ક્યારેય વિચાર્યું છે કે મોબાઈલથી વાત કરતા કયો જીની સેંકડો કિલોમીટર દૂર પહોંચાડે છે આપનો અવાજ?

દેશભરમાં નખાયેલાં સેલફોન ટાવર આ કિસ્સામાં પોસ્ટમેનની ભૂમિકા અદા કરે છે. પણ પોસ્ટમેન કરતાં થોડું વધુ જવાબદારીવાળું કામ આ નિર્જિવ ટાવરનું હોય છે. હવે એમાં પણ 5Gમાં આપણને આધુનિક અવતાર જોવા મળશે.  

Updated By: Jan 18, 2021, 04:51 PM IST
ક્યારેય વિચાર્યું છે કે મોબાઈલથી વાત કરતા કયો જીની સેંકડો કિલોમીટર દૂર પહોંચાડે છે આપનો અવાજ?

કુંતલ સોલંકી, અમદાવાદઃ મોબાઈલ પર ઈનકમિંગ અને આઉટગોઈંગ ફ્રી થયા પછી આપણે સહુ સાવ નિશ્ચિંત બની ગયા છે. ઘણાં બધાં કિસ્સામાં તો મોબાઇલ પર કલાકો સુધી વાતો કરતા લોકો પણ જોવા મળે છે. મોબાઈલમાં ઘૂસેલાં રહેતાં આપણે સહુ ક્યારેય એ વિચારીએ છીએ કે જે ક્ષણે આપણે બોલીએ એ જ ક્ષણે સેંકડો કે કદાચ હજારો કિલોમીટર દૂર આપણો અવાજ કેવી રીતે પહોંચી જતો હશે. અવાજ આખરે ટ્રાવેલ કરે છે કંઈ રીતે?

અવાજનું સ્થળાંતર મોડર્ન સાયન્સના મેજિકથી ઓછું નથી!
જ્યારે પણ આપણે મોબાઈલ પર વાતચીત કરીએ છે ત્યારે અવાજનું સ્થળાંતર એટલું રિયલ ટાઈમ હોય છે. જાણે ચહેરાની સામે ચહેરો રાખીને બે વ્યક્તિઓ વાતચીત કરતાં હોય. આટલી ઝડપથી સેકન્ડના પણ સેન્ટી કે મિલીભાગમાં અવાજ કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જાય છે અને એ પણ કોઈપણ ડિસ્ટર્બન્સ વિના? આમ તો આખી બાબત ઘણી જટિલ છે. પણ આપણે આને સરળ ભાષામાં સમજીશું. જ્યારે પણ મોબાઈલથી મોબાઈલમાં વાત થાય છે ત્યારે બંનેની વાતચીતને રિયલ ટાઈમ હકીકતમાં ફેરવવામાં ટાવર અને તેના સિગ્નલની ભૂમિકા બહુ જ મહત્વની છે. આપણા મોબાઇલ ફોનમાં ઉપરના બારમાં આપણે જે ટાવરના સિગ્નલના કાંટા જોઈએ છીએ એ એજ હોય છે કે ટાવરનું સિગ્લન કેટલું આવી રહ્યું છે? જો એ પૂરેપૂરું આવતું હોય તો વાતચીત સ્પષ્ટ થતી હોય છે. હવે આપણે સમજીએ કે મોબાઈલના નેટવર્કના ટાવર કેવી રીતે કામ કરે છે?

જુઓ મિત્રો, મોબાઈલ ટાવર ખરેખર તો આધુનિક ટપાલી જ છે. આપણા મોબાઇલમાંથી આપણે વાત કરીએ એટલે એમાંથી અવાજ છે એ રેડિયો ફ્રિકવન્સી સિગ્નલમાં તબદીલ થઈને હવામાં વહેતા થાય છે. આજુબાજુમાં ટાવર હોય એટલે એ આપણાં મોબાઈલમાંથી વહેતા થયેલાં રેડિયો ફ્રિકવન્સી સિગ્નલને રિસીવ કરી લે છે હવે પછીનું ટાવરનું કામ પણ ખૂબ મહત્વનું છે. હવે આ ટાવર જે કંપનીનું નેટવર્ક આપણે વાપરતા હોય તેના મોબાઈલ સ્વિચિંગ સેન્ટરમાં આપણે રેડિયો ફ્રિકવન્સી સિગ્નલના સ્વરૂપમાં છોડેલાં અવાજને પહોંચાડે છે. સરળ શબ્દોમાં સમજો તો આપણાં અવાજનું પડીકું આ ટાવર ભાઈ જે-તે મોબાઈલ કંપનીના સ્વિચિંગ સેન્ટરમાં મોકલી આપે છે! પછી શું થાય છે? હવે આ મોબાઇલ સ્વિચિંગ સેન્ટર છે એ જ્યાં તમે વાત કરવા ઈચ્છો છો તે સ્થળે એ જ પડીકું મોકલાવી દે છે. અને પછી સામા છેડાની વ્યક્તિના નજીકના મોબાઈલ ટાવરમાં એ પડીકું ડિલિવર થાય છે.

 

એ ટાવર શું કરે છે?
સામા છેડાના વ્યક્તિને રેડિયો ફ્રિકવન્સી સિગ્નલ મોકલે છે. એ સિગ્નલ અવાજમાં કન્વર્ટ થઈને સામા છેડાના વ્યક્તિને સંભળાય છે. હવે તમને લાગશે કે આ લાંબી લચ્ચક પ્રોસિજર તો કેટલો સમય લેતી હશે? જવાબ છે બસ આંખના પલકારામાં આ આખી પ્રોસિજર થઈ જાય છે. એટલે જ તો હડી કાઢીને તમારો અવાજ સામે છેડે પહોંચે છે અને સામસામે બે વ્યક્તિ વાત કરતા હોય એટલું રિયલ લાગે છે. છે ને ટેક્નોલોજીની જબરદસ્ત કમાલ!


5G ટેક્નોલોજીમાં ટાવરનું સ્વરૂપ પણ થઈ જશે માઈક્રો!
દેશમાં હવે 5G ટેક્નોલોજી પર તૈયારીઓ ચાલી રહી છે. જિયો 5G સર્વિસ લાવી રહી છે. આ સાથે જ બીજી કંપનીઓ પણ તૈયારીઓમાં વ્યસ્ત છે. તેવામાં મહાકાય ટાવરમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવવાનું છે. હવે પછીના ટાવરમાં જે-જે ડિવાઈસ, કોમ્પોનેન્ટ લાગવાના છે એ એકદમ માઇક્રો સ્વરૂપના થઈ જવાના છે. એટલે કે હવે પછીના મોબાઈલ ટાવર એવા આવશે જાણે એક નાનું સ્વીચ બોર્ડ કે પછી લેમ્પ કે નાનકડો એવો ફાઈબરનો થાંભલો ક્યાંક તમને લાગેલો દેખાઈ શકે છે! આના પર હાલમાં કામ ચાલી રહ્યું છે. ધીમે ધીમે આ મોટા ટાવર ગાયબ થઈ જવાના એ પણ આવનારા સમયની હકીકત છે!