International Women's Day: મહિલાની કોઠાસૂઝ, લોન પર બે ગાય લીધી, અને કરે છે લાખોની કમાણી

ઓલપાડ (Olpad) તાલુકાના કાંઠા વિસ્તારમાં ખેતી અને પશુપાલનના ધંધા સાથે લોકો જોડાયેલા છે.પરંતુ 1978 ની સાલમાં જાનકી બા પતિ સાથે ઠાકોરજી મંદિરના પુજારી તરીકે દિહેણ ગામે આવ્યા હતા ત્યારે માત્ર પૂજાપાઠ સિવાય બીજી કોઈ આવક ન હતી.

International Women's Day: મહિલાની કોઠાસૂઝ, લોન પર બે ગાય લીધી, અને કરે છે લાખોની કમાણી

કિરણ સિંહ ગોહિલ, સુરત:  આવતીકાલે વિશ્વ મહિલા દિવસ અને ઓલપાડ (Olpad) ના 70 વર્ષીય મહિલા પશુપાલક જાનકી બા (Janaki Ba) ને કેમ કરી ભૂલી જવાય. જાનકી બા આમતો સામાન્ય રીતે મંદિરના પુજારી સાથે આવ્યા હતા પરંતુ પોતાની આગવી કોઠાસૂઝથી તેમણે સુમુલ ડેરીની મદદથી બે ગાય લોન પર લીધી અને આજે 20 ગાય ,15 ભેસોનો તબેલો ધરાવે છે અને લાખો રૂપિયાની આવક મેળવી મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

ઓલપાડ (Olpad) તાલુકાના કાંઠા વિસ્તારમાં ખેતી અને પશુપાલનના ધંધા સાથે લોકો જોડાયેલા છે.પરંતુ 1978 ની સાલમાં જાનકી બા પતિ સાથે ઠાકોરજી મંદિરના પુજારી તરીકે દિહેણ ગામે આવ્યા હતા ત્યારે માત્ર પૂજાપાઠ સિવાય બીજી કોઈ આવક ન હતી. પતિ પૂજા પાઠ સિવાય સામાન્ય ત્રણ હજારની નોકરી કરતા હતા. આવા સમયે પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું એ સવાલ હતો. ત્યારે જાનકી બાને સુમુલ ડેરી દ્વારા ઉત્તર ગુજરાત (Uttar Gujarat) નો એક પ્રવાસ રોજગારી બનીને આવ્યો. 

ઉત્તર ગુજરાત (North Gujarat) ના પ્રવાસ દરમ્યાન જાનકી બા એ જોયું કે ત્યાંની મહિલાઓ ઘડો ભરી દૂધ મંડળીમાં ભરી રહી છે અને બસ તેમણે સંકલ્પ કર્યો કે કોઈ પણ ભોગે પશુપાલનનો ધંધો કરવો છે. સુમુલની મદદથી લોન પર બે ગાયો લીધી ત્યારે માત્ર ચારથી પાંચ લીટર દૂધ આવતું .જાનકી બા મહેનત કરતા ગયા આજે તેમની પાસે 20 ગાયો અને 15 ભેસોનો મોટો તબેલો છે અને મહીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.

પ્રધાન મંત્રી (PM) કહે છે આત્મનિર્ભર બનવું પડશે પણ જાનકી બા વરસોથી આત્મનિર્ભર બની મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. જાનકી બા ની દીકરીને ઓલપાડના ખોસડીયા ગામે પરણાવી છે. પણ દીકરી પણ માતાના રસ્તે આત્મનિર્ભર બની છે. તેમની દીકરી જમાઈ સાથે ખેતી અને પશુપાલનનો ધંધો કરી રહ્યા છે એટલે જ તો દીકરી માતાના આદર્શ માને છે . જાનકી બા અન્ય મહિલાઓ કરતા અલગ છે આજે 70 વરસની ઉમરે પશુપાલન કરી રહ્યા છે. 

તબેલાના કારણે તેમના ત્યાં કામ કરવાનારા અને તેમણે સારી એવી આવક અને રોજગાર મળે છે . આજે પણ જાનકી બા પોતાના ભેસોના તબેલામાં ભેસ દોહવા બેસી જાય.તેમના પશુ બીમાર હોય તો પણ તેમને ખબર પડી જાય અને સારવાર કરાવે છે. મૂંગા પશુ પત્યે તેમને લાગણી છે. જાનકી બા આજે 175 થી 200 લીટર દૂધ ગામની દૂધ મંડળીમાં ભરે છે. જાનકી બા ને જોઈ ગામની અનેક મહિલાઓ પણ પશુ પાલનના વ્યવસાયમાં જોડાઈ છે.

જાનકી બા એ 45 હજારની સુમુલમાંથી લોન લઇ બે ગાયો લીધી હતી ત્યારે તેમના પતી હસમુખભાઈ મહંત કહેતા આટલી મોટી રકમ કેવી રીતે ભરશું ત્યારે જાનકી બા માત્ર એટલું કહેતા મને ગાય માતા પર વિશ્વાસ છે. ગાયની સેવા થશે અને ગાય માતા દેવામાંથી મુક્ત પણ કરશે. શરુઆતમાં 5 લીટર દૂધ આવતું તેમાંથી થોડું દૂધ ગામની મંડળીમાં ભરતા હતા. આજે જાનકી બા પાસે મોટો તબેલો છે 20 ગાયો 15 ભેસો અને વાછરડા છે. આજે જાનકી બા 175 થી 200 લીટર દૂધ સુમુલ ડેરીમાં ભરાવે છે અને તેમનો આખો પરિવાર તેમને ,દળ કરે છે. દૂધ મંડળી, સુમુલ ડેરી અને ખુદ મુખ્યમંત્રી દ્વારા જાનકી બાનું સમ્માન કરવામાં આવ્યું છે.

સ્થાનિક મંડળીના પ્રમુખતો ત્યાં સુધી કહે છે જાનકી બા પાસે થી ઘણું શીખવાનું છે. પશુપાલન કેવી રીતે કરાઈ એતો એમની પાસેથી શીખવું પડે. હાલમાં કોરોના મહામારી વચ્ચે બધા ધંધા બંધ હતા ત્યારે માત્ર પશુપાલન જ સહારો બન્યો હતો .જેમ પ્રધાનમંત્રી કહે છે ગુજરાતના ગુજરાતીઓ મુસીબતને ઉત્સવમાં ફેરવી નાખે છે એ વાત જાનકી બા એ સાર્થક કરી છે. એક તરફ કોરોનાના ડર વચ્ચે બધા ગભરાયેલા હતા આવા સમયે પણ જાનકી બા પશુપાલનના ધંધા થકી આવક મેળવતા રહ્યા હતા. હાલમાં રાજ્યના મુખ્યમંત્રીએ જાનકી બેનનું સમ્માન કર્યું એ અમારા ગામનું ગોરવ હતું.

જાનકી બા ખુમારી થી જીવે છે તેમના તબેલામાં તમામ પશુઓને નામથી બોલાવે છે.તેમજ દરેક કામગીરીની નોધણી સહિતની કામગીરી જાતે કરે છે. જાનકી બા કહે છે ૩ હજાર રૂપિયાથી વધુતો માત્ર પશુના ગોબરમાંથી કમાઈ લઉં છું 2008-09 માં રૂપિયા 5.61 લાખ ની આવક મેળવી હતી જેમાંથી ખર્ચ બાદ કરતા 1.56 લાખ ચોખ્ખી આવક મેળવી હતી. આ આવકમાં સતત વધારો થઇ રહ્યો છે આજે પણ જાનકી બા પોતાના પશુઓને પોતાના દીકરા –દીકરીની જેમ રાખે છે. ગામની મહિલાઓ માટે જાનકી બા પ્રેરણારૂપ બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news