ભાગેડુ મેહુલ ચોક્સી 'આ' ટાપુ પર છૂપાઈને બેઠો છે, અહીં ખુબ જ સરળતાથી મળે છે નાગરિકતા

14 હજાર કરોડના  પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના મામા મેહુલ ચોક્સીને દુનિયાભરની પોલીસ શોધી રહી છે.

Updated By: Jul 25, 2018, 11:41 AM IST
ભાગેડુ મેહુલ ચોક્સી 'આ' ટાપુ પર છૂપાઈને બેઠો છે, અહીં ખુબ જ સરળતાથી મળે છે નાગરિકતા

નવી દિલ્હી: 14 હજાર કરોડના  પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના મામા મેહુલ ચોક્સીને દુનિયાભરની પોલીસ શોધી રહી છે. પરંતુ ઈન્ટરપોલના જણાવ્યાં મુજબ મેહુલ ચોક્સી હાલ એન્ટીગુઆ નામના ટાપુ પર છૂપાઈને બેઠો છે. તપાસ એજન્સીઓના જણાવ્યાં મુજબ મેહુલ ચોક્સી અમેરિકાથી ફરાર થઈને એન્ટીગુઆ પહોંચ્યો હતો અને આ જ હવે તેનું નવું ઠેકાણું છે. ચોક્સી એન્ટીગુઆ પહોંચ્યો તેની પાછળ એક બીજુ મોટુ કારણ છે. કોઈ પણ ભાગેડુને અહીંની નાગરિકતા ખુબ સરળતાથી મળી જાય છે. હવે તેમાં મેહુલ ચોક્સીનું નામ પણ સામેલ થઈ ગયું છે.

કેરેબિયન ટાપુની નાગરિકતા લેવી ખુબ સરળ છે. આ નાગરિકતા માટેની ફી અહીંના વિકાસના નામે લેવામાં આવે છે. નિયમ મુજબ ચોક્સીએ એન્ટીગુઆની નાગરિકતા માટે ફક્ત 2 લાખ અમેરિકી ડોલર (1.3 કરોડ રૂપિયા) ચૂકવ્યાં છે. નિયમ મુજબ અહીંના પાસપોર્ટ પર તે 32 દેશોનો પ્રવાસ કરી શકે છે. જેમાં ઈંગ્લેન્ડ પણ સામેલ છે. એટલું જ નહીં પરંતુ ચોક્સીને આ નાગરિકતા માટે અહીં રહેવું પણ જરૂરી નથી. 5 વર્ષમાં જો તે ત્યાં 5 દિવસ પણ પસાર કરે તો તે તેની નાગરિકતા માટે  પૂરતું છે. આ ઉપરાંત જો કોઈ કારોબારી એન્ટીગુઆમાં 1.5 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરે તો તે પણ એન્ટીગુઆની નાગરિકતા મેળવી શકે છે.

જો કે એન્ટીગુઆમાં નાગરિકતા આપનારી વેબસાઈટને જુઓ તો તે મુજબ, જે વ્યક્તિ અપરાધિક ગતિવિધિઓમાં સામેલ હોય છે તે આ માટે યોગ્યતા ધરાવતી નથી. એન્ટીગુઆ ઉપરાંત અન્ય કેરેબિયન ટાપુઓની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ સેન્ટ કિટ્સ અને નેવિસનો પાસપોર્ટ ચાર મહિનામાં જ મેળવી શકે છે. આ માટે તેણે માત્ર 1.03 કરોડ રૂપિયા સેન્ટ કિટ્સ સસ્ટેનેબલ ગ્રોથ ફંડમાં આપવા પડશે.

8 જુલાઈના રોજ ફરાર થયો હતો મેહુલ ચોક્સી
તપાસ એજન્સીઓએ શંકા વ્યક્ત કરી છે કે તપાસ સંબંધિત જાણકારીઓ કોઈ મેહુલ ચોક્સીને લીક કરી રહ્યું છે. કારણ કે ઈન્ટરપોલે 9 જુલાઈના રોજ તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. પરંતુ તપાસ એજન્સીઓને માલુમ પડ્યું છે કે રેડ કોર્નર નોટિસ જારી થયાના એક દિવસ પહેલા એટલે કે 8 જુલાઈના રોજ જ મેહુલ ચોક્સી જેટ બ્લુ એરવેઝની ફ્લાઈટથી એન્ટીગુઆ ભાગી ગયો. મેહુલ ચોક્સીને ખબર પડી ગઈ હતી કે તેની ધરપકડ થઈ શકે છે. આ જ કારણે તે અમેરિકાથી ફરાર થઈ ગયો.