Murali Vijay Retirement: મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય કરિયરને કહ્યું અલવિદા, જાણો અત્યાર સુધી કેવું રહ્યું કરિયર

Murali Vijay Record India: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 12 ટેસ્ટ સદી ફટકારી છે. 

Murali Vijay Retirement: મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય કરિયરને કહ્યું અલવિદા, જાણો અત્યાર સુધી કેવું રહ્યું કરિયર

નવી દિલ્હીઃ Murali Vijay Retirement Record India: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મુરલી વિજયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેણે ટ્વિટર પર એક લેટર શેર કરતા નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે લેટરમાં પોતાના ફેન્સ અને ટીમ ઈન્ડિયાનો આભાર માન્યો છે. વિજયને વનડે ફોર્મેટમાં ભારત માટે વધુ રમવાની તક મળી નહીં. પરંતુ તેણે ટેસ્ટ ફોર્મેટમાં 61 મેચ રમી છે. આ દરમિયાન વિજયે 12 સદી ફટકારી હતી. વિજયના નામે એક ખાસ ટેસ્ટ રેકોર્ડ નોંધાયેલો છે. તેણે ભારત માટે રમતા ટેસ્ટમાં ચેતેશ્વર પુજારા સાથે મળીને બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી. 

હકીકતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચ 2013માં ટેસ્ટ સિરીઝ રમાઈ. આ સિરીઝની બીજી મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. તેમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટના નુકસાનની સાથે 237 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. તેના જવાબમાં ટીમ ઈન્ડિયા માટે મુરલી વિજય અને સેહવાગ ઓપનિંગ કરવા પહોંચ્યા. વીરૂ માત્ર છ રન બનાવી આઉટ થયો હતો. સેહવાગ આઉટ થયા બાદ પુજારા બેટિંગ કરવા આવ્યો હતો. પુજારા અને વિજય વચ્ચે ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. આ બંનેએ 370 રન બનાવ્યા. આ ભારત માટે બીજી વિકેટ માટે સૌથી મોટી ટેસ્ટ ભાગીદારી રહી. 

વિજયે હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 361 બોલનો સામનો કરતા 167 રન બનાવ્યા હતા. તેણે કુલ 473 મિનિટ બેટિંગ કરી હતી. જો કલાકમાં જોવામાં આવે તો આઠ કલાક સુધી બેટિંગ કરી હતી. પુજારાએ આ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં કુલ 503 રન બનાવ્યા હતા. આ મેચ ભારતે એક ઈનિંગ અને 135 રનથી જીતી હતી. 

— Murali Vijay (@mvj888) January 30, 2023

મુરલી વિજયનું કરિયર
મુરલી વિજયે ભારત માટે વર્ષ 2008માં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેણે અત્યાર સુધી  કુલ 61 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 38.3ની એવરેજથી 3982 રન ફટકાર્યા છે. મુરલી વિજયના નામે 12 ટેસ્ટ સદી છે. મુરલી વિજયે ભારત માટે 17 વનડે મેચમાં 339 રન ફટકાર્યા હતા. મુરલી વિજયે ભારત માટે 9 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેણે 18.8ની એવરેજ અને 109.7ની સ્ટ્રાઇક રેટથી 169 રન ફટકાર્યા હતા. 

મુરલી વિજયે કહ્યુ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે, પરંતુ ક્રિકેટ જગતમાં તક શોધતો રહેશે. મુરલીએ કહ્યું કે, તે આગળ પણ ક્રિકેટમાં ખુદને ચેલેન્જ કરતો રહેશે. તેણે કહ્યું કે, મારૂ માનવું છે કે ક્રિકેટર તરીકે આ નવા સફરની શરૂઆત હશે. મુરલીએ પોતાના નિવેદનમાં લખ્યું- 2002થી 2018 સુધીનો સમય મારા જીવનનો સૌથી સારો સમય રહ્યો. આટલા મોટા લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. 

IPLમાં મુરલીના કરિયરની વિગત
મુરલી વિજય આઈપીએલમાં પણ લાંબો સમય રમ્યો હતો. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કુલ 106 મેચ રમી હતી. જેમાં મુરલી વિજયે 2619 રન ફટકાર્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 127 છે. મુરલી વિજયે આઈપીએલમાં બે સદી અને 13 અડધી સદી ફટકારી હતી. તેની સ્ટ્રાઇક રેટ 121.87 અને એવરેજ 25.93ની રહી છે. મુરલી વિજય ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં ઓપનિંગ કરતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news