અમદાવાદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો

હુમલામાં કેટલાક પોલીસ કર્મી ઘાયલ, ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો 

અમદાવાદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો

અમદાવાદઃ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે એક જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં કેટલાક પોલીસ કર્મી ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

ઈસનપુરમાં ચંડોળા તળાવ પાસેની ઝુપડપટ્ટીમાં આરીફ નામનો એક શખ્સ જુગારધામ ચલાવતો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી. આથી બાતમીના આધારે પોલીસે આરીફના ત્યાં રેડ પાડી હતી. 

પોલીસ જ્યારે અહીં રેડ કરવા પહોંચી તો આરોપીના સાગરીતોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું. આરોપી છેલ્લા ઘણા સમયથી અહીં જુગારધામ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. 

અસામાજિક તત્વો સાથે મળીને ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવનારા આરીફને પકડવા માટે પોલીસ પહોંચી હતી. પથ્થરમારાની ઘટના બન્યા બાદ ઉચ્ચ અધિકારીઓ બીજો પોલીસ કાફલો લઈને ઈસનપુર પહોંચી ગયા હતા અને પોલીસની કાર્યવાહીમાં વિઘ્ન પાડનારા લોકોને પકડી પાડ્યા હતા. 

પોલીસે અજાણ્યા શખ્સો પર હુમલો કરવાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news