US: સિએટલ એરપોર્ટથી કર્મચારી ચોરીછૂપે વિમાન ઉડાવી ગયો, પણ થોડી જ....

વોશિંગ્ટનના સિએટલ ટેકોમા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે હડકંપ મચી ગયો

US: સિએટલ એરપોર્ટથી કર્મચારી ચોરીછૂપે વિમાન ઉડાવી ગયો, પણ થોડી જ....

વોશિંગ્ટન: વોશિંગ્ટનના સિએટલ ટેકોમા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે હડકંપ મચી ગયો. અહીં અલાસ્કા એરલાઈન્સનો એક કર્મચારી એરપોર્ટ પર ઊભેલા વિમાનને મંજૂરી વગર ઉડાવી લઈ ગયો. જેના કારણે બધા કર્મચારીઓ અને અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયાં. કહેવાય છે કે વિમાનમાં તે વખતે કોઈ પણ મુસાફર હાજર નહતો. થોડીવારમાં તે વિમાન ક્રેશ થઈ ગયું. 

એરપોર્ટના અધિકારીઓએ એક ટ્વિટમાં આ અંગે પુષ્ટિ કરી છે કે સિએટલ ટેકોમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હોરીઝોન એર Q400 યાત્રી વિમાનને એરલાઈન્સનો એક કર્મચારી મંજૂરી વગર ઉડાવી ગયો.  ત્યારબાદ આ વિમાન દક્ષિણ વોશિંગ્ટનમાં ક્રેશ થઈ ગયું. અધિકારીઓના જણાવ્યાં મુજબ તેઓ આ અંગે તપાસ કરી રહ્યાં છે કે દુર્ઘટના વખતે વિમાનમાં કોઈ મુસાફર હતો કે નહીં. 

અધિકારીઓએ એક અન્ય ટ્વિટમાં જાણકારી આપી કે મંજૂરી વગર ઉડાણ ભરનાર આ વિમાન દક્ષિણ વોશિંગ્ટનના સાઉથ પુગેટ સાઉન્ડ વિસ્તારમાં તૂટી પડ્યું છે. ઘટના બાદ વોશિંગ્ટનના સિએટલ ટેકોમા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક સુચારુ કરી દેવાયો છે. મામલાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એરલાઈન્સના એક મિકેનિકે આ વિમાન ચોરી કર્યુ હતું. 

ત્યારબાદ કોઈની પણ મંજૂરી વગર આ વિમાનને તે ઉડાવી ગયો હતો. ત્યારબાદ  વિમાન પાછળ અમેરિકી એરફોર્સના એફ-15 ફાઈટર જેટ લગાવાયા. તેમણે તેના પર નજર રાખી. પોલીસનું કહેવું છે કે આ ઘટના કોઈ આતંકી ઘટના નથી. આ એક આત્મઘાતી ઘટના હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news