સ્માર્ટ સિટીની ગુલબાંગો ફેંકતા ભાજપના અમદાવાદના શાસકો બજેટ વાપરવામા નિષ્ફળ, રૂપિયા સંગ્રહીને શુ કરશે?

Ahmedabad News : ટેક્સ ભરતા અમદાવાદીઓને સુવિધા આપવામાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર નકામુ બન્યું છે. બજેટમાં મંજૂર કરાયેલા રૂપિયા પણ પ્રજા માટે વાપરવાનો સમય ન મળ્યો
 

સ્માર્ટ સિટીની ગુલબાંગો ફેંકતા ભાજપના અમદાવાદના શાસકો બજેટ વાપરવામા નિષ્ફળ, રૂપિયા સંગ્રહીને શુ કરશે?

Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પોની બજેટ રીવ્યુ કમિટીની બેઠક તારીખ 31 ડિસેમ્બર, 2022 ના રોજ મળનાર છે, ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે બજેટમાં ફુલગુલાબી આંકડાઓ રજુ કરીને પ્રજાજનોને ગેરમાર્ગે દોરવાનો શાસકપક્ષે નવો ચીલો ચિતર્યો છે. સ્માર્ટ સીટીની ગુલબાંગો ફેંકતા ભાજપના અમદાવાદના શાસકો મંજુર કરાયેલ છેલ્લા 15 વર્ષના બજેટના રૂા. ૨૧૭૦૮ કરોડના નાણાંનો ખર્ચ કરવા બાબતે ભાજપ નિષ્ફળ ગયું છે. 

દર વર્ષે શાસકપક્ષ બજેટ રજુ કરીને મોટા-મોટા આંકડા મૂકે છે પણ ખરેખર તે વાસ્તવિક છે ખરાં? તે વિચારણા માંગી લે તેવો પ્રશ્ન છે. પણ આ ખોટા ફુલગુલાબી આંકડાઓનો ખેલ કરવામાં શાસકો પ્રજાને પાછળ મુકી દીધી છે, જેની વિપરિત અસર એવી આવી છે કે, દર વર્ષે શાસકો દ્વારા બજેટ રજુ કરવામાં આવે છે. ત્યારબાદ વર્ષાંતે તે બજેટ રીવાઇઝડ કરવામાં આવે છે. જેથી કુલ બજેટના ૩૦ ટકા રકમ તે ખર્ચ કરી શકાતી નથી. શાસકપક્ષે બજેટમાં અમદાવાદ શહેરની પ્રજાને આપેલા વચનો અને બાહેંધરીનું દર વર્ષે કેટલા પ્રમાણમાં વહીવટી તંત્ર અમલ કરી શકયું છે, તેની ચકાસણી સમયાંતરે કરવી જોઇએ. જેમાં વર્ષ દરમ્યાન કરવાના કામોનું અને નિતિઓનું નક્કર આયોજન હોવું જોઇએ. પરંતુ નક્કર અને વાસ્તવદર્શી અમલ કરવા તંત્ર બંધાયેલું છે તે કરવામાં ઢીલ થતી હોય કે ઉદાસીનતા સેવવામાં આવતી હોય ત્યારે તંત્રનું ધ્યાન દોરવાની અને જરૂર પડે આદેશ આપી અમલ કરાવવાની શાસક પક્ષના સત્તાધીશોની ફરજ થઇ પડે છે. 

બજેટ ખોટા વચનો કે ભરમાવનારા વિધાનો કરવામાં નહી, પરંતુ જવાબદારીપૂર્વક તેનો અમલ કરાવવા માટે વચનબદ્ધ હોવું જોઇએ તેવું કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટ માનવું છે. પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ એ.સી. ચેમ્બરમાં બેસીને કરેલી કલ્પનાઓના ઘોડા દોડાવવા સિવાય છેલ્લા 17 વર્ષમાં કશું જ નક્કર આયોજન કર્યું હોય તેવું દેખાતું નથી. આવક વધારવાના નામે માત્ર કોરી કલ્પના કરવામાં આવે છે. આ કલ્પના વાસ્તવિક બને તેવી કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. જેને કારણે વધુ આવક મેળવવા માત્ર ટેક્ષમાં વધારો કે વિવિધ સેવાના દરમાં વધારો જેવા ટુંકી દ્રષ્ટિવાળા નિર્ણયો લેવાય છે જેનો ભોગ પ્રજા બને છે.

વર્ષ 2006-07 થી સને 2021-2022 સુધીના કુલ રૂપિયા 76,731.05 કરોડના બજેટ દર વર્ષે સમયાંતરે રીવાઇઝડ કરતાં રૂપિયા 60859 કરોડનું કરી દેવામાં આવેલ ત્યારબાદ પણ બજેટમાં રૂપિયા 55225.59 કરોડ જ વાપરી શકાયા છે. જેથી ભાજપના શાસકો મુળ બજેટની રકમ પૈકી કુલ રૂપિયા 21708.00 કરોડ વાપરી જ શક્યા નથી, જે મુળ બજેટની રકમ કરતાં ૩૦ % ઓછી રકમ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news