Bonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રી
Wipro Q2 Results: બોનસ શેર આપવાની સાથે વિપ્રોએ બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. બીજા ક્વાર્ટરમાં કંપનીને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે.
Trending Photos
Wipro Bonus Share Issue: દેશની દિગ્ગજ આઈટી કંપની વિપ્રો (Wipro)એ તહેવારોની સિઝન પર પોતાના શેરધારકો (Shareholders)ને ભેટ આપી છે. કંપનીએ પોતાના શેરધારકોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ બોનસ શેર આપવા માટે રેકોર્ડ ડેટની જાહેરાત હજુ કરી નથી પરંતુ કહ્યું કે બોર્ડની મંજૂરી મળ્યા બાદ બે મહિનાની અંદર એટલે કે 15 ડિસેમ્બર 2024 સુધી બોનસ શેર ક્રેડિટ કરી દેવામાં આવશે.
વિબ્રોની બોર્ડ બેઠક 16-17 ઓક્ટોબરે યોજાઈ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2024-2025ના બીજા ક્વાર્ટર માટે પરિણામને મંજૂરી આપવાની સાથે શેરધારકોને બોનસ શેર આપવા પર પણ મહોર લગાવવામાં આવી છે. વિપ્રોના શેરધારકોને એકને બદલે એક બોનસ શેર આપવામાં આવશે. આ પહેલા કંપનીએ વર્ષ 2019માં શેરધારકોને બોનસ શેર આપ્યો હતો.
કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષના પરિણામોની જાહેરાત પણ કરી છે. કંપનીએ જણાવ્યું કે બીજા ક્વાર્ટરમાં તેને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં થયેલા 2646 કરોડ રૂપિયાના નેટ પ્રોફિટથી 21 ટકા વધુ છે. ઓપરેશન્સથી કંપનીનું રેવેન્યૂ બીજા ક્વાર્ટરમાં 22302 કરોડ રૂપિયા રહ્યું છે, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટર 22516 કરોડ રૂપિયાથી ઓછું છે.
ત્રિમાસિક પરિણામો પર, કંપનીના સીઇઓ અને એમડી શ્રીનિવાસ પલ્લિયાએ જણાવ્યું હતું કે, બીજા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શનને કારણે, વિપ્રો તેની આવક વૃદ્ધિ, બુકિંગ અને માર્જિનની અપેક્ષાઓ પૂરી કરવામાં સફળ રહી છે. તેમણે જણાવ્યું કે કંપની ટોચના ખાતાઓનો વિસ્તાર કરવામાં સફળ રહી છે. મોટી ડીલ્સનું બુકિંગ એક અબજ ડોલરને પાર કરી ગયું છે.
બોનસ શેર આપવાની જાહેરાતની સાથે વિપ્રોના ક્વાર્ટરના પરિણામ બજાર બંધ થયા બાદ આવ્યા છે. આ પહેલા આજના કારોબારી સત્રમાં વિપ્રોના શેર 0.64 ટકાના ઘટાડા સાથે 528.75 રૂપિયા પર બંધ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે