સુજલામ સુફલામ જળ અભિયાન: રાજ્યમાં 1894 જળસંચય કામોથી 21 લાખ માનવદિન રોજગારી ઉભી થઈ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સતત જવલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા. 20 એપ્રિલથી તા. 10 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ત્રીજું સંસ્કરણ શરૂ કરાવ્યું છે.

Updated By: May 29, 2020, 09:26 PM IST
સુજલામ સુફલામ જળ અભિયાન: રાજ્યમાં 1894 જળસંચય કામોથી 21 લાખ માનવદિન રોજગારી ઉભી થઈ

હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સતત જવલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા. 20 એપ્રિલથી તા. 10 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ત્રીજું સંસ્કરણ શરૂ કરાવ્યું છે.

કોરોનાની વૈશ્વિક મહામારી સામે અને મહામારી સાથે સતર્કતા-સાવચેતીપૂર્વક જનજીવન વ્યવહારો રાજ્યમાં પૂર્વવત થવા માંડયા છે. ત્યારે આગામી ચોમાસાની ઋતુમાં મહત્તમ જળસંચય-જળસંગ્રહ માટે સુજલામ સુફલામ જળઅભિયાનની ત્રીજા તબક્કાની કામગીરી પણ વેગવંતી બની છે.

આ પણ વાંચો:- Coronavirus: રાજ્યમાં કોરોનાના 372 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં બમણા દર્દીઓ થયા સાજા

આ વર્ષના અભિયાનની શરૂઆતના તબક્કે જ કોરોના વાયરસ કોવિડ-19ને પરિણામે અભિયાનના કામો લોકડાઉનની સ્થિતીમાં અટવાઇ પડયા હતા. મુખ્યમંત્રીએ લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા સહિતના શ્રમિકોને રોજગારી આપતાં કામો સાથોસાથ જળસંગ્રહ ક્ષમતા વધારવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પૂન: શરૂ કરવા તંત્રને પ્રેરિત કર્યુ અને આ કામોમાં ગતિ આવી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અભિયાનની વિગતો આપી હતી. તદ્દઅનુસાર, રાજ્યમાં તા. 20 એપ્રિલથી શરૂ થયેલા સુજલામ-સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં 1894 કામો પૂર્ણ થયા છે. તેમજ 5947 કાર્યો પ્રગતિમાં છે. આ જળ અભિયાન કામોમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ, નદીઓના કાંપની સફાઇ જેવા કામોમાં અત્યાર સુધીમાં 33,196 જે.સી.બી અને 1 લાખ 35 હજાર જેટલા ટ્રેકટર ડમ્પરના ઉપયોગથી સમગ્રતયા 1,68,842 યાંત્રિક સાધનો દ્વારા માટી-કાંપ કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- ખ્યાતનામ જ્યોતિષ બેજાન દારૂવાલાનું 90 વર્ષની ઉંમર નિધન

આવી માટી ખેડૂતોને તેમના ખેતરમાં પાથરવા અને પાક ઉપયોગમાં લેવા વિનામૂલ્યે આપી દેવામાં આવે છે, તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, સુજલામ-સુફલામ જળ અભિયાનના આ ત્રીજા તબક્કામાં તા. 29મી મે સુધીમાં વિવિધ કામો પર જે શ્રમિકોને કામ મળ્યું છે તેનાથી 21,71,963 માનવદિન રોજગારી મળી છે. એટલું જ નહિ, સમગ્રતયા આ જળ અભિયાનને પરિણામે અત્યાર સુધીમાં 1 કરોડ 70 લાખ 27 હજાર 740 ઘનમીટર જળસંગ્રહ થઇ શકે તેટલાં કામો રાજ્યભરમાં સંપન્ન થાય છે.

મુખ્યમંત્રીના સચિવશ્રીએ મુખ્યમંત્રી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સફળતાની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો હતો એમાં સૌ લોકોએ સક્રિયતાથી સહયોગ આપ્યો છે અને પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે. 

આ પણ વાંચો:- GujaratEVimarshમાં મંત્રી કૌશિક પટેલ બોલ્યા, ‘વિજયભાઈએ સમયસર અનેક નિર્ણયો લીધા, ચોક્કસથી બેઠા થઈ જઈશું’

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ વરસાદી પાણીના સંચયથી કુદરતી પાણીના સ્ત્રોત ઊંચા લાવવા અને જળ વ્યવસ્થાપનમાં ગુજરાતને અગ્રેસર રાખવા સુજલામ સુફલામ જળ અભિયાનનો તા. 1 મે-2018ના દિવસે ભરૂચ જિલ્લાના કોસામડીથી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં 12,279 તળાવો ઊંડા કરાયા છે. તે જ રીતે 5,775 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તેમાં નવો જળસંગ્રહ થયો અને સંપૂર્ણ ભરાઇ જતાં 23,553 લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે. ખોદાણના લીધે નીકળેલ માટી પણ ખેડૂતોને ખેતરમાં પાથરવા માટે આપવામાં આવી હતી. જેના પરિણામે લાખો હેક્ટર જમીન પણ નવસાધ્ય થઇ છે.

સુજલામ સુફલામ જળ અભિયાનમાં સરકાર અને જનભાગીદારીનો હિસ્સો 50 : 50 હતો તે હવે 60 : 40 કરીને વ્યાપક જનભાગીદારી જોડી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube