કંપનીમાંથી કામ પતાવીને ઘરે ફરી રહેલા કર્મચારીઓની ગાડીને અકસ્માત, પાંચના મોત

ભરૂચના નેત્રંગ તાલુકાના મોવી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે કાર ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે.

Updated By: May 12, 2021, 03:51 PM IST
કંપનીમાંથી કામ પતાવીને ઘરે ફરી રહેલા કર્મચારીઓની ગાડીને અકસ્માત, પાંચના મોત

ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચના નેત્રંગ તાલુકાના મોવી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે કાર ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે.

આજ સવારે નેત્રંગ મોવી રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ રોડ પરથી સવારે એક પેસેન્જર ઇકો કાર મુસાફરોને બેસાડી પસાર થઈ રહી હતી. એ દરમ્યાન પૂરઝડપે આવી રહેલ અજાણ્યા વાહને ઈકો કારને ટક્કર મારી હતી. જોરદાર ટક્કરના કારણે ઈકો કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. માર્ગની નીચે ખીણમાં કાર ખાબકી હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે રાજપીપળા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર ઇજાના પગલે 4 મહિલાઓના સારવાર દરમ્યાન મોત
નિપજ્યા હતા.

બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત કારને બહાર કાઢી હતી. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા એ દરમ્યાન તેઓને કાળ ભરખી ગયો હતો.