જાત મહેનત જીંદાબાદ: 50 ખેડૂતોએ 16 કિલોમીટર લાંબી કેનાલ કરી સાફ

કેનાલમાં પાણી આવે અને કેનાલ ન તૂટે તે માટે સલ્લા ગામના 50 જેટલા ખેડૂતો 16 કિલોમીટર લાંબી અને ઝાડી ઝાંખર ઊગી ગયેલી વર્ષોથી સાફ સફાઈ ન થયેલી ગઢ બ્રાન્ચ કેનાલને પોતાના તમામ કામકાજ છોડીને હાથમાં કોદાળી અને પાવડાઓ લઈને સાફ કરી રહ્યા છે. 

જાત મહેનત જીંદાબાદ: 50 ખેડૂતોએ 16 કિલોમીટર લાંબી કેનાલ કરી સાફ

અલ્કેશ રાવ, પાલનપુર: પાલનપુર તાલુકાના સલ્લા ગામના ખેડૂતો દાંતીવાડા સિંચાઇ વિભાગની બેદરકારીના કારણે જાતે જ જાત મહેનત જીંદાબાદ કરીને હાથમાં કોદાળી પાવડા લઈને કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે.

આ વર્ષે બનાસકાંઠા અને ઉપરવાસમાં સારો વરસાદ પડતાં બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં સારા પ્રમાણમાં પાણીની આવક થતાં સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝન માટે સિંચાઇનું પાણી મળી રહે તે માટે દાંતીવાડા ડેમ માંથી પાણી છોડાયું છે જે દાંતીવાડાની મુખ્ય કેનાલમાંથી નીકળતી અનેક બ્રાન્ચ કેનાલો દ્વારા પાટણ અને બનાસકાંઠાના 110 ગામોના ખેડૂતોને મળવાનું છે. 

ત્યારે દાંતીવાડા કેનાલ માંથી નીકળતી ગઢ બ્રાન્ચ કેનાલમાં પાણી આવે અને કેનાલ ન તૂટે તે માટે સલ્લા ગામના 50 જેટલા ખેડૂતો 16 કિલોમીટર લાંબી અને ઝાડી ઝાંખર ઊગી ગયેલી વર્ષોથી સાફ સફાઈ ન થયેલી ગઢ બ્રાન્ચ કેનાલને પોતાના તમામ કામકાજ છોડીને હાથમાં કોદાળી અને પાવડાઓ લઈને સાફ કરી રહ્યા છે. 

ખેડુતોનું કહેવું છે કે તેમને તેમના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કર્યું છે પણ પાણી વગર તેમનો પાક ન સુકાય તે માટે તેવો કેનાલ દ્વારા પાણી મળે તે આશાએ જાતે જ કેનાલ સાફ કરી રહ્યા છે જોકે ખેડૂતોએ દાંતીવાડા સિંચાઇ વિભાગ ઉપર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે સરકાર દ્વારા કેનાલ સાફ કરવા માટે કરોડોની ગ્રાન્ટ આવતી હોય છે પણ તેમાં ભ્રષ્ટાચાર આચરાય છે અને કેનાલ સાફ કરાતી નથી જેથી અમારે જાતે જ કેનાલ સાફ કરવી પડી રહી છે.

આ વર્ષે રવિ સિઝન માટે દાંતીવાડા ડેમ માંથી પાણી છોડતા ખેડૂતોમાં ખુશી છે પરંતુ દાંતીવાડા સિંચાઇ વિભાગ દ્વારા કેનાલોની સાફ સફાઈ ન કરાતાં ગઢ બ્રાન્ચ કેનાલમાં એટલા ઝાડી ઝાંખર ઊગી નીકળ્યા છે કે ખેડૂતો બે દિવસથી પોતાના કામકાજ છોડીને કેનાલ સાફ કરવા મથી રહ્યા હોવા છતાં અને અધિકારીઓને જાણ કરી હોવા છતાં તેમની મદદે કોઈ જ આવ્યું ન હોવાથી હવે ખેડૂતોએ જ સરકારી તંત્રનું કામ જાતે જ ઉપાડીને કેનાલ સાફ કરવાનું અભિયાન હાથ ધર્યું છે 

ગઢ પંથકના ખેડૂતોએ આ વર્ષે માટે દેવું કરીને પોતાના ખેતરોમાં પાકનું વાવેતર કર્યું છે જોકે પાણી વગર તેમનો મહામુલો પાક સુકાતો હોવાથી જગતનો તાત પોતાના પાકને બચવવા માટે પોતાના ખેતરોમાં પરસેવો પાડવાની જગ્યાએ કેનાલ સફાઈ કરવામાં પોતાનો પરસેવો પાડી રહ્યો છે..

સલ્લા ગામના 50 જેટલા ખેડૂતો પોતાના પાકને બચવવા માટે સરકારી તંત્રનું કામ જાતે જ કરી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે સરકારી તંત્ર તેમની મદદે આવે છે કે કેમ અને તેમને પાણી મળે છે કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news