આવતીકાલે મતદાન માટે ગુજરાત સજ્જ, EVMની ફાળવણી કામગીરી યુદ્ધધોરણે શરૂ

 હાલ દરેક બૂથ માટે ઇવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે. તો ચૂંટણીની કામગીરીને લઈને કર્મચારીઓ પણ તૈનાત કરી દેવાયા છે. તો બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ જવાનો અને પેરામિલટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી દેવાઈ છે. 

આવતીકાલે મતદાન માટે ગુજરાત સજ્જ, EVMની ફાળવણી કામગીરી યુદ્ધધોરણે શરૂ

ગુજરાત :ગુજરાતમાં આવતીકાલે  4,51,25,680 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વોટ આપવા જશે. લોકસભની ચૂંટણીમાં આવતીકાલે ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે, ત્યારે તમામ સંસદીય મત વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરીની તમામ કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. હાલ દરેક બૂથ માટે ઇવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે. તો ચૂંટણીની કામગીરીને લઈને કર્મચારીઓ પણ તૈનાત કરી દેવાયા છે. તો બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ જવાનો અને પેરામિલટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી દેવાઈ છે. 

હાલ જિલ્લામાં સર્વત્ર ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં આજે સવારથી જ આ કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. લગભગ તમામ મતદાન મથકોમાં આજે બપોર સુધી તંત્ર દ્વારા ઇવીએમ ગોઠવી દેવામાં આવશે. આવતીકાલે સવારે પાંચ વાગ્યાથી પોલીસ સહિત અર્ધ લશ્કરી દળો મતદાન પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ખડેપગે રહેશે. લોકસભા ચૂંટણીમાં ગરમીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા ફર્સ્ટ એઈડ કીટ પણ મૂકવામાં આવી છે, જેથી ગરમીમાં લાઈનમાં ઉભા રહેતા મતદારોને કંઈ થાય, તો તાત્કાલિક સારવાર આપી શકાય.

  • કુલ પુરુષ મતદાર 2,34,28,119
  • કુલ મહિલા મતદાર 2,16,96,571
  • કુલ મતદારો 4,51,25,680 
  • કુલ દિવ્યાંગ મતદારો 1,68,054
  • મતદાન મથકે વેઈટિંગ રૂમ અને પીવાના પાણીની વ્યવસ્થા
  • મતદાન મથકે ખાસ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ
  • અંધ મતદારો માટે બ્રેઈલ લીપિમાં મતદાર કાપલી
  •  કુલ મતદાન મથકો 51,851
  • કુલ મતદાન મથક સ્થળ 29,155
  • 2,23,775 કર્મીઓની પોલિંગસ્ટાફ તરીકે નિમણૂક
  • 57,111 પ્રિસાઈડિંગ ઓફિસર
  • 5145 માઈક્રો ઓબ્ઝર્વર

પીએમ મોદી રાણીપમાં વોટ આપશે
અમદાવાદમાં આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વોટ કરવા આવશે. તેઓ રાણીપની નિશાન સ્કૂલ ખાતે વહેલી સવારે મતદાન કરશે. જેથી મતદાન મથક આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમની સુરક્ષા માટે SPG, ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતની એજન્સીઓ ખડકી દેવામાં આવી છે. તેમજ નજીકના વિસ્તારોમાં બેરીકેડિંગ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા 98 વર્ષીય માતા હીરા બાના આશીર્વાદ લેવા જશે. ઉલ્લેખનીય છે કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારના ઉપયોગ કરતા પહેલા માતાના આશીર્વાદ લઈને મતદાન કરવા જતા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે આ ક્રમ જાળવી રાખ્યો હતો. 

રાજકોટ એસટી ડિવિઝન ની 220 બસ ચૂંટણી ફરજમાં ફાળવવામાં આવી છે. આવતીકાલે મતદાનના દિવસે 20% લોકલ રૂટ પર એસટી બસ નહિ દોડે. આવતીકાલે શાળા કોલેજો અને સરકારી કચેરીમાં રજા હોવાથી અપડાઉન કરતા મુસાફરોને તકલીફ નહિ પડે. જોકે, સામાન્ય મુસાફરોને થોડી તકલીફનો સામનો કરવો પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news