ટાઈટન મુસાફરોએ કેવી રીતે પસાર કર્યો હતો અંતિમ દિવસ? પળે પળની વિગત સામે આવી, જાણીને આંખો ભીની થઈ જશે

Titan Submarine: ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે પાંચ લોકોને સાગરના પેટાળમાં લઈ ગયેલી સબમર્સિબલ ટાઈટનમાં વિનાશકારી વિસ્ફોટે તેમના પરિવારને ક્યારેય ન ભૂલાય તેવું દર્દ આપ્યું છે. સબમરીનમાં પાકિસ્તાની અબજપતિ શહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન પણ સવાર હતા. હવે દાઉદની પત્નીએ જણાવ્યું છે કે ટાઈટન પર સવાર થઈને સમુદ્રના તળિયે જતા પહેલા પતિ, પુત્ર અને અન્ય મુસાફરોએ પોતાનો છેલ્લો દિવસ કેવી રીતે વિતાવ્યો હતો. 

ટાઈટન મુસાફરોએ કેવી રીતે પસાર કર્યો હતો અંતિમ દિવસ? પળે પળની વિગત સામે આવી, જાણીને આંખો ભીની થઈ જશે

ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે પાંચ લોકોને સાગરના પેટાળમાં લઈ ગયેલી સબમર્સિબલ ટાઈટનમાં વિનાશકારી વિસ્ફોટે તેમના પરિવારને ક્યારેય ન ભૂલાય તેવું દર્દ આપ્યું છે. સબમરીનમાં પાકિસ્તાની અબજપતિ શહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન પણ સવાર હતા. હવે દાઉદની પત્નીએ જણાવ્યું છે કે ટાઈટન પર સવાર થઈને સમુદ્રના તળિયે જતા પહેલા પતિ, પુત્ર અને અન્ય મુસાફરોએ પોતાનો છેલ્લો દિવસ કેવી રીતે વિતાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના પતિઅને પુત્રએ છેલ્લા દિવસે સબમરીનના જહાજ પોલર પ્રિન્સના બંક બેડમાં રહેવું પડ્યું હતું અને ટ્રેમાં બુફે સ્ટાઈલથી ખાવું પડ્યું હતું. તેમણે જણાવ્યું કે ટાઈટન પર સવાર થઈને સમુદ્રમાં જતા પહેલા તમામ મુસાફરોએ એક પછી એક મીટિંગ્સમાં ભાગ લેવો પડ્યો હતો. વચ્ચે વચ્ચે તેઓ ટાઈટેનિક અકસ્માત પર બનેલી પ્રસિદ્ધ ફિલ્મ ટાઈટેનિક પણ જોઈ રહ્યા હતા. 

ટાઈટન સબમરીનમાં પાકિસ્તાની અબજપતિ અને તેમના પુત્ર ઉપરાંત સબમરીન બનાવનારી કંપની ઓશનગેટના સીઈઓ સ્ટોક્ટન રશ, બ્રિટિશ અબજપતિ બિઝનેસમેન હાર્મિશ હાર્ડિંગ અને ફ્રેન્ચ એક્સપ્લોરર પોલ ઓનરી નાર્જેલેટ સવાર હતા. શહજાદા દાઉદના પત્નીએ જણાવ્યું કે પોલર પ્રિન્સ પર નાના રૂમમાં રહેવા, ટ્રેમાં ખાવા અને સતત મીટિંગો છતાં તેમના પતિ અને પુત્ર ટાઈટેનિકની પોતાની મુસાફરીને લઈને ખુબ ખુશ હતા. 

ધ ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે પાંચ મુસાફરોએ પોતાનો છેલ્લો સમય સંભવત: અંધારામાં પોતાના મનપસંદ ગીતો સાંભળીને વિતાવ્યો. અખબારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આખરી પળોમાં તમામ મુસાફરો ભયાનક બાયોલુમિનસેન્ટ સમુદ્રી પ્રાણીઓથી ઘેરાયેલા હતા જે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. 

ટાઈટેનિક પ્રેમે લીધો જીવ
અખબાર સાથે વાતચીતમાં શહજાદા દાઉદના પત્ની ક્રિસ્ટીન દાઉદે કહ્યું કે તેમના પતિ અને પુત્ર સમુદ્રમાં 1250 ફૂટ નીચે સ્થિત ટાઈટેનિકનો કાટમાળ જોવા જવા માટે ખુબ ઉત્સાહિત હતા. તેમણે જણાવ્યું કે ટાઈટેનિકને લઈને શહજાદા દાઉદનું ઝનૂન 2012માં સિંગાપુરમાં ટાઈટેનિક પર આધારિત એક પ્રદર્શન જોયા બાદ શરૂ થયું હતું. વર્ષ 2019માં જ્યારે તેઓ સમુદ્રના રસ્તે ગ્રીનલેન્ડ જઈ રહ્યા હતા ત્યારે તેમનો સામનો તે ખતરનાક હિમખંડ સાથે થયો હતો જેની સાથે ટકરાઈને ટાઈટેનિકના બે ટુકડાં થયા હતા. ત્યારબાદ ટાઈટેનિક અંગે શાહજાદા દાઉદનું ઝનૂન વધી ગયું હતું. 

જ્યારે તેમણે ટાઈટેનિકની મુસાફરી કરાવનારી કંપની ઓશનગેટની જાહેરાત જોઈ તો તેમણે ટાઈટેનિકના કાટમાળ પાસ જવાનું નક્કી કરી લીધુ હતું. શહજાદા અને તેમના પત્ની ક્રિસ્ટીન પહેલા ટાઈટેનિક જોવા માટે જવાના હતા પરંતુ કોરોના મહામારીના કારણે યાત્રા સ્થગિત કરાઈ હતી. ત્યારબાદ જ્યારે ફરીથી યાત્રા શિડ્યૂલ કરાઈ તો ક્રિસ્ટીનની જગ્યાએ તેમનો 19 વર્ષના પુત્ર સુલેમાને પિતા સાથે જવાનું નક્કી કર્યું. 

સબમરીનનું જહાજ  પોલર પ્રિન્સ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડથી રવાના થવાનું હતું. જે વિમાનથી શાહજાદા અને તેમનો પરિવાર જહાજના પ્રસ્થાન પોઈન્ટ પર જવાના હતા તે ફ્લાઈટ રદ થઈ હતી. ત્યારબાદ તેઓ એક બીજી ફ્લાઈટથી ન્યૂફાઉન્ડલેન્ડ ગયા  પરંતુ તેમને ઘણું મોડું થઈ ગયું. પરિવાર ચિંતામાં હતો કે ક્યાંક મોડું થતા તેઓ પોલર પ્રિન્સને મિસ ન કરી દે અને છેલ્લે તેઓ જહાજ રવાના થતા પહેલા ત્યાં પહોંચી ગયા. ક્રિસ્ટીને જણાવ્યું કે અમે ખુબ ચિંતિત હતા. અમે વિચારી રહ્યા હતા કે હે ભગવાન શું થશે જો જહાજ પાસે લઈ જનારી બીજી ફ્લાઈટ પણ રદ થઈ જશે તો. 

ક્રિસ્ટીને વધુમાં કહ્યું કે કાશ એ બીજી ફ્લાઈટ પણ રદ થઈ હોત  અને તેઓ પોલર પ્રિન્સ સુધી પહોંચી ન શક્યા હોત તો તેમના પતિ અને પુત્ર આજે હેમખેમ તેમની પાસે હોત. તેમણે તે પળો યાદ કરતા કહ્યું કે સબમરીન રવાના થતા પહેલા શાહજાદા દાઉદ ખુશીથી ઉછળી રહ્યા હતા અને તેમનો પુત્ર પણ ખુબ ખુશ હતો. ક્રિસ્ટીને કહ્યું કે ઓશનગેટમાં મુસાફરોમાં વિશ્વાસ પેદા કરવા માટે અનેક પગલાં લેવાયા હતા. મુસાફરી પર જતા પહેલા ડાયેટ સંબંધિત ભલામણ કરાઈ હતી. નીચે ઓછા તાપમાનને લઈને કપડાં અંગે સલાહ અપાઈ હતી અને સમુદ્રના તળિયે જવા પર સબમરીનની સપાટી પર પાણીના ટીપા ભેગા થવા અંગે પણ ચેતવણી અપાઈ હતી. 

ટાઈટને જેવી સમુદ્રમાં ડુબકી મારી કે મુસાફરોને સલાહ આપવામાં આવી કે બેટરી બચાવવા માટે સબમરીનની લાઈટ બંધ કરી દો. લાઈટ બંધ કરવા છતાં ટાઈટનમાં સવાર મુસાફરો સુંદર સમુદ્રમાં પ્રકાશ ઉત્સર્જિત કરનારા જીવોને જોઈ શકતા હતા. જ્યારે તેઓ મુસાફરી પર નીકળી રહ્યા હતા ત્યારે તેમની પાસે તેમના મનપસંદ ગીતોની યાદી મંગાઈ હતી જેને તેઓ પોતાની મુસાફરી દરમિયાન સાંભળવાના હતા. 

ક્રિસ્ટીનનો પરિવાર આ સંપૂર્ણ તૈયારી દરમિયાન ખુબ ઉત્સાહિત હતો. શહજાદાને બસ એક જ મુશ્કેલી હતી કે તેઓ સમુદ્રના ઊંડાણમાં જવા માટે પહેરવામાં આવનારા ઉપકરણોને લઈને ફરિયાદ કરી રહ્યા હતા. ક્રિસ્ટીને કહ્યું કે સબમરીન ઊંડા સમુદ્રમાં એટલી ધીમી ગતિએ આગળ વધી રહી હતી કે તેમને કોઈ હલચલ મહેસૂસ થતી નહતી. જ્યારે સબમરીન સાથે સંપર્ક તૂટ્યો તો ક્રિસ્ટીનને જણાવવામાં આવ્યું કે આવી ગડબડીઓ અસામાન્ય નથી અને જો એક કલાકની અંદર સબમરીન સાથે સંપર્ક સ્થાપિત ન થયો તો તે આપોઆપ સમુદ્રની સપાટીએ આવી જશે. 

ટાઈટન 18 જૂનના રવિવારના રોજ સમુદ્રમાં ગૂમ થઈ ગઈ હતી. પાણીમાં ડાઈવના બે કલાકથી પણ ઓછા સમયમાં પોલર પ્રિન્સ સાથે સંપર્ક તૂટી ગયો હતો અને સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં ગાયબ થઈ ગઈ હતી. સબમરીનની શોધ માટે અમેરિકી કોસ્ટગાર્ડના નેતૃત્વમાં મોટા પાયે સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 

22 જૂનના રોજ સબમરીનનો કાટમાળ મળ્યો હતો ત્યારબાદ અમેરિકી કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે સબમરીન સમુદ્ર વચ્ચે વિનાશકારી વિસ્ફોટ (Catastrophic Implosion) નો ભોગ બની અને તેમાં સવાર પાંચેય મુસાફરોના મોત થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news