આમ આદમી પાર્ટીને ઝટકો, નિખિલ સવાણીએ ધારણ કર્યો કસરિયો, પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. પક્ષના અગ્રણી હરોળના નેતા નિખિલ સવાણીએ દિવાળી સમયે જ રાજીનામું ધરી દીધું. આ સાથે જ આપના નેતાઓમાં ઘટાડો અને પડકારમાં વધારો થયો છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદથી આમ આદમી પાર્ટી ખાલી થઈ રહી છે. પક્ષના એક બાદ એક નેતાઓ રાજીનામા ધરી રહ્યા છે. આપના નેતાઓમાં ભાજપ અને કોંગ્રેસમાં જોડાવાની હોડ લાગી છે, ત્યારે આ સિલસિલામાં વધુ એક નેતાનો ઉમેરો થયો છે.
2021માં આપમાં જોડાયેલા નિખિલ સવાણીએ દિવાળીના દિવસે જ આપને રામરામ કરી દીધા અને ભાજપમાં જોડાઈ ગયા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાજપનો ખેસ પહેરાવતા હોય તેવી તસવીરો પણ સવાણીએ શેર કરી..
પાટીદાર અનામત આંદોલનથી લાઈમલાઈટમાં આવેલા નિખિલ સવાણી ભાજપ અને કોંગ્રેસમાં જોડાઈને છૂટા થયા બાદ 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે તેમણે ફરી એકવાર ભાજપનો હાથ પકડ્યો છે...ભાજપ અને કોંગ્રેસ છોડતી વખતે તેમણે આ બંને પક્ષો પર પ્રહાર કર્યા હતા, જો કે આમ આદમી પાર્ટીના કિસ્સામાં હજુ સુધી તેમણે આવું કંઈ કર્યું નથી.
નિખિલ સવાણીએ પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલની સાથે મળીને કામ કર્યું હતું. બંને જૂના મિત્ર પણ છે. હાર્દિક પટેલનાં પગલે જ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખનો હોદ્દો પણ અપાયો હતો. જો કે આંતરિક ડખાને કરાણે તેમણે હાર્દિક પટેલની પહેલાં જ કોંગ્રેસને અલવિદા કહી દીધા અને આપનું ઝાડું પકડી લીધું.
આમ તો સવાણી છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય નહતા જણાતા. જો કે તેમના રાજીનામાથી આમ આદમી પાર્ટીને ઝટકો જરૂર લાગ્યો છે. એ પણ એવા સમયે જ્યારે ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર ધરપકડની તલવાર તોળાઈ રહી છે, તેઓ હજુ પણ ફરાર છે.
આવા સમયે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે પડકારો વધ્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ આ જ વર્ષએ જાન્યુઆરીમાં તેમણે પક્ષના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી હતી, જો કે ત્યારથી જ તેમના ભાગે ખાસ કરીને આપના નેતાઓના રાજીનામા સ્વીકારવાનું જ કામ આવી રહ્યું છે.
હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે એક બાદ એક નેતાઓના રાજીનામા આપ માટે નકારાત્મક નિશાની છે. ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીને તૂટતી નથી બચાવી શક્યા, તેઓ પક્ષમાં નવો જોમ નથી ભરી શક્યા, ત્યારે એવી અટકળો પણ વહેતી થઈ હતી કે તેઓ રાજકારણ છોડીને ફરી પત્રકારત્વમાં પરત ફરશે, જો કે આ અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી.
2027માં ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરતા અને રાજકારણી તેમજ પત્રકારનો ડબલ રોલ કરવાની તૈયારી દેખાડતાં ઈસુદાન કદાચ 2024ની લોકસભાની ચૂંટણીને ભૂલી ગયા. કાં તો હાલ તેમના પક્ષની જે સ્થિતિ છે, તેને જોતાં તેમણે વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. હવે જોવું એ રહેશે કે નિખીલ સવાણી આપને છોડવા પાછળ કોઈ કારણ આપે છે કે કેમ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે