જેના પર આખી દુનિયાની હતી નજર, કિમ જોંગે કરી વધુ એક મોટી જાહેરાત
Trending Photos
સિયોલ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને શનિવારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈન સાથે થયેલી શિખરવાર્તામાં કહ્યું કે તેઓ આગામી મહિને દેશના પુંગેરી સ્થિત પરમાણુ પરીક્ષણ સ્થળને બંધ કરી નાખશે. મૂનના કાર્યાલયે રવિવારે આ જાણકારી આપી. સમાચાર એજન્સી યોનહાપના જણાવ્યાં મુજબ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂનના પ્રમુખ પ્રેસ સચિવ યૂન યોંગ ચાને લાઈવ પ્રસારણ દરમિયાન કહ્યું કે મૂન અને કિમ જોંગ વચ્ચે એ વાત ઉપર સહમતિ બની હતી કે જ્યારે પણ ઉત્તર કોરિયા પોતાના પરમાણુ પરીક્ષણ સ્થળને બંધ કરશે તો તે તેની જાણકારી સાર્વજનિક કરશે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈનના પ્રવક્તા યૂન યંગ ચાને કહ્યું કે કિમે આ ટિપ્પણી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે શુક્રવારે 27 એપ્રિલના રોજ સરહદી ગામમાં પોતાની શિખરવાર્તા દરમિયાન કરી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાની પ્રસ્તાવિત બેઠકને લઈને સકારાત્મક વલણ અપનાવતા કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ એ સમજશે કે તેઓ 'એવા વ્યક્તિ નથી' જે અમેરિકા તરફ મિસાઈલ છોડશે. મૂન અને કિમે શિખરવાર્તા દરમિયાન કોરિયાઈ પ્રાયદ્વીપના પૂર્ણ પરમાણુ નીરસ્ત્રીકરણની દિશામાં કામ કરવાનું વચન આપ્યું હતું. જો કે હજુ આ સંદર્ભમાં સમયસીમાનો કોઈ ઉલ્લેખ નહતો. દક્ષિણ કોરિયાએ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સંભવિત શિખર વાર્તા માટે ખુબ પ્રયત્નો કર્યાં. આ બેઠક આગામી મહિને કે પછી જૂનમાં શરૂ થવાની આશા છે.
યૂને કિમના નિવેદનને ટાંકતા કહ્યું કે "એકવાર અમે વાત શરૂ કરીશું ત્યારે અમેરિકાને ખબર પડશે કે હું એવો વ્યક્તિ નથી જે દક્ષિણ કોરિયા, પ્રશાંત ક્ષેત્ર કે અમેરિકા પર પરમાણુ હથિયારો છોડું." યૂને ઉત્તર કોરિયાઈ નેતાને ટાંકીને એમ પણ કહ્યું કે અમે જો અવરનવર બેઠક કરીએ છીએ અને અમેરિકા સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ બનાવીએ છીએ તથા અમારી સાથે જંગ અને આક્રમણની સંધિ કરવામાં આવે તો અમારે અમારા પરમાણુ હથિયારો રાખવાની સમસ્યા સાથે રહેવાની શી જરૂર છે" કિમ જોંગે કહ્યું કે તેઓ સુરક્ષા વિશેષજ્ઞો અને પત્રકારોને ઉત્તર કોરિયા આવવાનું આમંત્રણ આપશે.
યૂનના જણાવ્યાં મુજબ કિમ જોંગે કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યાં છે કે અમે તે પરીક્ષણ સ્થળોને બંધ કરી રહ્યાં છીએ જે કામકાજ નથી કરી રહ્યાં. પરંતુ તમને જણાવીએ કે અમારી પાસે બે વધુ જગ્યા છે જે ખુબ સારી સ્થિતિમાં છે. કિમે કહ્યું કે તે કોરિયાઈ યુદ્ધના દર્દનાક ઈતિહાસને દોહરાવશે નહીં. કોઈ પણ પ્રકારના સૈન્ય ટકરાવને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. કિમ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચેના સમયના ફેરફારને એક સમાન કરવા માટે પણ સહમત થયાં. દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયાથી 30 મિનિટ આગળ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે