UN મહાસચિવે કહ્યું, પત્રકારોની હત્યા સામાન્ય ઘટનાક્રમ ન બનવો જોઈએ
છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં સમાચાર માટેની ફરજ દરમિયાન 1,010 પત્રકારોનાં મોત થયા છે અને આવા 10 કિસ્સામાંથી 9 કેસમાં અપરાધીઓને ક્યારેય ન્યાયના કઠેડા સુધી પહોંચાડી શકાયા નથી
Trending Photos
સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે જણાવ્યું કે, દુનિયાભરમાં પત્રકારોની તેમની ફરજ પર હત્યા કરવાના કિસ્સા 'ઘૃણિત' છે અને આ બાબત 'નવો સામાન્ય' ઘટનાક્રમ ન બનવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક દાયકા કરતા વધુ સમયમાં ફરજ બજાવતા સમયે 1,010 પત્રકારોનાં મોત થયાં છે અને 10માંથી 9 કેસમાં અપરાધીઓને ક્યારેય ન્યાયાના કઠેડા સુધી પહોંચાડી શકાયા નથી. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર વર્ષ 2018માં જ ઓછામાં ઓછા 88 પત્રકારનાં મોત થયાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ તાજેતરમાં જ છત્તીસગઢમાં નકસલવાદીઓએ કરેલા એક હુમલામાં ડીડી ન્યૂઝના કેમેરામેનનું મોત થયું હતું જ્યારે અન્ય બે પત્રકારો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગુટેરસે 'ધ ઈન્ટરનેશનલ ડે ડૂ એન્ડ ઈમ્પ્યુનિટી ફોર ક્રાઈમ્સ અગેઈન્સ્ટ જર્નાલિસ્ટ્સ'ના વાર્ષિક સંમેલન માટે આપેલા વીડિયો સંદેશામાં જણાવ્યું હતું કે, 'હાજારો લોકોને હુમલાનો ભોગ બનાવીને, પીડિત કે ખોટા આરોપો લગાવીને કોઈ પણ પ્રકારની પ્રક્રિયાનું પાલન કર્યા વગર કસ્ટડી કે જેલમાં નાખી દેવામાં આવ્યા છે.' 2 નવેમ્બરના રોજ આ દિવસ મનાવાય છે.
પત્રકારોની સુરક્ષા પર ભાર મુકવો જોઈએ
મહાસચિવે 'ધમકી અને જીવનું જોખમ હોવાં છતાં દરરોજ પોતાની નોકરી કરતા પત્રકારો'નો આભાર માનતા આંતરરાષ્ટ્રીય સમુદાયને આહવાન કર્યું કે, 'પત્રકારોની સુરક્ષા કરવામાં આવે અને તેમના કામ કરવાની ફરજિયાત શરતોનું નિર્માણ કરવામાં આવે.'
આ આંતરરાષ્ટ્રીય દિવસે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) નોકરી દરમિયાન પત્રકારોનાં મોતના મુદ્દા પ્રત્યે જાગૃતિ વધારવા માટે 'સત્ય ક્યારેય મરતું નથી' નામથી એક અભિયાન શરૂ કરી રહ્યું છે.
સત્ય ક્યારેય મરતું નથી
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે જણાવ્યું કે, 'સત્ય ક્યારેય મરતું નથી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકાર પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા પણ.' તેમણે જણાવ્યું કે, જ્યારે એક પત્રકાર પર હુમલો થાય છે ત્યારે 'સમગ્ર સમાજ તેની કિંમત ચૂકવે છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે