ઉત્તર ગુજરાતમાં બટાકાની ખેતી મોંઘી પડશે, એક નિર્ણયથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

Deesa Potato Cold Storage : બટાકાની ખેતી માટે પ્રખ્યાત ડીસામાં કોલ્ડ સ્ટોરેજના ભાવ વધી ગયા... જ્યા બટાકાના ભાવ માર્કેટમાં ભાવ મળતા નથી, ત્યાં હવે કોલ્ડ સ્ટોરેજ માટે વધુ રૂપિયા ચૂકવવા પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની

ઉત્તર ગુજરાતમાં બટાકાની ખેતી મોંઘી પડશે, એક નિર્ણયથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ડીસામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયનની બેઠકમાં લેબર તેમજ લાઈટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાયો છે. જેને લઈને બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

કોલ્ડ સ્ટોરેજના ભાવ વધી ગયા 
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડસ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે. ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડસ્ટોરેજ એસોસિઅન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. જેમાં બટાટાના ભાવ, સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોંગીગ, ગ્રેડીગ સહીતની ચર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ડીસા કોલ્ડસ્ટોરેજ એસોસિઅનની તાજેતરમાં બેઠક મળી હતી જેમાં જિલ્લાના 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકોઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં 2024ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી પ્રતિ કિલો રૂ 2.00 હતા જેનો વધારો કરી પ્રતિ કિલો રૂ 2.20 કરવામાં આવ્યા હતા એટલે કે કિલોએ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે 30 નવેમ્બર સુધી પહેલા પ્રતિ કિલો રૂ 2.40 હતા જેમાં 20 પૈસાનો વધારો કરી પ્રતિ કિલો રૂ 2.60 કરવામાં આવ્યો છે. આમ બન્ને ભાડામાં 20 પૈસાનો વધારો કરતા ખેડૂતોને પ્રતિ કટ્ટાએ (50કિલો) રૂ. 10નો વધારો ચૂકવવો પડશે. સાથે પ્રતિ કટાએ રૂ 12.50 ગ્રેડીગ ચાર્જ અલગથી વસુલનો નિર્ણય પણ લેવાયો છે.

કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના પ્રમુખ ફુલચંદભાઈ માળીએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં વિજદારોમાં વધારા અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાના કારણે આ નિર્ણય લેવાયો છે.

ખેડૂતો માટે બટાકાની ખેતી મોંઘી બની 
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વર્ષોથી ખણખણીયા કરાવતી બટાટાની ખેતી હવે દિવસેને દિવસે મોંઘી બની રહી છે અને યોગ્ય ભાવો ના મળતા ખેડૂતોને બટાટાની ખેતીમાં પણ નુકશાન સહન કરવું પડી રહ્યું છે. એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાનું વાવેતર કરી રહ્યાં છે. પરંતુ બટાટાના પોષણક્ષમ ભાવો ના મળતા ખેડૂતોને બટાટાની ખેતી નુકશાન કારક સાબિત થઈ રહી છે. ત્યારે આટલું ઓછું હોય તેમ હવે બટાટાના સંગ્રહનો ખર્ચ પણ વધી ગયો છે. આ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ 20 પૈસાનો વધારો કર્યો છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

બટાકા હવે ક્યાં સંગ્રહ કરવા જવું
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં શિયાળાની ઋતુમાં બટાટાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને બટાટાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ બાદ બટાટાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજોમાં ભાડામાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. જેથી ખેડૂતોનું કહેવું છે કે દિવસેને દિવસે બટાટાની ખેતી મોંઘી થઈ રહી છે અને ભાવો પણ પૂરતા ના મળતા હોવાથી ખેડૂતની હાલત કફોડી બની રહી છે. તેવામાં બટાટાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો હોવાથી ખેડૂતોને બટાટાની હાલત પડતાં પર પાટુ મારવા જેવી બની ગઈ છે.

બટાકાના પૂરતા ભાવ પણ મળતા નથી 
આ ભાવ વધારા પર ખેડૂત કનવરજી વાધણીયા જણાવે છે કે, ખેડૂતને પહેલેથી જ બટાટાના પૂરતા ભાવ નથી મળતાં અને એવામાં કોલ્ડસ્ટોરેજમાં ભાડા વધાર્યા અમારે ખેતી કેવી રીતે કરવી. તો અન્ય ખેડૂત શ્રવણસિંહ વાધણીયાએ જણાવ્યું કે, અમે આ વર્ષે બટાટામાં મોટું નુકસાન કરી રહ્યા છીએ અને દર વર્ષે કોલ્ડસ્ટોરેજ વાળા ભાડા વધારી દેતા અમારી હાલત કફોડી બની છે સરકાર કઈ કરે.

બટાકાની ખેતીનો ખર્ચ ચાર ગણો વધ્યો, પરંતુ ભાવ માત્ર બે ગણા વધ્યા 
જે રીતે બટાટાની ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. છેલ્લા વીસ વર્ષમાં બટાટાની ખેતીમાં ખર્ચ ચાર ગણો વધી ગયો છે. પરંતુ બટાટાના ભાવોમાં માત્ર બે ગણો જ વધારો થયો છે. જેથી ખેડૂતોને બટાટાની ખેતીમાં નુકશાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં બટાટાને લઈ આવી જ પરિસ્થિતી યથાવત રહેશે તો બટાટાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાને બદલે અન્ય ખેતી કરતાં થાય તો નવાઈ નહીં! હાલ જિલ્લામાં ચાલુ સાલે 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે. જેમાં 3.15 કરોડ કટ્ટા સંગ્રહની કેપિસિટી છે. ત્યારે ભાડા વધારાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે રૂ 31.50 કરોડ વધારાના ચૂકવવા પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news