વર્લ્ડકપ 2019 SLvsENG: ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ, શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 20 રને હરાવ્યું

બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ ટૂર્નામેન્ટમાં મોટો અપસેટ સર્જતા યજમાન ઈંગ્લેન્ડને 20 રને હરાવ્યું છે. 

વર્લ્ડકપ 2019 SLvsENG: ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ, શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 20 રને હરાવ્યું

લીડ્સઃ આઈસીસી વિશ્વકપ-2019ની 27મી મેચમાં શ્રીલંકાએ મેજર અપસેટ સર્જતા ટાઇટલની પ્રબળ દાવેદાર યજમાન ઈંગ્લેન્ડને  20 રને પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 232 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 47 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી મલિંગાએ ચાર તથા ધનંજય ડિ સિલ્વાએ 3 વિકેટ ઝડપી હતી. 

આ વિજય સાથે શ્રીલંકાના 6 મેચોમાં 6 પોઈન્ટ થઈ જયા છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. તો ઈંગ્લેન્ડની ટીમનો છઠ્ઠી મેચમાં આ બીજો પરાજય છે. તે 8 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે. 

ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત
શ્રીલંકાએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની પ્રથમ ઓવરમાં મલિંગાએ જોની બેયરસ્ટો (0)ને LBW આઉટ કરીને શ્રીલંકાને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઈનિંગની સાતમી ઓવરમાં મલિંગાએ જેમ્સ વિન્સે (14)ને આઉટ કરીને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 73 રન હતો ત્યારે ઈયોન મોર્ગન (21) રન બનાવી ઉડાનાનો શિકાર બન્યો હતો. 

રૂટની વિશ્વકપમાં પાંચમી અડધી સદી
ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા જો રૂટે ફરી અડધી સદી ફટકારી હતી. આ વિશ્વકપમાં તેણે પાંચમી વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો. તેણે બેન સ્ટોક્સ સાથે ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. રૂટ (57)ને મલિંગાએ આઉટ કર્યો હતો. તેણે 89 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા ફટકાર્યા હતા. બેન સ્ટોક્સે આ વિશ્વકપમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. બેન સ્ટોક્સ 89 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 82 રન ફટકારી અણનમ રહ્યો હતો. 

જોસ બટલર 16 રન બનાવી મલિંગાનો શિકાર બન્યો હતો. મોઇન અલી (16), ક્રિસ વોક્સ (2), આદિલ રાશિદ (1)ને ધનંજયા ડિ સિલ્વાએ આઉટ કર્યાં હતા. જોફ્રા આર્ચર (3)ને ઉડાનાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

મલિંગાએ વિશ્વકપમાં પૂરી કરી 50 વિકેટ
શ્રીલંકાના અનુભવી બોલર લસિથ મલિંગાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ સાથે મલિંગાએ વિશ્વકપમાં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મલિંગાએ 10 ઓવરમાં 1 મેડન સાથે કુલ 43 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 

આર્ચર-વુડે ઝડપી 3-3 વિકેટ
શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ પર 232 રન બનાવ્યા હતા. તેના માટે પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યૂસે અણનમ 85 રન બનાવ્યા હતા. અવિષ્કા ફર્નાન્ડોએ 49 અને કુસલ મેન્ડિસે 46 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને માર્ક વુડે 3-3 વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદને બે સફળતા મળી હતી. 

મેથ્યૂસે બે ખેલાડીઓ સાથે કરી અડધી સદીની ભાગીદારી 
કુસલ મેન્ડિસ અને મેથ્યૂસે ચોથી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. મેથ્યૂસે પોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. અવિષ્કાએ મેન્ડિસની સાથે ત્રીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. મેથ્યૂસે ધનંજય ડિ સિલ્વાની સાથે છઠ્ઠી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. ધનંજયે 29 રન બનાવ્યા હતા. કેપ્ટન દિમુથ કરૂણારત્ને એક રન બનાવીને આઉટ થયો હતો. 

આર્ચર એક વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ઈંગ્લેન્ડનો બીજો બોલર
આર્ચરની આ વિશ્વકપમાં 15 વિકેટ થઈ ગઈ છે. તે સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કની સાથે સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાન પર છે. આર્ચર ઈંગ્લેન્ડ માટે એક વિશ્વકપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં બીજા સ્થાન પર આવી ગયો છે. તેણે એડ્રયૂ ફ્લિન્ટોફને પાછળ છોડ્યો છે. ફ્લિન્ટોફે 2007મા 14 વિકેટ ઝડપી હતી. આ મામલામાં ઇયાન બોથમ પ્રથમ સ્થાન પર છે. તેણે 1992મા 16 વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news