જૂનાગઢના ચોરવાડમાં હાર્ડિયેક એરેસ્ટને લીધે 17 વર્ષીય કિશોરનું મોત, કામ કરવા સમયે અચાનક ઢળી પડ્યો

રાજ્યમાં યુવાનોમાં આવી રહેલા હાર્ટ એટેકના કેસોએ મોટી ચિંતા ઊભી કરી છે. રાજ્યમાં આજે હાર્ટ એટેકને લીધે એક 15 અને એક 17 વર્ષીય કિશોરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 
 

જૂનાગઢના ચોરવાડમાં હાર્ડિયેક એરેસ્ટને લીધે 17 વર્ષીય કિશોરનું મોત, કામ કરવા સમયે અચાનક ઢળી પડ્યો

જૂનાગઢઃ રાજ્યમાં હાર્ટ એટેકથી નિધનના આજે અત્યંત ચોંકાવનારા બે સમાચાર સામે આવ્યા છે. રાજકોટના રીબડામાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતા 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.હવે જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં 17 વર્ષીય કિશોરે કાર્ડિયેક એરેસ્ટથી પોતાનો જીવ ગુમાવ્યો છે. ચોરવાડમાં નાળિયેરની વાડીમાં જિગ્નેશ વાજા નામનો 17 વર્ષીય છોકરો નાળિયેર લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને તત્કાલ CPR આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જિગ્નેશનું મૃત્યુ થયું છે. 

કાર્ડિયેક એરેસ્ટથી થયું મોત
ચોરવાડની સરકારી હોસ્પિટલના ડોક્ટર પ્રમાણે જિગ્નેશ વાજાનં નિધન કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. પ્રાપ્ત વિગત અનુસાર જિગ્નેશ વાજા ચોરવાડમાં નાળિયેરની વાડીમાં કામ કરતો હતો. તે સવારે નાળિયેર ઉતારી રહ્યો હતો. નાળિયેર ઉતાર્યા બાદ તેને લઈને જતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. ત્યાં હાજર લોકોએ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો. જિગ્નેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું નિધન થયું છે. 

હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મૃત્યુ
રાજકોટ નજીક આવેલા રીબડામાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે. આજે ગુરૂપૂર્ણિમા હોવાથી ગુરૂકુળમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધોરાજીના દેવાંશ ભાયાણી નામનો વિદ્યાર્થી સ્ટેજ પર મુકવા માટે માઈક સ્ટેન્ડ ઉચકી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યો હતો. દેવાંશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

રાજ્યમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસ ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં હાર્ટ એટેકને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 15 દિવસમાં જ પાંચ જેટલા યુવાન લોકોના મોત હાર્ટ એટેકને લીધે થયા છે. નવસારીમાં એક સપ્તાહ પહેલા એક વિદ્યાર્થિનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તો રાજકોટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આણંદમાં પણ 22 વર્ષીય યુવકનું મોત થયું હતું. જ્યારે આજે રાજ્યમાં 18 વર્ષથી નાની ઉંમરના બે કિશોરોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news