ભારતના આક્રમક વલણથી ડરેલા પાકિસ્તાને PoKના લોકોને કહ્યું- 'બંકરોમાં રહો'

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાની સેનાને એક વધુ સર્જિકલ સ્ટ્રાઈકનો ડર  લાગી  રહ્યો છે. પાકિસ્તાની સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના લોકોને રાતના સમયે બંકરોમાં રહેવા માટે જણાવ્યું છે.

ભારતના આક્રમક વલણથી ડરેલા પાકિસ્તાને PoKના લોકોને કહ્યું- 'બંકરોમાં રહો'

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાની સેનાને એક વધુ સર્જિકલ સ્ટ્રાઈકનો ડર  લાગી  રહ્યો છે. પાકિસ્તાની સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના લોકોને રાતના સમયે બંકરોમાં રહેવા માટે જણાવ્યું છે. પાકિસ્તાનની સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પીઓકે પાસે રહેતા લોકોને કહ્યું છે કે તેઓ લાઈન ઓફ કંટ્રોલથી દૂર રહે. પાક સરકારે પીઓકેના લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવાની સાથે સાથે મુસાફરી માટે પણ સુરક્ષિત માર્ગોનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સાથે જ લોકોને રાતના સમયે ફરવા અને સમૂહમાં બહાર નીકળવાથી પણ રોક્યા છે. 

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ડેપ્યુટી ડાઈરેક્ટર એડમિનિસ્ટ્રેશનના હવાલે નીલમ, ઝેલમ, રાવલકોટ, હવેલી, કોટલી અને ભીંભરના ડીસીને જારી કરેલા આદેશમાં લખ્યું છે કે હાલના હાલાત જોતા એલઓસી પાસે રહેતા દરેક વ્યક્તિને જણાવવામાં આવે છે કે ભારતીય સેના ગમે ત્યારે હિંસક કાર્યવાહી કરી શકે છે. આથી જે લોકો એલઓસી પાસે રહે છે તેમને જણાવાય છે કે તેઓ સુરક્ષાનું ધ્યાન રાખે અને આવવા જવા માટે સુરક્ષિત માર્ગોનો ઉપયોગ કરે. એક સ્થળે નાગરિકો જમાવડો ન કરે. જે લોકો એલઓસી પાસે રહે છે તેમની પાસે બંકર ન હોય તો તરત બંકર તૈયાર કરે. રાતના સમયે જરૂર ન હોય તો લાઈટ ન ચાલુ કરે. એલઓસી પાસે કારણ વગર અવરજવર ન કરે. પશુઓને પણ એલઓસી પાસે ચરાવવા ન લઈ જાય. 

આ આદેશમાં આગળ લખ્યું છે કે આ ઉપરાંત તમારા (ડીસી) નિવાસીઓને અને તેમના પ્રિયજનોની સુરક્ષા માટે તમામ સુરક્ષા ઉપાયો કરવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો શક થાય તો સંબંધિત પ્રશાસનને સૂચિત કરે. આ સંદેશને તમારા દ્વારા નિર્દિષ્ટ ક્ષેત્રોમાં રહેતા લોકો સુધી પહોંચાડવો. 

કાશ્મીરમાં સૈનિકોની સુરક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
પુલવામા આતંકી હુમલા બાદ શ્રીનગરમાં અર્ધસૈનિક દળોની સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ હવે બીએસએફ, અસમ રાઈફલ્સ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, એનએસજી અને આઈટીબીપીના જવાનોને કાશ્મીર ઘાટીમાં તહેનાતી માટે હવાઈ માર્ગથી જ શ્રીનગર લઈ જવામાં આવશે. સૈનિકોની સુરક્ષાને જોતા હવે તમામ અર્ધસૈનિક દળોના જવાનોને પણ વિમાનથી જ શ્રીનગર લઈ જવાશે. 

આ નિર્ણય મુજબ હવે દરેક જવાન અને દરેક ઓફિસરને વિમાન મારફત જ જમ્મુથી શ્રીનગર મોકલવામાં આવશે. તમામ અર્ધ સૈનિક દળો માટે જારી કરાયેલો આ આદેશ આજથી જ લાગુ થઈ ગયો છે. 

રાજનાથે કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી જ્યા ગત અઠવાડિયે ભીષણ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન ગૃહમંત્રીને જમ્મુ અને કાશ્મીરની હાલની સ્થિતિની સાથે જ ભારત-પાકિસ્તાન સરહદની સ્થિતિ અંગે પણ જાણકારી અપાઈ હતી. 

બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબા, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાઈરેક્ટર રાજીવ જૈન ઉપરાંત અન્ય અધિકારીઓ પણ સામેલ હતાં. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓની ધરપકડ માટે ઉઠાવવામાં આવેલા પગલા ઉપર પણ ચર્ચા થઈ અને સરહદ પારથી ઘૂસણખોરી કેવી રીતે રોકવામાં આવે તેના ઉપર પણ વિચાર વિમર્શ થયો. 

અધિકારીએ જણાવ્યું કે ગૃહ મંત્રીએ અધિકારીઓને નિર્દશ આપ્યો હતો કે તેઓ સુનિશ્ચિત કરે કે કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકીઓ વિરુદ્ધ દરેક શક્ય પગલા લેવાય. તેમણે દેશના વિભિન્ન હિસ્સાઓમાં રહેતા નિર્દોષ કાશ્મીરીઓની રક્ષા માટે પણ નિર્દેશ આપ્યાં. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગત અઠવાડિયે 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર જૈશ એ મોહમ્મદના  આતંકીએ વિસ્ફોટકો ભરેલા વાહનથી ટક્કર મારતા 40 જવાનો શહીદ થયા હતાં. 

સેનાના શ્રીનગરના ચિનાર કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ કે જે એસ ઢિલ્લોએ મંગળવારે કહ્યું હતું કે જે પણ બંદૂક ઉઠાવશે તે માર્યો જશે. તેમણે કાશ્મીરની માતાઓને પણ આગ્રહ કર્યો હતો કે પોતાના બાળકોને આત્મસમર્પણ માટે મનાવે. પુલવામા હુમલા બાદ સોમવારે જૈશના આતંકીઓ સાથે અથડામણમાં મેજર સહિત સેનાના 5 જવાનો શહીદ થયા હતાં. જેમાં આતંકવાદી સંગઠનના બે ટોચના કમાન્ડોર માર્યા ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news