ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વચ્ચે મોટા સમાચાર, ખેડૂતના ધરમધક્કા નહિ વધે

Gujarat Farmers : ટેકાના ભાવે મગફળી ખરીદવાના કેન્દ્રોની સંખ્યા વધી... ગુજકામાસોલે મગફળીની ખરીદી માટે 12 નવા કેન્દ્રો શરૂ કર્યા.. મગફળી ખરીદીમાં જોડાયેલી અન્ય એજન્સીઓએ પણ કેન્દ્રો વધાર્યા... રાજ્યમાં 180 કેન્દ્રો પર ચાલી રહી છે ખરીદી

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વચ્ચે મોટા સમાચાર, ખેડૂતના ધરમધક્કા નહિ વધે

Gujarat Government : હાલ રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકના ભાવે મગફળી ખરીદી ચાલુ છે, પરંતું આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહ્યાનો આક્ષેપ ચારેતરફથી ઉઠ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં ટેકાના ભેવા મગફળીની ખરીદી માટેના કેન્દ્રોમાં વધારો કરવાની જાહેરાત કરાઈ છે.  

ગાંધીનગરથી મોટા અપડેટ
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે કેન્દ્રોમાં વધારો કરાયો છે. રાજ્યભરમાં ૧૮૦ કેન્દ્રો પર મગફળી ખરીદી શરૂ કરાઈ છે. ગુજકોમાસોલ દ્વારા ૧૨ નવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. મગફળી ખરીદીમાં જોડાયેલી અન્ય એજન્સીઓએ પણ કેન્દ્રો વધાર્યા છે. રાજકોટ તથા જૂનાગઢમાં ૫-૫ નવા કેન્દ્રો શરૂ થયા છે. મગફળી ખરીદીમાં રૂપિયા ૮૬૦ કરોડની ચૂકવણી કરાઈ છે. ધીમી મગફળી ખરીદીની ઉઠેલી ફરિયાદ બાદ કેન્દ્રોમાં વધારો કરવાનો નિર્ણય કૃષિ વિભાગ દ્વારા લેવાયો છે. 

ધીમી ગતિથી કંટાળ્યા ખેડૂતો
રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો મામલામાં ટેકાના ભાવ મગફળી ખરીદવા કરેલ સેન્ટર બંધ કરેલ તે ચાલુ કરવા માંગ કરાઈ હતી. હાલ મગફળી ખરીદી ચાલુ છે પરંતુ ધીમી ગતિએ ચાલી રહ્યા અને આક્ષેપો ઉઠ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આપ પ્રમુખ અમૃત ગજેરાએ કહ્યુ હતું કે, શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું, પરંતું હાલ એક યુનિટ બંધ છે. મગફળી અને સોયાબીન માટે 7000 જેટલા ખેડૂતોએ રજીસ્ટર કરાવેલ છે. દિવસના ખાલી 50 થી 100 ખેડૂતોનો વારો આવી રહ્યો છે તેમાં પણ દૂરથી અંતર કાપીને રાત ઉજાગરા કરી લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. ઉપલેટા અથવા તો ભાયાવદર શહેરમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે. ભાયાવદર શહેર નજીક ગ્રામ્ય વિસ્તાર વધારે આવેલ હોય જેથી ખેડૂતોને અંતર કાપીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ન જવું પડે. તેઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે ખેડૂતોને માંગણી પર ધ્યાન આપવામાં આવે. આગામી સમયમાં જો ધ્યાન આપવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી અને ખેડૂતો સાથે રહીને ગાંધીજી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. 

ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની જાહેરાત
ગત રોજ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. જે અન્વયે રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE  મારફતે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી કરવામાં આવશે. આ ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news