આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ રાજ્ય સરકાર અને બેન્કર્સની સક્રિય સહભાગીતાથી પાર પડશે: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે પ્રથમવાર આ એસ.એલ.બી.સી.ની બેઠકમાં પ્રેરણાદાયી સંબોધન કરતાં નાનામાં નાના માનવી, છેવાડાના અંતરિયાળ ગ્રામીણ નાગરિકને પણ ઘર આંગણે બેન્કીંગ સેવાઓ મળે તે માટે બેન્કીંગ સેવાઓના ડિઝીટલાઇઝેશન માટે અનુરોધ કર્યો હતો
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કૃષિ ક્ષેત્ર આપણા માટે પ્રાયોરિટી હતું, છે અને રહેવાનું છે. આ હેતુસર કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ જેવા સેક્ટર્સમાં રાજ્ય સરકારે બજેટમાં લોન-ધિરાણ માટેની જે જોગવાઇઓ કરી છે તેનો વ્યાપક લાભ લાભાર્થીઓને મળે તેવી સક્રિયતા સાથે બેન્કીંગ સેક્ટરે ઇનીશ્યેટીવ્ઝ લેવા જરૂરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શૂન્ય ટકા વ્યાજે લોન અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં આપવાના જે પ્રાવધાન આ વર્ષે બજેટમાં કરવામાં આવ્યા છે તેમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા બેંકોએ પોતાનું ફ્રેમવર્ક વિકસાવવું પડશે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં 172 મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, મુખ્ય સચિવ પંકજકુમાર, એસ.એલ.બી.સી.ના ચેરમેન વિક્રમાદિત્ય ખીંચી, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના રિજીયોનલ ડિરેકટર રાજેશકુમાર, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશપૂરી, નાણાં વિભાગના અગ્ર સચિવ જે.પી. ગુપ્તા અને વરિષ્ઠ સચિવો તથા રાષ્ટ્રિયકૃત બેંકોના અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે પ્રથમવાર આ એસ.એલ.બી.સી.ની બેઠકમાં પ્રેરણાદાયી સંબોધન કરતાં નાનામાં નાના માનવી, છેવાડાના અંતરિયાળ ગ્રામીણ નાગરિકને પણ ઘર આંગણે બેન્કીંગ સેવાઓ મળે તે માટે બેન્કીંગ સેવાઓના ડિઝીટલાઇઝેશન માટે અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટ્રીટ વેન્ડર્સ માટે શરૂ કરેલી પી.એમ સ્વનિધિ યોજના, સ્વામિત્વ યોજના સહિત નબળા વર્ગોના કલ્યાણ માટેની યોજનાઓ અંતર્ગત લોન-ધિરાણ સહાય આપવામાં બેન્કર્સ જરૂરી કાર્યવાહિ સત્વરે હાથ ધરે. ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રએ દેશને હરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની જે નેમ રાખી છે તે બેન્કીંગ સેક્ટર અને રાજ્ય સરકાર બેયની સક્રિય સહભાગીતાથી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ દ્વારા સાકાર થશે તેવો મત દર્શાવ્યો હતો.
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકારનો અભિગમ પ્રો-પૂઅર રહ્યો છે, ત્યારે નાના માનવી, જરૂરતમંદ લાભાર્થીને બેંકમાંથી લોન-ધિરાણ આપવામાં બેંકોએ પણ પોઝિટીવ એપ્રોચ અપનાવવો પડે. તેમણે કહ્યું કે, આવા નાના માનવીઓની લોન અરજીઓ ક્ષુલ્લક કારણોસર પેન્ડીંગ રાખવા કે રદ કરી દેવાને બદલે બેન્કર્સ એમને યોગ્ય માર્ગદર્શન, મદદ આપી, સરળતાએ લોન ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.
મુખ્ય સચિવ પંકજકુમારે બેન્કર્સને મિશન મોડમાં કાર્યરત થવાનું આહવાન કર્યુ હતું. તેમણે ઉમેર્યુ કે, આ એસ.એલ.બી.સી.ની ૧૭રમી બેઠક છે એટલે કે પાછલા ૪ર-૪૩ વર્ષથી આવી બેઠક મળે છે. હવે આપણે બીબાઢાળ કાર્યપદ્ધતિથી બહાર આવી નવતર એપ્રોચ અને અભિગમથી વિચારવાની જરૂર છે. પંકજકુમારે આ અંગે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબલક્ષી, કિસાનલક્ષી, ગ્રામીણ વિકાસ, નલ સે જલ, સ્વામિત્વ સહિત બધી જ યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ સાથે કાર્યપદ્ધતિનું વલણ અપનાવવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપેલા છે.
રાજ્ય સરકારના બધા જ વિભાગો આ માટે સતત કાર્યશીલ છે. ત્યારે બેંકોએ પણ પ્રો-એક્ટીવ એપ્રોચ અને પોતાની પાસેના બધા જ ડેટા બેઇઝના આધારે દરેક યોજનાઓનું એનાલીસીસ કરીને લક્ષ્યાંક સિદ્ધિ હાંસલ કરવી આવશ્યક છે. આ બેઠકના પ્રારંભે એસ.એલ.બી.સી.ના ચેરમેન વિક્રમાદિત્ય ખીંચીએ રાજ્યમાં બેન્કીંગ સેક્ટર અને રાજ્ય સરકારના સૌહાર્દપૂર્ણ સંકલનથી થઇ રહેલી કાર્યપદ્ધતિની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, રાજ્યમાં પાંચ કિ.મીટરની રેડિયસમાં નાગરિકોને બેન્કીંગ સુવિધા ઉપલબ્ધ છે. એટલું જ નહિ, 9800 ઉપરાંત બ્રાંચ અને 12 હજારથી વધુ એ.ટી.એમ.ની સેવાઓ પણ સરળતાએ મળી રહે છે. ખીંચીએ સ્વામિત્વ યોજના અન્વયે 14,800 ઉપરાંત ગામોમાં લાભાર્થીઓના સર્વે અને પ્રોપર્ટી કાર્ડ માટે રાજ્ય સરકારે ઉપાડેલી ઝૂંબેશથી યોજનાકીય અમલમાં બેંકોને સરળતા મળશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાત સરકારના વિભાગો અને અધિકારીઓના પોઝિટીવ એપ્રોચને પરિણામે બેન્કર્સને વિવિધ યોજનાઓના લક્ષ્યાંક પૂર્ણ કરવામાં પ્રોત્સાહન મળતું રહે છે તે અભિનંદનીય છે. રિઝર્વ બેન્કના રિજીયોનલ ડિરેકટર રાજીવકુમારે પણ પોતાના વિચારો બેન્કીંગ સેક્ટરની કાર્યપદ્ધતિના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કર્યા હતા.
આ બેઠક દરમ્યાન કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રાયોરિટી સેક્ટર્સમાં ગુજરાતમાં લોન-ધિરાણ સહાય ક્ષેત્રે 82.89 ટકા સિદ્ધિ ડિસેમ્બર-2021 અંતિત મેળવવામાં આવી છે. આ બેઠકનું સંચાલન એસ.એલ.બી.સી કન્વીનર બંસલે કર્યુ હતું.
અન્ય સમાચાર અહીં વાચો:-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે