IT Return: ફોર્મ 16 વગર આઈટી રિટર્ન ભરી શકાય? જો હા...તો શું છે તેની પ્રોસેસ, ખાસ જાણો

IT Return: ફોર્મ 16 હોય તો આવકવેરા રિટર્ન ફાઈલ કરવું ખુબ સરળ બની જાય છે. જો કોઈ કારણસર તમારી પાસે ફોર્મ 16 નથી તો શું કરવું? શું આઈટી રિટર્ન ભરી શકાય? તમામ વિગતો ખાસ જાણો. 

IT Return: ફોર્મ 16 વગર આઈટી રિટર્ન ભરી શકાય? જો હા...તો શું છે તેની પ્રોસેસ, ખાસ જાણો

નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. આ નાણાકીય વર્ષમાં તમારે ગત નાણાકીય વર્ષનું આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવું પડશે. સામાન્ય રીતે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે. જો તમે નોકરી કરતા હોવ તો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16 સૌથી જરૂરી ડોક્યુમેન્ટ છે. તમે જે કંપનીમાં નોકરી કરતા હોવ, તેનું ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ તમને ફોર્મ 16 ઈશ્યું કરે છે. કંપની પોતાના દરેક કર્મચારીને દર વર્ષે ફોર્મ 16 ઈશ્યુ કરે છે. કંપની માટે 15 જૂન સુધી પોતાના તમામ કર્મચારીઓને ફોર્મ 16 આપવું જરૂરી હોય છે. તેમાં ગત નાણાકીય વર્ષમાં તમારી કુલ આવક, ટેક્સેબલ આવક અને કપાયેલા ટેક્સની જાણકારી હોય છે. સવાલ એ છે કે જો કોઈ કારણસર તમારી પાસે ફોર્મ 16 ન હોય તો શું તમે આઈટી રિટર્ન ફાઈલ કરી શકો ખરા?

શું કહે છે નિષ્ણાતો?
નિષ્ણાતોનું કહેવું છે કે ફોર્મ 16 ન હોય તો પણ આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકાય છે. પરંતુ તે થોડું મુશ્કેલ છે. તેમાં તમારે અનેક પ્રકારના દસ્તાવેજો ભેગા કરવા પડે છે કારણ કે આવકવેરા ટેક્સ ડિપાર્ટમેન્ટને તમારે આવકનો પુરાવો આપવો જરૂરી છે. તમારી સેલેરી સ્લિપ તેમાં તમારી મદદ કરી શકે છે. તેનાથી તમને તમારી કુલ ગ્રોસ ઈન્કમ અને ટેક્સેબલ ઈન્કમની જાણકારી મળે છે. જો તમારી પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોય તો તમારી સેલરી આવક તમારો આવકનો પુરાવો માનવામાં આવશે. 

Form 26AS શું છે?
સેલેરી સ્લિપ બાદ બીજો સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ Form 26AS હશે. તેનાથી તમને ખબર પડશે કે તમારી આવકમાંથી કેટલો ટીડીએસ કે ટીસીએસ કપાયો છે. તમારા એમ્પ્લોયર તમારી સેલેરી અને તમારા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પ્રમાણે તમારા ટેક્સનું કેલક્યુલેશન કરે છે. ત્યારબાદ તમારી ટેક્સ લાયેબિલિટી પ્રમાણે તેઓ ટીડીએસ કાપે છે. સામાન્ય રીતે એમ્પ્લોયર તમારો કુલ ટેક્સ એકવારમાં નહીં પરંતુ દર મહિના પ્રમાણે કાપે છે. તેનાથી કોઈ કર્મચારી પર એક જ વારમાં વધુ બોજ પડતો નથી. 

ક્યાંથી મળશે Form 26AS
ફોર્મ Form 26AS ડાઉનલોડ કરવા માટે તમારે આવકવેરા ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જવું પડશે. તમારે પોર્ટલ પર પોતાની આઈડી અને પાસવર્ડની મદદથી લોગઈન કરવું પડશે. ત્યારબાદ તમારે માય એકાઉન્ટ મેન્યુ પર જવાનું રહેશે. ત્યાં તમને 'વ્યુ ફોર્મ 26AS' જોવા મળશે. આ લિંક પર ક્લિક કર્યા બાદ તમને ટીડીએસ-સીપીસી પોર્ટલ પર રિડાયરેક્ટ કરી દેવામાં આવશે. ત્યાં તમે 'વ્યુ ટેક્સ ક્રેડિટ' પર ક્લિક કરીને તમારું Form 26AS જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકશો. 

ટેક્સ સેવિંગ્સ પ્રુફની જરૂર પડશે?
તમારે તમારા ટેક્સ સેવિંગ્સ ઈનવેસ્ટમેન્ટના તમામ પ્રુફ પણ તૈયાર રાખવા પડશે. જેમાં આવકવેરાની સેક્શન 80સી, 80ડી હેઠળ થતા તમામ રોકાણ સામેલ હશે. આવકવેરાની કલમ 80સી હેઠળ એક ફાઈનાન્શિયલ યરમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. સેક્શન 80સી હેઠળ PPF, હોમ લોન પ્રિન્સિપલ, જીવન વીમા પોલીસી, સુકન્યા સમૃદ્ધિ, બાળકોની ટ્યૂશન ફી સહિત લગભગ એક ડઝન ઈન્વેસ્ટમેન્ટ અને ખર્ચા આવે છે. 

સેક્શન 80ડી હેઠળ મેડિક્લેમ પોલીસીના પ્રિમિયમ પર ટેક્સ ડિડક્શનની મંજૂરી આપવામાં આવી છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે તમે આ ડિડક્શનનો પણ ફાયદો ઉઠાવી શકો છો. જો તમારી ઉંમર 60થી ઓછી હોય તો તમે પોતે અને તમારા પરિવાર માટે મેડિક્લેમ પોલીસી ખરીદીને એક ફાઈનાન્શિયલ યરમાં 25000 રૂપિયાના ટેક્સ ડિડક્શનનો દાવો કરી શકો છો. જો તમારી ઉંમર 60થી વધુ હોય તો તમે 50000 રૂપિયાના પ્રિમિયમ પેમેન્ટ પર ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકો છો. 

આ ઉપરાંત તમે તમારા માતાપિતાની હેલ્થ પોલીસીના પ્રિમિયમ ઉપર પણ ટેક્સ ડિડક્શનનો દાવો કરી શકો છો. માતા પિતાની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધુ હોવા પર વાર્ષિક 50000 રૂપિયાના પ્રિમિયમ પેમેન્ટ પર ડિડક્શન ક્લેમ કરવાની મંજૂરી છે. જો તમે હોમ લોન લીધી હોય તો તેના ઈન્ટરેસ્ટ અમાઉન્ટ પર ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news