચમી વિકેટ માટે 80 રની ભાગીદારી કરી હતી. શોન પાંચમાં બેટ્સમેનના રૂપમાં ટીમનો સ્કોર 226 રન હતો ત્યારે આઉટ થયો હતો. 

તેણે 102 બોલમાં સાત ફોર અને ચાર સિક્સની મદદથી પોતાના કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી. શોન આઉટ થયા બાદ ટીમ નવ વિકેટ પર 280 રન સુધી પહોંચી શકી હતી. દક્ષિણ આફ્રિકા માટે ડેલ સ્ટેન અને કાગિસો રબાડાએ ત્રણ-ત્રણ, જ્યારે ડ્વેન પ્રિટોરિયસને બે સફળતા મળી હતી. લુંગી નગિદીએ એક વિકેટ ઝડપી હતી. 

આ પહેલા ટોસ હારીને બેટીંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે પાંચ વિકેટ પર 320 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. 55 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ડુ પ્લેસિસ અને મિલરે ચોથી વિકેટ માટે 252 રન જોડ્યા અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. 

વનડેમાં ચોથી વિકેટ માટે સર્વાધિક રનનો ભાગીદારી

275* અજહરૂદ્દીન-અજય જાડેજા વિરુદ્ધ ઝિમ્બાબ્વે, કટક 1998 

256 યુવરાજ સિંહ- ધોની વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કટક 2017

252 ફાફ ડુ પ્લેસિસ-ડેવિડ મિલર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, હોબાર્ટ, 2018

237 રિકી પોન્ટિંગ, એંડ્રયૂ સાયમંન્ડસ વિરુદ્ધ શ્રીલંકા, સિડની 2006 

ડુ પ્લેસિસે 114 બોલ પર 15 ફોર અને બે સિક્સ, જ્યારે મિલરે 108 બોલમાં 13 ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. એડિન માર્કરમે 32 રન બનાવ્યા હતા. મિલરે શ્રેણીમાં કુલ 192 રન બનાવતા તેને મેન ઓફ ધ મેચની સાથે મેન ઓફ ધ શ્રેણીનો પુરસ્કાર પણ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક અને માર્કસ સ્ટોઇનિસને બે-બે તથા હેઝલવુડને એક સફળતા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news