Ahmedabad Rain : ક્રુઝ દોડાવવી કે પાણીનું લેવલ જાળવવું, ક્રુઝ સાબમરમતી નદીમાં ઉતરતા જ વિવાદ શરૂ થયો

Ahmedabad Riverfront : અમદાવાદના વાસણા બેરેજથી નદીના લેવલને લઈ વિવાદ... નદીનું લેવલ કેટલું રાખવું તે મામલે થયો વિવાદ... એલિસબ્રિજના ધારાસભ્યએ AMC કમિશનરને લખ્યો પત્ર.....
 

Ahmedabad Rain : ક્રુઝ દોડાવવી કે પાણીનું લેવલ જાળવવું, ક્રુઝ સાબમરમતી નદીમાં ઉતરતા જ વિવાદ શરૂ થયો

Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : હજી સપ્તાહ પહેલા જ અમદાવાદની સાબરમતી નદીમાં ક્રુઝ ઉતારવામાં આવ્યું છે. નદી વચ્ચે લંચ અને ડિનરની સુવિધા આપતી આ ક્રુઝ સેવા ઉદઘાટનના એક સપ્તાહમાં જ વિવાદનું કારણ બની છે. ક્રુઝ તરતું રાખવું હોય તો નદીનું લેવલ વધુ રાખવું પડે એમ છે, આવામાં નદીમાં બેરેજ ખાતે પાણીના ઓછા લેવલથી ક્રુઝ ફસાઈ જવાની સંભાવના છે. તો બીજી તરફ, પાણીનું લેવલ જાળવવામા આવે તો અમદાવાદના નદી કાંઠાના વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉદભવી શકે છે. આવામાં એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો.  

ગઈકાલ સમી સાંજથી અમદાવાદ શહેરમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એક તરફ અમદાવાદ પાણીમાં ડૂબ્યું હતું. અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદના કારણે વાસણા બેરેજના 9 ગેટ ખોલી નાંખવામાં આવ્યા હતા અને 25 હજાર ક્યુસેક પાણી નદીમાં ઠાલવાઇ રહ્યુ છે. આવામાં ચોમાસા સમયે વાસણા બેરેજ ખાતે નદીનું લેવલ કેટલુ રાખવું તેને લઈને વિવાદ સર્જાયો છે. આ અંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે.  

ધારાસભ્ય અમિત શાહે ભારે વરસાદ સમયે બેરેજ ખાતે સાબરમતી નદીનું લેવલ 128 ફૂટ રાખવા રજુઆત કરી છે. નદીનું લેવલ વધુ હોય તો નદીની આસપાસના પાલડી અને વાસણા વિસ્તારોમાં પાણી ભરાવો થતો હોવાની રજુઆત કરી છે. સાથે જ ગતરોજ સાંજના સમયે પણ નદીનું લેવલ વધુ રખાતા પોતાના મતવિસ્તારમાં પાણી નિકાલની સમસ્યા સર્જાઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.  

બીજી તરફ તાજેતરમાં શરૂ કરાયેલી ક્રુઝ સેવા પણ વિવાદનું કારણ બની છે. ક્રુઝ તરતું રાખવું હોય તો નદીનું લેવલ વધુ રાખવું પડે એમ છે. નદીમાં બેરેજ ખાતે પાણીના ઓછા લેવલથી ક્રુઝ ફસાઈ જવાની સંભાવના છે. જેથી બેરેજના દરવાજા નજીક પાણીંની ઊંડાઈ વધુ હોવાથી ક્રુઝ તરતું રહી શકે છે. બેરેજથી અટલ બ્રિજ તરફ ક્રુઝ જેટલું વધુ દૂર રહેશે, એટલું તેને તરતું રહેવામાં વધુ મુશ્કેલી સર્જાય એવી ભૌગલિક પરિસ્થિતિ છે.  

હવે ક્રુઝને મહત્વ આપવું કે પાણી નિકાલની સમસ્યાને પ્રાથમિકતા આપવી તેને લઇ amc તંત્ર અને શાસકોમાં જ એકમત થતો નથી. 

એક સમયે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે સોમનાથ ભુદરના આરે ગંગા આરતી કાર્યક્રમની શરૂઆત સમયે સમગ્ર અમદાવાદમાં અતિભારે વરસાદના કારણે અતિશય પાણી ભરાવો થયો હતો. પરંતુ રાજકીય જીદના કારણોસર નદીનું લેવલ ઓછું ન કરીને તત્કાલીન શાસકો અને નિર્ણાયકર્તાઓએ નાગરિકોને પારાવારમાં મુશ્કેલીમાં ધકેલ્યા હતા. 

તો હવે આ સમગ્ર વિવાદમાં amc વિપક્ષી નેતાએ પણ ઝુકાવ્યું છે. નદીના લેવલ મામલે ઉઠેલા વિવાદમાં કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. રાજકીય ફાયદા માટે નાગરિકોને મુશ્કલીમાં મુકાતા હોવાના આરોપ કોંગ્રેસે કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news