PBKS vs DC: પંજાબે દિલ્હીને 4 વિકેટે હરાવ્યું, સેમ કરન અને લિવિંગસ્ટોન છવાયા
PBKS vs DC: આઈપીએલ 2024ની બીજી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ મેચમાં સેમ કરને શાનદાર અડધી સદી ફટકારી હતી.
Trending Photos
PBKS vs DC: આઈપીએલ 2024ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચંદીગઢ સ્થિત મહારાજા યદાવિંદ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતી દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. દિલ્હીની ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી. પરંતુ અંતિમ ઓવરમાં હર્ષલ પટેલે ઓવરમાં 25 રન ફટકારી દિલ્હીનો સ્કોર 174 રન પર પહોંચાડ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ માટે સેમ કરને શાનદાર અડધી સદી ફટકારી હતી. પંજાબે અંતિમ ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી 4 વિકેટે જીત મેળવી હતી.
દિલ્હી કેપિટલ્સે આપ્યો હતો 175 રનનો લક્ષ્ય
દિલ્હી કેપિટલ્સે ઈનિંગની શરૂઆત ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે કરી હતી. બંને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ આક્રમક શરૂઆત કરી હતી. ડેવિડ વોર્નર 21 બોલમાં 29 અને મિચેલ માર્શ 12 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો. લાંબા સમય બાદ મેદાન પર ઉતરેલો રિષભ પંત 13 બોલમાં 18 રન બનાવી આઉટ થયો હતો. શાઈ હોપે 25 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું હતું. અભિષેક પોરેલે માત્ર 10 બોલમાં 4 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 32 રન ફટકારી દીધા હતા.
સેમ કરન અને લિવિંગસ્ટોને અપાવી જીત
શિખર ધવને પંજાબ કિંગ્સને આક્રમક શરૂઆત અપાવી હતી. તે 16 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. જોની બેયરસ્ટો 3 બોલમાં 9 રન બનાવી આઉટ થયો હતો. મિડલ ઓર્ડરમાં પંજાબની બેટિંગ ધીમી રહી અને નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. પ્રભસિમરન સિંહે 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. પરંતુ સેમ કરને શાનદાર બેટિંગ કરી હતી. કરને 47 બોલમાં 63 રન બનાવ્યા હતા. અંતમાં લિયામ લિવિંગસ્ટોને 21 બોલમાં 38 રન ફટકારી પંજાબને જીત અપાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે