કુમકુમ મંદિર ખાતે 1500 રાખડીઓથી સ્વામિનારાયણ ભગવાન સજ્યા, આ રક્ષાકવચ જશે વિદેશોમાં!

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરની બહેનોએ પોતાના ભાઈઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મળે તો, તેઓ આલોક અને પરલોકમાં સુખી થાય, ભગવાન તેમની કામ, ક્રોધાદી દોષોથી રક્ષા કરી અને તેમને સુખી રાખે તેવા હેતુથી આ રાખડીના શણગાર તૈયાર કર્યા છે.

કુમકુમ મંદિર ખાતે 1500 રાખડીઓથી સ્વામિનારાયણ ભગવાન સજ્યા, આ રક્ષાકવચ જશે વિદેશોમાં!

અતુલ તિવારી/અમદાવાદ: શહેરના સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને 1500 રાખડીના ભવ્ય શણગાર સજવામાં આવ્યા હતા. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરેલી આ રાખડી કુમકુમ મંદિરની બહેનો રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈઓને બાંધશે. આ રાખડીઓ બહેનો પોતાના ભાઈઓ માટે મુંબઈ, અમેરીકા, કેનેડા, લંડનમાં વસતા પોતાના ભાઈઓને પણ મોકલશે. કુમકુમ મંદિરની 20 બહેનોએ 7 દિવસની મહેનતના અંતે રાખડીનો શણગાર કર્યો. ભગવાન પોતાના ભાઈની રક્ષા કરે અને આલોક પરલોકમાં સુખી રાખે તેવા ભાવથી રાખડીઓ તૈયાર કરી છે. આ બહેનો છેલ્લા 5 વર્ષથી આવી રીતે રાખડીના શણગાર તૈયાર કરે છે. 

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરની બહેનોએ પોતાના ભાઈઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મળે તો, તેઓ આલોક અને પરલોકમાં સુખી થાય, ભગવાન તેમની કામ, ક્રોધાદી દોષોથી રક્ષા કરી અને તેમને સુખી રાખે તેવા હેતુથી આ રાખડીના શણગાર તૈયાર કર્યા છે. આ રાખડી બહેનો રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને બાંધશે અને જે બહેનોના ભાઈ વિદેશમાં વસે છે, તેના માટે તેઓ મોકલી શકે, તો રક્ષાબંધનના દિવસે તે ભાઈઓ પણ રાખડી બાંધી શકે. તેથી આ રાખડીના શણગાર વહેલા તૈયાર કરીને ભગવાનને ધરાવામાં આવ્યા છે. શ્રાવણી પૂર્ણિમાને સમગ્ર ભારતવર્ષ 'રક્ષાબંધન'ના પવિત્ર પર્વ તરીકે ઉજવે છે. શ્રાવણ સુદ - પૂનમને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર એટલે આજના સમય પ્રમાણે તેને સિસ્ટર્સ ડે કહેવાય. રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પ્રેમ અને પરાક્રમના મિલનનું પર્વ છે. 

પરાક્રમી ભાઈની રક્ષા માટે બહેન પોતાના ભક્તિભીના હૃદયથી વણાયેલા પ્રેમના તાંતણાથી ભાઈના હાથે રક્ષાસૂત્ર બાંધે છે. જ્યારે સતત યુદ્ધો થતાં હતાં અને તલવાર યુગ ચાલતો હતો ત્યારે બહેનની રક્ષા ભાઈ માટે રક્ષાકવચ સાબિત થતું હતું. કાંડા ઉપર એક દોરો બાંધીને બહેન ભાઈની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી અને સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળતા અને આજે પણ સાંભળે છે. 

શ્રાવણી પૂનમ - રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ અનેક વખત ઉજવ્યો છે. શ્રીજીમહારાજને અનેક પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે, કરજીસણ ગામના ગોવિંદભાઈ સાહીઠ - સાહીઠ ગાઉ ચાલીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધવા ગઢપુર આવતા હતા.સદ્‌.શ્રી પ્રેમાનંદ સ્વામી આદી અનેક સંતો-ભક્તોએ ભગવાનને રાખડી બાંધી હતી તેના અનેક કીર્તનો પણ રચ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકાનેક મંદિરોમાં આ પરંપરા આજેય જોવા મળે છે. 

રક્ષાબંધનના દિવસે સંતો - ભક્તો આ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધીને પૂજન કરીને પોતાના દોષોથી રક્ષણ કરવાની યાચના કરે છે. આપણે પણ મંદિરમાં જઈને શ્રી સ્વામિનારાયણ ભગવાનના અને સંતોના દર્શન કરીએ અને આપણામાં દોષો નાશ પામે, સત્સંગમાં આપણી વૃધ્ધિ થાય એ માટે પ્રાર્થના કરીએ અને ભગવાનની પ્રસાદીમય રાખડી અંગીકાર કરીને નિર્ભય બનીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news