બેરોજગારોને ફ્રીમાં ભોજન કરાવે છે આ રેસ્ટોરન્ટ, નોકરી મળે ત્યારે આપવાના પૈસા
દુનિયામાં તમે એકથી એક ચડિયાતા વિશાળ મનના માણસો જોયા હશે. પરંતુ આ બધા વચ્ચે કઈંક એવા છે જે પોતાની અમીટ છાપ છોડી જાય છે.
Trending Photos
દુબઈ: દુનિયામાં તમે એકથી એક ચડિયાતા વિશાળ મનના માણસો જોયા હશે. પરંતુ આ બધા વચ્ચે કઈંક એવા છે જે પોતાની અમીટ છાપ છોડી જાય છે. દુબઈમાં એક એવી રેસ્ટોરન્ટ છે જે બેરોજગારોને ફ્રીમાં ભોજન કરાવે છે, આ રેસ્ટોરન્ટની બહાર બોર્ડ લાગ્યું છે કે જો તમે નોકરી શોધી રહ્યાં હોવ તો અમારા ત્યાં આવીને ભોજન કરી શકો છો. પૈસાની ચિંતા નકરો, જ્યારે નોકરી મળ ત્યારે પાછા આવીને અમને પૈસા ચૂકવી શકો છો. રેસ્ટોરન્ટ એ પણ અપીલ કરે છે કે વગર પૈસે ભોજન કરવામાં જરાય શરમ અનુભવવાની જરૂર નથી.
દુબઈના સિલિકોન ઓએસિસમાં ધ કબાબ શોપ (The Kebab Shop) નામની આ રેસ્ટોરન્ટ ચલાવનારા વ્યક્તિનું નામ કમાલ રિઝવી છે. તે કેનેડિયન-પાકિસ્તાની નાગરિક છે. આ જ રેસ્ટોરન્ટ દ્વારા તે સમાજસેવાનું કામ પણ કરે છે. કમાલ કહે છે કે જ્યારે લોકોના હાથમાં નોકરી ન હોય તો તેને નાનકડી મદદ કરીને પણ મને ખુશી મળે છે.
એક ઘટના બાદ આ યોજના શરૂ કરવાનો ખ્યાલ આવ્યો...
આ વસ્તુની શરૂઆત કેવી રીતે થઈ. જેના પર કમાલ રિઝવી જણાવે છે કે રેસ્ટોરન્ટમાં કેટલાક લોકો સતત ખાવા માટે આવતા હતાં. આવામાં તે લોકો સાથે વાતચીત પણ થતી હતી. સારી ઓળખાણ પણ થઈ ગઈ હતી. આ દરમિયાન મે જોયું કે તેમાંથી એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં આવવાનું બંધ કરી દીધુ. જ્યારે મે તેમાંથી એક વ્યક્તિને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેની નોકરી છૂટી ગઈ છે. હવે તેની પાસે રેસ્ટોરન્ટમાં ખાવા માટે પૈસા નથી. આ સાંભળીને મને ખરાબ લાગ્યું. ત્યારે મેં તેમને કહ્યું કે તમારા મિત્રને લઈને આવો. તેને કહો કે તે ચિંતા વગર ભોજન કરે. આ કોઈ ચેરિટી નથી. તેઓ તેને લોન સમજે અને જ્યારે તેમની નોકરી લાગે તો તેઓ પૈસા આપી દે.
ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ ત્યારબાદ તે વ્યક્તિ ફરીથી આવવા લાગ્યો. આ ઘટનાએ જ મને આ રીતે કામ કરવાની પ્રેરણા આપી. તેનાથી મને એ અનુભવ થયો કે આ રીતે જાણે કેટલાય લોકો મજબુર હશે. રિઝવીએ પોતાના રેસ્ટોરન્ટની સામે તેનું બોર્ડ પણ લગાવી રાખ્યું છે.
કોઈ દસ્તાવેજ માંગતા નથી
જો તમે એમ વિચારી રહ્યાં હોય કે આ રેસ્ટોરન્ટમાં ફ્રીમાં ભોજન કરવા માટે કોઈ ભારે રકમ ચૂકવવી પડશે તો તમે ખોટા છો. કમાલ રિઝવીએ નિયમ બનાવી રાખ્યો છે કે જે પણ રેસ્ટોરન્ટમાં ફ્રીમાં ખાવા માંગતા હોય તેમની પાસેથી કોઈ કાગળ કે દસ્તાવેજ ન માંગવા. રિઝવી જણાવે છે કે જરૂરિયાતવાળા લોકો રેસ્ટોરન્ટમાં એકબાજુ બેસે છે અને અમે તેમને બાકીના લોકોની જેમ જ ખવડાવીએ છીએ. તેમાંથી અનેક લોકો નેપકિન પર ધન્યવાદ લખીને ટેબલ પર છોડી જાય છે.
પૈસા વગર ખાનારા લોકોનો કોઈ રેકોર્ડ નથી
કમાલ રિઝવીની આ રેસ્ટોરન્ટમાં પૈસા વગર ખાનારા લોકોનો કોઈ રેકોર્ડ પણ નથી. રિઝવીને જ્યારે પૂછવામાં આવ્યું કે લોકો સાચે જ પૈસા ચૂકવી દે છે? તો તેમણે કહ્યું કે કેટલાક લોકોને બાદ કરતા મોટા ભાગના લોકો પાછા આવે છે. અમે તેમને એમ જ કહીએ છીએ કે તમારા મનમાં જે ઈચ્છા થાય તે આપી દો. કારણ કે અમે તમારો રેકોર્ડ રાખતા નથી. રિઝવીનું કહેવું છે કે મને આ સેવાથી ખુબ શાંતિ અને ખુશી મળે છે. તે મારા કારોબર પર વધુ અસર પણ પાડતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે