Ranji Trophy: જયદેવ ઉનડકટની ઘાતક બોલિંગ, ગુજરાતને 92 રને હરાવી સૌરાષ્ટ્ર ફાઇનલમાં
રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રે શાનદાર પ્રદર્શન કરતા ગુજરાતને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Trending Photos
રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી રણજી ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રે ગુજરાતને 92 રને પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો સામનો બંગાળ સામે થવાનો છે. ફાઇનલ મેચ 9 માર્ચથી શરૂ થશે. સેમિફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 304 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમ પ્રથમ ઈનિંગમાં 252 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં સૌરાષ્ટ્રને 52 રનની લીડ મળી હતી. ત્યારબાદ બીજા દાવમાં સૌરાષ્ટ્રે 274 રન બનાવ્યા હતા અને ગુજરાતને 337 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે બીજી ઈનિંગ 7 અને મેચમાં કુલ 10 વિકેટ ઝડપી છે.
Saurashtra hold their nerve in a thriller against Gujarat and reach the @paytm #RanjiTrophy 2019-20 final.👌
— BCCI Domestic (@BCCIdomestic) March 4, 2020
પ્રથમ ઈનિંગમાં સૌરાષ્ટ્રને મળી 52 રનની લીડ
સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા શેલ્ડન જેક્સનની શાનદાર સદી (103)ની મદદથી 304 રન બનાવ્યા હતા. શેલ્ડન સિવાય હાર્વિક દેસાઈ 35, કિશન પરમાર 37, એવી બારોટ 27 અને ચિરાગ જાનીએ 29 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી પ્રથમ ઈનિંગમાં અરઝન નાગસવાલાએ 5 અક્ષર પટેલે 3 અને રુષ કાલરિયાએ 2 વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ગુજરાતની ટીમ પ્રથમ ઈનિંગમાં 252 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં સૌરાષ્ટ્રને 52 રનની લીડ મળી હતી. ગુજરાત તરફથી રુજુલ ભટ્ટે 71 અને ચિંતન ગજાએ 61 રનનું યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ ઈનિંગમાં કેપ્ટન જયદેવ ઉનડકટે 3, ચિંતન સાકરિયા, ચિરાગ જાની અને ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી.
બીજી ઈનિંગમાં અર્પિત વસાવડાની સદી
52 રનની લીડ મેળવ્યા બાદ બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્રની શરૂઆત ખરાબ રહી અને ટીમે એક સમયે 15 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ચેતન સાકરિયા અને અર્તિપ વસાવડાએ છઠ્ઠી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. ટીમે 106 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. ચેતન આઉટ થયા બાદ ચિરાગ જાની (51)એ અર્પિત વસાવડા સાથે મળીને સાતમી વિકેટ માટે 109 રનની ભાગીદારી કરી સૌરાષ્ટ્રને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. અર્પિત વસાવડાએ 230 બોલનો સામનો કરતા 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 139 રનની ઈનિંગ રમી હતી. ગુજરાત તરફથી બીજી ઈનિંગમાં ચિંતન ગાજાએ 7 વિકેટ ઝડપી હતી.
6⃣3⃣ and counting! 👏👏
Saurashtra captain Jaydev Unadkat becomes the pacer with the most number of wickets in a #RanjiTrophy season. 💪💪
Follow the #GUJvSAU game live 👇👇https://t.co/bL3yaUUHOc@paytm @saucricket @JUnadkat pic.twitter.com/vWaZYsC9G3
— BCCI Domestic (@BCCIdomestic) March 4, 2020
જયદેવે બનાવ્યો રેકોર્ડ
સૌરાષ્ટ્રએ આપેલા 337 રનના લક્ષ્ય સામે ગુજરાતની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 63 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પાર્થિવ પટેલ (93) અને ચિરાગ ગાંધી (96)એ ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. એક સમયે મેચમાં ગુજરાત વાપસી કરશે તેવી શક્યતા લાગતી હતી. પરંતુ અંતિમ દિવસે ટી-બ્રેક બાદ જયદેવ ઉનડકટે ગુજરાતની છેલ્લા પાંચમાંથી ચાર વિકેટ ઝડપીને ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. જયદેવ ઉનડકટે બીજી ઈનિંગમાં 56 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આ સાથે રણજી ટ્રોફી 2019-2020ની સિઝનમાં જયદેવ ઉનડકટે 63 વિકેટ ઝડપી છે. તે એક રણજી ટ્રોફીના ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર બની ગયો છે. જયદેવ ઉનડકટે ડોંડા ગણેશનો રેકોર્ડ તોડ્યો છે. જેણે 1998-99ની સિઝનમાં 11 મેચમાં 62 વિકેટ ઝડપી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે