HBD: આજે બજરંગી ભાઈજાનનો બર્થ ડે, ઉંમરની સાથે-સાથે સતત કેમ વધી રહ્યું છે સલમાનનું સ્ટારડમ, જાણો
આજે 55 વર્ષનો થયો બોલીવુડનો પ્રેમ. સલામન આજે ખરા અર્થમાં સિલ્વર સ્ક્રીનનો સુલતાન છે. બોક્સ ઓફિસ પર પણ આ દબંગ સ્ટારની દબંગાઈ બીજા બધાંને પાછળ છોડી દે છે. બોલીવુડના આ ભાઈજાનનો અંદાજ ખરેખર બીજા બધાં કરતાં કંઈક અલગ છે. એજ કારણ છેકે, તે વર્ષોથી બોલીવુડના જંગલમાં ટાઈગર બનીને રાજ કરે છે. સિલ્વર સ્ક્રીનના સુલતાન અને બોલીવુડના ભાઈજાન સલમાન ખાનની લોકપ્રિયતા કદાચ બીજા બધા જ સ્ટાર કરતા વધારે છે એવું કહેવું પણ અતિશ્યોક્તિ નહીં કહેવાય. અને વધતી ઉંમરની સાથો-સાથ તેના સ્ટારડમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
Trending Photos
વિરલ પટેલ, અમદાવાદઃ બોલીવુડમાં તમારે સફળતાના શિખર સર કરવા હોય અને દર્શકોના દિલમાં વસવું હોય તો તમારામાં ત્રણ ગુણ જરૂરી છે અને તે છે એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ અને એન્ટરટેઈનમેન્ટ. અને તેનું જીવત ઉદાહરણ છે સલમાન ખાન. સલમાન ખાને તેની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી કારકિર્દીમાં સેંકડો યાદગાર ફિલ્મો આપી. 'પ્રેમ' નું પાત્ર ભજવી રોમેન્ટિક હીરોની ઓળખ ઉભી કરનાર સલમાને એકશન ફિલ્મોમાં પણ સિક્કો જમાવ્યો. બોક્સ ઓફિસ પર પણ આ દબંગ હીરોની દબંગાઈ બીજા બધા સ્ટારને પાછળ છોડી દે છે. બોડી બિલ્ડીંગની વાત હોય કે પછી નવી ફેશનની વાત હોય સલમાન ખાન કરોડો યુવાઓ માટે હંમેશાથી સ્ટાઈલ આઈકોન રહ્યો છે.
એકવાર એક એવોર્ડ સમારોહમાં સલમાન ખાને પોતે કહ્યું હતુંકે, હું સારો એક્ટર નથી, મને એક્ટીંગ આવતી પણ નથી, પણ મારા ચાહકોના કારણે જ હું આજે આ મુકામ સુધી પહોંચ્યો છું. મને જે સ્ટારડમ મળ્યું છે તેના માટે હું ઈશ્વરનો આભારી છુું. એક જ્યોતિષે તો સલમાન વિશે એવું પણ કહ્યું હતુંકે, વધતી ઉંમરની સાથો-સાથ સલમાનનું સ્ટારડમ પણ વધશે. અને અમુક અંશે એ ભવિષ્યવાણી સાચી ઠરતી હોય તેવું પણ પ્રતિત થાય છે.
પહેલી સોલો ફિલ્મથી જ સલમાને મેળવી લોકચાહના
બોલિવૂડ ફિલ્મોમાં આજે સક્સેસની ગેરંટી બનેલા સલમાન ખાનનો જન્મદિવસ છે. સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965ના દિવસે મુંબઈમાં થયો હતો. સલમાન ખાનના પિતાનું નામ સલીમ ખાન છે. સલીમ ખાનનું નામ ફિલ્મ ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ લેખકોની યાદીમાં સામેલ છે. એવરગ્રીન ફિલ્મો જેવી કે શોલે, જંજીર, દીવાર જેવી ફિલ્મોના ધારદાર ડાયલોગ પાછળ જેમનો હાથ છે તેવા સલીમ-જાવેદની જોડીમાંના સલીમ ખાનના પુત્ર સલમાન ખાનને ગળથૂથીમાંથી જ અભિનયની તાલીમ મળી હતી. સલમાન ખાનની સૈૌથી પહેલી ફિલ્મ 'બીવી હો તો ઐસી' હતી જે વર્ષ 1988માં આવી હતી. જો કે સલમાન ખાન આ ફિલ્મમાં મુખ્ય કિરદારમાં નહોતો. સલમાને ફિલ્મની મુખ્ય અભિનેત્રી રેખાના દેવરનું પાત્ર ભજવ્યું હતું. 'બીવી હો તો ઐસી' ફિલ્મમાં સલમાનના પાત્રને પ્રશંસા મળી હતી. ત્યારબાદ સલમાન ખાનની પહેલી સોલો ફિલ્મ વર્ષ 1989માં 'મૈને પ્યાર કિયા' રિલીઝ થઈ. રાજશ્રી પ્રોડકશનના નેજા હેઠળ બનેલી સલમાન ખાનની પહેલી સોલો હિરો ફિલ્મ 'મૈને પ્યાર કિયા' બ્લોકબસ્ટર સાબિત થઈ. 'મૈને પ્યાર કિયા'માં સલમાને ભજવેલ પ્રેમનું પાત્ર એટલું હિટ ગયું કે 'પ્રેમ' નામ સલમાનની ઓળખ બની ગઈ. 'મૈને પ્યાર કિયા' ફિલ્મના ડાયલોગ હાલના સમયમાં પણ ફિલ્મપ્રેમીઓના હ્રદયમાં અકબંધ છે.
એક પછી એક રોમેન્ટિક ફિલ્મોથી દર્શકોના જીત્યા દિલ
સલમાન ખાન 'મૈને પ્યાર કિયા' ફિલ્મથી રાતોરાત સુપરસ્ટાર બની ગયો.ત્યારબાદ સલમાને બાગી, સનમ બેવફા,પથ્થર કે ફુલ,કુરબાન જેવી ફિલ્મોમાં કામ કર્યું આ ફિલ્મો હિટ તો નીવડી પરંતું સલમાનની ફિલ્મોના ગીતો પણ લોકોના મોઢે ચડી ગયા. ત્યાર બાદ વર્ષ 1991 સલમાન ખાન માટે ફરી માઈલસ્ટોન સાબિત થઈ. સાજન ફિલ્મે પણ એવો તહેલકો મચાવ્યો કે આજ દિન સુધી તે ફિલ્મ અને તેના ગીતો દર્શકોના મનમાં તરોતાજા છે. સંજય દત્ત, માધુરી દીક્ષિત અને સલમાન સ્ટારર ફિલ્મમાં સલમાને 'અમન' ના પાત્રને બખૂબીથી નિભાવ્યો. સાજન ફિલ્મમાં સલમાન પર ફિલ્માવવામાં આવેલા તમામ ગીતો એવરગ્રીન બની ગયા. ત્યારબાદ સલમાનની લવ,એક લડકા એક લડકી, દિલ તેરા આશિક, સંગદીલ સનમ જેવી ફિલ્મો રિલીઝ થઈ
વર્ષ 1994માં રિલીઝ થયેલી બે ફિલ્મોએ સલમાનને બનાવ્યો સુપરસ્ટાર
રોમેન્ટિક ફિલ્મો કરનાર સલમાન ખાને પહેલીવાર કોમેડી જોનરમાં પગ મૂક્યો. એ સમયના જ અન્ય સુપરસ્ટાર આમિર ખાન સાથે સલમાને જુગલબંધી જમાવી. રાજકુમાર સંતોષીના દિગદર્શન હેઠળ બનેલી 'અંદાજ અપના અપના' રિલીઝ થઈ. હાલની તારીખમાં કોઈ માની શકશે નહીં કે ક્લાસિક ફિલ્મ 'અંદાજ અપના અપના' રિલીઝ થઈ ત્યારે થિયેટરમાં દર્શકોનો સારો પ્રતિસાદ મેળવી શકી નહોંતી પરંતું ધીમે ધીમે માઉથ પબ્લિસિટી થતા આ ફિલ્મ પ્રત્યે દર્શકોનો ક્રેઝ વધતો ગયો અને સલમાન ખાનના ખાતામાં વધુ એક એવરગ્રીન કોમેડી ફિલ્મ લખાઈ ગઈ.
વર્ષ 1994માં જ સલમાન ખાનની બીજી ફિલ્મ રિલીઝ થઈ જેના માટે સુપરહિટ શબ્દ નાનો પડે તેમ કહીએ તો જરાય અતિશ્યોશક્તિ નથી. સલમાન ખાન અને માધુરી દીક્ષિતની જોડીને ચમકાવતી 'હમ આપકૈ હૈ કોન' રિલીઝ થઈ. આ ફિલ્મમાં ફરી 'પ્રેમ' નામ સાથે સલમાન ખાને દેશભરમાં છવાઈ ગયો. સૂરજ બડજાત્યાએ ડિરેક્ટ કરેલી રાજશ્રી પ્રોડકશનની ફિલ્મ 'હમ આપકૈ હૈ કૌન' આ વાત 1994ની છે જ્યા હમ આપકૈ હૈ કોન! ફિલ્મે બોક્સઓફિસ પર 135 કરોડનો વેપાર કર્યો. પારિવારિક ફિલ્મ 'હમ આપ કૈ હૈ કોન' ની અસર એ હદે વર્તાઈ કે હાલની તારીખમાં પણ જો ટીવી પર આ ફિલ્મ પ્રસારિત કરવામાં આવે તો દર્શકો તે જ ઉત્સાહથી ફિલ્મ નિહાળે. દર્શકોમાં સલમાન ખાન-માધુરી દીક્ષિતની જોડી સુપરહિટ થઈ ગઈ.
આ એક્ટ્રેસ સાથે સલમાનની જોડી રહી એવરગ્રીન
સલમાન ખાને તેના 3 દાયકા જેટલી લાંબી કારકિર્દીમાં અનેક એક્ટ્રેસ સાથે કામ કર્યું. સલમાન ખાન સાથે એવરગ્રીન જોડી બનાવનાર એકટ્રેસમાં માધુરી દીક્ષિત, કરિશમા કપૂર, રાની મુખર્જી, એશ્વર્યા રાય બચ્ચન,કાજોલ અને કૈટરીના કૈફના નામનો સમાવેશ થાય છે. વર્ષ 1999માં સંજય લીલા ભણસાલી દિગદર્શિત ફિલ્મ 'હમ દિલ દે ચુકે હૈ સનમ' રિલીઝ થઈ જેમાં દર્શકોને સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી. 'આંખો કી ગુસ્તાખિયા', 'ચાંદ છુપા બાદલ મૈ' સહિતના આ ફિલ્મના તમામ ગીતો સુપરડુપર હિટ થયા હતા તો દર્શકોએ પણ સલમાન ખાન અને ઐશ્વર્યાની જોડીને ખોબે ખોબે વધાવી. એશ્વર્યા રાય બચ્ચન બાદ સલમાન ખાને જે એક્ટ્રેસ સાથે સૌથી વધારે સ્ક્રીન શેર કરી તો તે છે કેટરીના કૈફ.
એસ.પી. બાલા સુબ્રમ્ણ્યમ બન્યા સલમાન ખાનનો અવાજ
હિન્દી ફિલ્મોમાં કોઈ કલાકાર પર કોઈ ગાયકનો અવાજ મેચ થઈ જાય તો દિગ્દર્શકો અને નિર્માતાઓ તે કલાકારની ફિલ્મોમાં તે જ ગાયક સાથે ગીત ગવડાવે. સલમાન ખાનના કિસ્સામાં પણ આ જ વાત સાબિત થઈ. સલમાન ખાનની પહેલી ફિલ્મ 'મૈને પ્યાર કિયા' માં સલમાન ખાનના બધા ગીતોમાં પ્લેબેક સિંગર દિવંગત મહાન ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમ રહ્યા હતા. ત્યારબાદના કેટલાક વર્ષોમાં સલમાન ખાનની મોટા ભાગની ફિલ્મોમાં એસ.પી.બાલાસુબ્રમ્ણયમ જ આવજ આપતા હતા. મૈને પ્યાર કિયા, હમ આપ કૈ કોન, સાજન, લવ, અંદાજ અપના અપના જેવી અનેક ફિલ્મોમાં સલમાન ખાન માટે એસ.પી. બાલાસુબ્રમ્ણ્યમે સદાબહાર ગીતો ગાયા. સલમાન ખાને પણ તેના ઈન્ટરવ્યૂમાં અને ટ્વીટમાં એસ.પી. બાલાસુબ્રમણ્યમને પોતાનો અવાજ ગણાવ્યા હતા.
દર્શકોમાં છવાયો 'તેરે નામ' ફિલ્મનો ક્રેઝ
'હમ દિલ દે ચૂકે સનમ' ફિલ્મ પછી સલમાન ખાનની કારકિર્દીમાં વળાંક આવ્યો. ચિંકારા શિકાર કેસ, એશ્વર્યા રાય બચ્ચન સાથે પ્રેમ સંબંધ અને હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનના જીવનમાં ઉઠલ પાઠલ મચાવી દીધી હતી. તે સમયગાળામાં દર્શકોમાં પણ સલમાન પ્રત્યે ઘણી નેગેટેવિટી આવી ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2003માં 15 ઓગસ્ટ 2003ના દિવસે સલમાન ખાનની એક્ટિંગ કારકિર્દીનું વન ઓફ ધ બેસ્ટ પર્ફોમન્સ કહીં શકાય તે ફિલ્મ 'તેરે નામ' ફિલ્મ રિલીઝ હતી. તેરે નામ ફિલ્મમાં સલમાન ખાન 'રાધે'ના પાત્રમાં ઓતપ્રોત થઈ ગયો. ફિલ્મમાં ન માત્ર સલમાન ખાનનું પાત્ર પરંતું હેર સ્ટાઈલ પણ તેટલી જ લોકપ્રિય બની. મોટા શહેરોથી લઈ ગામડાઓ સુધી યુવાનો 'તેરે નામ'ની હેર સ્ટાઈલ રાખવા લાગ્યા. સલમાન ખાને 'તેરે નામ' ફિલ્મમાં ઝનૂની પ્રેમીનું પાત્ર ભજવ્યું..
કોમેડીમાં પણ સલમાન ખાન રહ્યો સુપરહિટ
રોમેન્ટિક ફિલ્મોની ઓળખ ઉભી કરનાર સલમાન ખાને કોમેડી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો અને તેમા પણ સલમાનને સફળતા હાથ લાગી. સલમાન ખાને નો એન્ટ્રી, મૈને પ્યાર ક્યું કિયા, દુલ્હન હમ લે જાયૈંગે, હેલો બ્રધર, મુજસે શાદી કરોગી જેવી કોમેડી ફિલ્મો કરી... કોમેડી ફિલ્મોથી પણ સલમાન ખાને દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યું
મસાનથી લઈને ઉરી સુધી, તસવીરોમાં જુઓ વિક્કીનું શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન
વોન્ટેડ બની સલમાન ખાનના કરિયરની ગેમ ચેન્જર
સલમાન ખાનની ફિલ્મો હવે હિટ થતી હતી તો ઘણી ફિલ્મો ફલોપ પણ નીવડી હતી. તે સમયગાળામાં સલમાને યુવરાજ, હેલો, સલામ એ ઈશક જેવી કેટલીક ફિલ્મો કરી જે સદંતર નિષ્ફળ નીવડી હતી. વિવેચકો પણ સલમાન ખાનની ફિલ્મોની સતત ટીકા કરતા હતા. ત્યારે વર્ષ 2009માં સલમાન ખાનનો સાઉથની હિટ રિમેક 'વોન્ટેડ'માં હટકે અંદાજ જોવા મળ્યો. સલમાન ખાનનો એકશન દર્શકોને ખૂબ પસંદ આવ્યો. ત્યારબાદ સલમાન ખાને એકશન ફિલ્મોને સફળતા મેળવવા માટેનો રસ્તો બનાવી દીધો. વોન્ટેડ બાદ સલમાન ખાને દબંગ, રેડી, બોડીગાર્ડ, એક થા ટાઈગર, ટાઈગર જિંદા હૈ, સુલ્તાન, બજરંગી ભાઈજાન જેવી એકશન પેક ફિલ્મો કરી. આ બધી એકશન ફિલ્મોથી સલમાન ખાન બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરનાર ખાન બન્યો.
Bye Bye 2020: સુશાંતની આત્મહત્યાથી ડ્રગ્સ કનેક્શન સુધી, 2020માં બોલીવુડ રહ્યું ચર્ચામાં
સલમાન ખાનની નો કિસિંગ પોલિસી
હિન્દી ફિલ્મોમાં મોટા ભાગના અભિનેતાઓએ સિલ્વર સ્ક્રીન પર કિસિંગ સીન કે ઈન્ટીમેટ સીન ભજવ્યા છે પરંતું સલમાન ખાન એકમાત્ર હિરો છે જેને કિસિંગ સીન પણ સિલ્વર સ્ક્રીન પર ભજવ્યો નથી. સલમાન ખાન એવું માને છે કે ફિલ્મ એવી હોવી જોઈએ કે તમે નાના બાળકો અને બુજર્ગોને સાથે રાખીને જોઈ શકો. સલમાન ખાન અનેકવાર ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છે કે તે સિલ્વર સ્ક્રીન પર કિસિંગ સીન ક્યારેય ભજવી શકશે નહીં
HBD Anil Kapoor: 64 વર્ષે પણ યંગ દેખાય છે અનિલ કપૂર, જાણો આ કલાકારના કેટલાક અવનવા કિસ્સા
'બીઈંગ હ્યુમન' ફિલ્મે સલમાનને બનાવ્યો ઉમદા માણસ
સલમાન ખાને જેટલી લોકપ્રિયતા મેળવી તેટલા જ તેને 'બીઈંગ હ્યુમન' સંસ્થા થકી અનેક સેવાકીય કાર્યો પણ કર્યા. વર્ષ 2007માં સલમાન ખાને 'બીઈંગ હ્યુમન' ની સ્થાપના કરી. બીઈંગ હ્યુમન જરૂરિયાતમંદ બાળકોને યોગ્ય અભ્યાસ પૂર્ણ પાડવાનું અને હેલ્થકેરની દિશામાં ઘણું કામ કરે છે.
સલમાન ખાન છે સદાબહાર સુપરસ્ટાર
સલમાન ખાન બાંદ્રા વિસ્તારમાં તેના પરિવાર સાથે વર્ષોથી 'ગેલેક્સી અપાર્ટમન્ટ'માં રહે છે. સલમાનના માતા-પિતા ગેલેક્સી અપાર્ટમેન્ટના પહેલા માળે તો સલમાન ખાન ગ્રાઉન્ડ ફ્લોર પર 1 BHK ઘરમાં રહે છે. સલમાન ખાન પહેલેથી ફિટનેસને લઈ સભાન રહ્યો છે. સલમાન ખાન દેશમાં લાખો યુવતીઓનો ક્રશ રહ્યો છે તો અનેક યુવાનો ફિટનેસ માટે સલમાન ખાનને પોતાનો રોલ મોડલ માને છે. ટેલિવિઝન પર રિયાલિટી શો બિગ બોસ સુપરહિટ થયો હોય તો તેનો જશ વન એન્ડ ઓનલી સલમાન ખાનને જાય છે. દર વર્ષે સલમાનના જન્મદિવસ પર હજારો ફેન્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ આગળ આવી જતા હોય છે. સલમાન ખાન પણ તેના ફેન્સને આવકારતો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે