ડાંગની મહિલાઓ વર્ષે કરે છે લાખો રૂપિયાની આવક, આ પાકમાંથી બનતી પ્રોડક્ટની માર્કેટમાં ભારે ડિમાન્ડ

ડાંગ જિલ્લો 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે, જેમાં ખાસ કરીને નાગલી અને અળડ દાળ મુખ્ય ધાન્ય પાકો છે. ડુંગરાળ અને આદિવાસી બાહુલ્ય વિસ્તાર હોવાથી અહીંના ખેડૂતો ફકત ચોમાસમાં ઘરે હોય છે

ડાંગની મહિલાઓ વર્ષે કરે છે લાખો રૂપિયાની આવક, આ પાકમાંથી બનતી પ્રોડક્ટની માર્કેટમાં ભારે ડિમાન્ડ

ઝી બ્યુરો/ડાંગ: આરોગ્ય માટે ઘઉં, મેદા કરતા હલકા ધાન્ય પાકો ઘણા લાભદાયી છે. ખાસ કરીને જુવાર, બાજરો, નાગલી, રાગી, કાંગ, કોદરી જેવા ધાન્ય પાકો શહેર કરતા ગામડામાં વધુ ઉપયોગમાં લેવાય છે, ત્યારે ડાંગની આદિવાસી મહિલા ખેડૂતો નાગલી અને તેની બાય પ્રોડક્ટ બનાવી તેનું લોકલ તેમજ કૃષિ મેળાઓમાં વેચાણ થકી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી પગભર બની છે.

ડાંગ જિલ્લો 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે, જેમાં ખાસ કરીને નાગલી અને અળડ દાળ મુખ્ય ધાન્ય પાકો છે. ડુંગરાળ અને આદિવાસી બાહુલ્ય વિસ્તાર હોવાથી અહીંના ખેડૂતો ફકત ચોમાસમાં ઘરે હોય છે, બાકીના દિવસોમાં અન્ય જિલ્લાઓમાં શેરડી કાપણી તેમજ અન્ય મજૂરી કામ કરતા હોય છે. 

ડાંગના મહિલા ખેડૂતોએ સખી મંડળ બનાવી ગુંઠામાં નાગલી પકવતી મહિલા ખેડૂતોએ અન્ય ખેડૂતો પાસે પણ  નાગલી લેવાની શરૂ કરી છે. 35 થી 40 રૂપિયાની નાગલી બજારમાં 50 રૂપિયામાં વેચાય છે, જ્યારે નાગલી લોટ સ્થાનિક બજારમાં 60 રૂપિયે અને અન્ય શહેરમાં 80 રૂપિયામાં વેચાય છે. મહિને અંદાજે 300 કિલો નાગલી મેળવી, નાગલી સાથે નાગલીનો લોટ, પાપડ, ફ્રાયમ્સ, બિસ્કીટ, વગેરે બનાવી તેના વેચાણ થકી 25 થી 50 ટકા જેટલું પ્રોફિટ મેળવી રહી છે.

ડાંગની મહિલા ખેડૂતો નાગલી સાથે અળદ, મોરયો દેશી પદ્ધતિથી તૈયાર થતા ધાન્યની પોષ્ટિક્તા જળવાઈ રહે છે, ખાસ કરીને નાગલીમાં હાઈ કેલશ્યમ અને આર્યન હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે અને કુપોષણમાં પણ રામબાણ સાબિત થાય છે. ત્યારે ડાંગમાં આવતા પ્રવાસીઓ તેમજ રાજ્યના અન્ય શહેરોમાં થતા કૃષિ મેળાઓમાં પહોંચી આ મહિલા ખેડૂતો આરોગ્યવર્ધક હલકા ધાન્ય પાક અને તેની મૂલ્યવર્ધિત વસ્તુઓના વેચાણ થકી વર્ષે 20 લાખથી વધુની આવક મેળવતી થઈ છે. 

હલકા ધાન્ય પાકોને પ્રોત્સાહિત કરવા ભારત અને ગુજરાત સરકાર આખું વર્ષ મીલેટ વર્ષ તરીકે ઉજવી રહી છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા હલકા ધાન્ય પાકો પકવતા ખેડૂતોને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન મળી રહે એવા ઉમદા હેતુથી આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નાગલી, રાગી, કાંગ, કોદરી, બાજરો, જુવાર, સામો, મોરચો, ચેના જેવા ધાન્ય પાકો પ્રદર્શિત કરવા સાથે એમાંથી બનતી બાય પ્રોડક્ટ પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

બદલાતા વાતાવરણમાં ખેતીમાં પરિવર્તન જરૂરી છે, જેમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે કોરોના બાદ આરોગ્ય પ્રત્યે જાગૃત બનેલા લોકો હલકા ધાન્ય તરફ ધ્યાન આપી રહ્યા છે, જેથી થોડા મહિનાઓમાં હલકા ધાન્યની માંગ પણ વધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news