GST : 12% અને 18% ને સ્થાને આવી શકે છે નવો ટેક્સ સ્લેબ, નાણામંત્રીનો સંકેત

નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, સામાન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ પર એક સરખો માનક દર રહેશે જે 12ટકાથી 18 ટકાની વચ્ચે હશે 

GST :  12% અને 18% ને સ્થાને આવી શકે છે નવો ટેક્સ સ્લેબ, નાણામંત્રીનો સંકેત

નવી દિલ્હીઃ GSTને 18 મહિના પુરા થતાં નાણામંત્રી અરૂણ જેટલીએ એક ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની વાત રજૂ કરી છે. 'GST ના 18 મહિના' શિર્ષક અંતર્ગત તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં 12 ટકા અને 18 ટકાના ટેક્સ સ્લેબને મર્જ કરવાના રોડમેપ પર કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, મહેસુલી આવકમાં સારો વધારો થતાં GSTના ત્રણ દર રહી જશે, જેમાં 0ટકા અને 5 ટકાના દર સાથે સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ પર એક સમાન દર 12ટકાથી 18ટકાની વચ્ચે રહેશે. 

કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવાઈ રહ્યું છે કે, બંનેને મિલાવીને 15 ટકા ટેક્સ સ્લેબ બનાવી શકાય છે. જેટલીએ વધુમાં જણાવ્યું કે, લક્ઝરી અને ઓછા કામની વસ્તુઓને ઉચ્ચ કરવેરાના દાયરામાં જાળવી રાખવામાં આવશે. 

પોતાના લેખમાં તેમણે જણાવ્યું કે, અત્યારે ઉપયોગની કુલ 1,216 ચીજ-વસ્તુઓમાંથી 183 પર 0 ટકા, 308 પર 5 ટકા, 178 ઉત્પાદનો પર 12 ટકા અને 517 પર 18ટકાનો GST લાગે છે. તેમણે જણાવ્યું કે, "28 ટકાનો કર સ્લેબ હવે સમાપ્ત થઈ રહ્યો છે." વર્તમાનમાં તેમાં માત્ર લક્ઝરી અને બિનઉપયોગી ઉત્પાદનો ઉપરાંત વાહનોના સ્પેરપાર્ટ્સ, એસી અને સિમેન્ટ સહિતની કુલ 28 વસ્તુઓ બચી છે. 

નાણામંત્રીએ જણાવ્યું કે, અપ્રત્યક્ષ કર પ્રણાલીમા, "GSTના સ્વરૂપમાં પરિવર્તન પૂરો થવાની સાથે જ અમે તેના દરને પણ તર્કસંગત બનાવવાનો પ્રથમ તબક્કો પૂરો કરવાની નજીક છીએ. ઉદાહરણ તરીકે, લક્ઝરી અને બિનઉપયોગી સિવાયની તમામ વસ્તુઓને તબક્કાવાર 18ટકાના સર્વોચ્ચ કરના દાયરામાંથી બહાર કરવામાં આવી રહી છે." તેમણે લખ્યું છે કે, વર્તમાનમાં જે 12 ટકા અને 18 ટકાનો જે દર છે, તે ભવિષ્યમાં એક થઈ શકે છે. 

તેમણે જણાવ્યું કે, હવે વ્યાપક ઉપભોગની માત્ર બે વસ્તુઓ સિમેન્ટ અને વાહનોના સ્પેર પાર્ટ્સ પર જ 28 ટકાનો દર છે. અમારી આગામી પ્રાથમિક્તા સિમેન્ટના દરમાં ઘટાડો કરવાની સાથે તેને ઓછા કરવેરાના દાયરામાં લાવવાની છે. નાણામંત્રીએ જણાવ્યું કે, મકાન નિર્માણની અન્ય તમામ સામગ્રીઓને પહેલા જ 28 ટકામાંથી બહાર કાઢીને 18 ટકા અને 12 ટકાના દાયરામાં લાવી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, GST પરિષદે શનિવારે 23 વસ્તુઓ પર કરના દરમાં કાપ મુક્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news