UKની ચૂંટણીમાં આ ગુજરાતી મૂળની યુવતીએ કરી નાખ્યો કમાલ, 37 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત નાખ્યો

UKની ચૂંટણીમાં આ ગુજરાતી મૂળની યુવતીએ કરી નાખ્યો કમાલ, 37 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત નાખ્યો

હાલમાં જ યુકેમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ અને તેમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને સજ્જડ હારનો સામનો કરવો પડ્યો જ્યારે લેબર પાર્ટી વર્ષો બાદ સત્તામાં પાછી ફરી છે. સંસદમાં 26 ભારતીય મૂળના સાંસદ ચૂંટાઈ આવ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટી (ટોરી) ભલે ચૂંટણી હારી ગઈ પરંતુ તેમના નવા ચૂંટાઈ આવેલા સાંસદ ભારતીય અને તેમાં પણ ગુજરાતી મૂળના શિવાની રાજાની ખુબ ચર્ચા થઈ રહી છે. તેમણે આ વખતે લાઈસેસ્ટર ઈસ્ટ સીટથી ચૂંટણી જીતી. શિવાનીએ લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને હરાવ્યા. નોંધનીય છે કે 37 વર્ષ બાદ આ સીટ પરથી કોઈ ટોરી નેતા જીત્યા છે. 

લાઈસેસ્ટર ઈસ્ટની સીટ લેબર પાર્ટીનો મજબૂત ગઢ ગણાતી હતી. 37 વર્ષમાં પહેલીવાર આ વખતે સીટ પર ટોરી ઉમેદવાર જીત્યા છે. લાઈસેસ્ટર ઈસ્ટમાં શિવાની રાજાને 14526 મત મળ્યા છે. રાજેશ અગ્રવાલને તેમણે 4 હજારથી વધુ મતથી હરાવ્યા છે. રાજા ગુજરાતી મૂળના છે. તેમના પરિવારના લોકો દીવમાં રહેતા હતા. ચૂંટણી દરમિયાન શિવાની સતત બ્રિટનમાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે જોડાયેલા રહ્યા  જેનો તેમને ફાયદો પણ થયો. 

હાલમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ શિવકથા સાંભળવા પણ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ત્યાં ગરબા પણ કર્યા. તેમણે ભારતમાં રહેતા બ્રિટિશ વોટર્સને પણ ખુબ પ્રભાવિત કર્યા અને તેમને ઓનલાઈન વોટિંગ કરવાની પણ અપીલ કરી હતી. ખાસ કરીને દીવ અને ગુજરાતમાં રહેતા બ્રિટિશ લોકોને શિવાની રાજાએ સંપર્ક કર્યો હતો. 

શિવાનીના માતા પિતા 70ના દાયકામાં કેન્યાથી લાઈસેસ્ટર આવ્યા હતા. તેમણે પોતાનો અભ્યાસ ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીથી પૂરો કર્યો અને ગ્રેજ્યુએશન ફાર્માસ્યુટિકલ એન્ડ  કોસ્મેટિક સાયન્સમાં કર્યું. ત્યારબાદ  તેમણે અનેક કોસ્મેટિક બ્રાન્ડ સાથે પણ કામ કર્યું. અત્રે જણાવવાનું કે આ વખતે ચૂંટણીમાં લેબર પાર્ટીને 412 સીટો મળી છે જ્યારે ટોરી 121 સીટો પર સમેટાઈ ગયા. ત્યારબાદ ઋષિ સુનકે ટોરી ચીફ અને પ્રધાનમંત્રી પદેથી રાજીનામું પણ આપ્યું. 

It’s an honour to be selected to serve my home city, the hard work starts now.#FromLeicesterForLeicester pic.twitter.com/n0YS67HtaE

— Shivani Raja (@ShivaniRaja_LE) May 29, 2024

અત્રે જણાવવાનું કે લાઈસેસ્ટર એ શહેર છે જ્યાં 2022માં ક્રિકેટ મેચ દરમિયાન ભારતીયો અને પાકિસ્તાની લોકો વચ્ચે ધર્ષણ  થયું હતું. આ વખતે ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યું હતું કે કીર સ્ટાર્મરે પણ ભારતીયો અને હિન્દુઓને આકર્ષવાની કોશિશ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર બન્યા બાદ તેઓ ભારત સાથે રણનીતિક સંબંધ આગળ વધારશે જેમાં મુક્ત વેપાર સંધિ પણ સામેલ હશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news