તથ્ય પટેલ અકસ્માત કેસમાં મોટો વળાંક : એક્સિડન્ટ બાદ સ્પોટ પર આવેલી યુવતી કોણ હતી, અંદર જવા જીદ કેમ કરતી હતી

ahmedabad iskcon bridge accident : આખરે એ યુવતી કોણ હતી, અને તે અકસ્માત બાદ ત્યાં કેમ આવી હતી તે મોટો સવાલ છે. કેટલાકનું કહેવુ છે કે, ઘટનાસ્થળેથી કાર લઈને નીકળ્યા બાદ તે યુવતી ફરી તેના મિત્રોને મળી હતી અને એક ટી-સ્ટોલ પર બિન્દાસ્ત કોફી પીતી જોવા મળી હતી 

તથ્ય પટેલ અકસ્માત કેસમાં મોટો વળાંક : એક્સિડન્ટ બાદ સ્પોટ પર આવેલી યુવતી કોણ હતી, અંદર જવા જીદ કેમ કરતી હતી

Tathya Patel : અમદાવાદના ઈસ્કોન બ્રિજના અકસ્માતને 48 કલાક થઈ ગયા છે. ત્યારે આ અકસ્માતમાં માતેલા સાંઢની જેમ ગાડી હંકારતા તથ્ય પટેલના અનેક નવા રાઝ ખૂલી રહ્યાં છે. તથ્ય પટેલના મિત્રો જ તેની સામે આક્ષેપો મૂકી રહ્યાં છે. તથ્ય પટેલે કારમાં બેસેલા દોષ ઢોળતા કહ્યું કે, તેઓ મને ગલીપચી કરી વાળ ખેંચતા હતા. તો સામે મિત્રોએ પણ તથ્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ વચ્ચે એક જોરદાર વળાંક આવ્યો છે. અકસ્માતમાં 6 યુવાઓ સામે ગુનો નોંધાયો છે. પરંતુ અકસ્માત બાદ સ્પોટ પર આવેલી એક  યુવતી કોણ હતી તે વાતે ચર્ચા જગાવી છે. 

જાણવા મલ્યું કે, અકસ્માત થતા જ તથ્ય પટેલને લોકોએ કારમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. આ બાદ તેના મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા. પરંતુ સુત્રોનું કહેવુ છે કે, અકસ્માત બાદ એક યુવતી સ્પોટ પર શોધતી આવી હતી. તે પણ લક્ઝુરિયસ કાર લઈને આવી હતી. તેણે અકસ્માત સ્પોટ પર જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને અટકાવી હતી. છતા તે અંદર જવાની જીદ કરી રહી હતી. પરંતુ બાદમાં પોલીસે તેને સવાલો કરતા તે કાર લઈને ત્યાંથી ભાગી ગઈ હતી.

 

 

આખરે એ યુવતી કોણ હતી, અને તે અકસ્માત બાદ ત્યાં કેમ આવી હતી તે મોટો સવાલ છે. કેટલાકનું કહેવુ છે કે, ઘટનાસ્થળેથી કાર લઈને નીકળ્યા બાદ તે યુવતી ફરી તેના મિત્રોને મળી હતી અને એક ટી-સ્ટોલ પર બિન્દાસ્ત કોફી પીતી જોવા મળી હતી અને સવારે 4 વાગ્યે ઘરે આવી હતી. આમ, આ યુવતી અંગે અનેક વાતો વહેતી થઈ છે, પરંતુ તે કોણ છે તે માલૂમ પડ્યુ નથી. 

સ્ટંટ કરનારાઓ સામે ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન
અમદાવાદમાં બનેલી અકસ્માતની ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યા છે. સુરતમાં પણ રાંદેર પોલીસે મોપેડ લઈને જોખમી રીતે વાહન હંકારતા સગીર અને તેને વાહન આપનાર પિતા સામે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જે બાળકો વાહનો લઈને સ્ટંટ કરે છે તે બાળકો તો જવાબદાર છે જ પરંતુ તેના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે અને જો એ કોઈ પ્રકારના નિયમ તોડશે તો જરૂરથી જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ કોઈ પણ પ્રકારની ભલામણ કે છૂટ ચલાવી લેવામાં આવશે નહી.

આ કેસ વિશે ટ્રાફિક પોલીસ વિભાગના ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું કે, વધુ રિમાન્ડ મળ્યા બાદ તથ્ય અને તેના મિત્રોની પૂછપરછ કરાઈ હતી. તથ્ય તેના મિત્રો સાથે કાફે સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ મુલાકાત કરી હતી તે અંગે પણ ખુલાસો થયો છે. ડ્રગ્સ અંગે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. FSL સાથે રહી રિયલ ટાઈમ રિકન્સ્ટ્રકશન કરાયું છે. જેગુઆર કાર અંગે RTOની ટીમને બ્રેક સહિત ટેક્નિકલ તપાસ કરાઈ છે. ઇજાગ્રસ્તો અને મૃતકના સગા વ્હાલાઓના સંપર્ક મેળવી નિવેદન લેવાની કામગીરી શરૂ કરાઇ છે. મૌખિક રૂટ તથ્ય પટેલે કહ્યો તેમ જ તેમના મિત્રોએ કહ્યો. સિંધુ ભવન રોડ પરનો અકસ્માતમાં થાર કાર દીવાલ તોડેલી તે અંગે પણ ટ્રાફિકના નેનો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી અંગે સોમવારે RTOમાં રિપોર્ટ સોંપવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news