વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખેલ : અમદાવાદની RH કાપડિયા સ્કૂલનો ભાડા કરાર રદ થયો છતા એડમિશન શરૂ કર્યાં
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં આવેલી થલતેજની આરએચ. કાપડિયા સ્કૂલ વિવાદમાં આવી છે. પ્રાથમિક વિભાગે માન્યતા રદ કરી હોવા છતાં શાળાએ વર્ષ 2022-23ના એડમિશન શરૂ કર્યા છે. ભાડાના મકાનમાં ચાલતી સ્કૂલનો ભાડા કરાર પૂર્ણ થતાં વિવાદ શરૂ થયો છે. મકાન માલિકએ જગ્યા ખાલી કરવાની જાણ કર્યા છતાં સંચાલક જગ્યા ખાલી કરવા તૈયાર નથી.
શાળા વિદ્યાર્થી-વાલીઓને ગુમરાહ ન કરે : DEO
આ અંગે પ્રાથમિક વિભાગમાં અરજી થતા સ્કૂલની માન્યતા રદ કરાઈ છે. નવા વર્ષના એડમિશન શરૂ કરતાં DEOએ પણ સ્કૂલને નોટિસ ફટકારી છે. 1 મહિનો માત્ર બાકી હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કૂલ બંધ કરવાના આદેશ થયા હોવા અંગે કોઈ જાણ નથી કરાઈ રહી. DEO એ આ અંગે કહ્યુ કે, શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાનું બંધ કરે. ત્યારે નિયમોના ઉલ્લંઘન બદલ સ્કૂલ સંચાલક સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
આ પણ વાંચો : અમેરિકા-યુરોપની શાળાઓને પણ ટક્કર મારે તેવી ઝક્કાસ ડિજીટલ સ્કૂલ ગુજરાતમાં છે, એ પણ સરકારી
31 માર્ચે જ ભાડા કરાર પૂરો થયો
તો સ્કૂલ જે સ્થળે ચાલી રહી છે કે તે સ્થળના માલિક મનોજ દીક્ષિત એ કહ્યું હતું કે, 31 માર્ચે ભાડા કરાર પૂર્ણ થયો છે. માનવતાના ધોરણે શિક્ષણ વિભાગે 9 મે 2022 સુધી શાળા ચલાવવા મંજૂરી આપી છે. તો બીજી તરફ, આર. એચ. કાપડિયા પ્રિન્સિપલ એ કહ્યું કે અમે બે વર્ષનો સમય માગ્યો છે. હાલ અમારી મેટર કોર્ટમાં પેન્ડિંગ છે, કોરોનાને કારણે વિદ્યાર્થીઓના ભાવિનો પ્રશ્ન હોઈ સમય આપવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પર આરએચ કાપડિયા સ્કૂલ અનેકવાર વિવાદમા આવી ચૂકી છે. કોરોનાકાળમાં આ શાળાએ વાલીઓ પાસેથે બેફામ ફી વસૂલી હતી. તેમજ બે વર્ષ અગાઉ આર.એચ. કાપડિયા સ્કૂલના વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, સ્કૂલ વાલીઓને ફરજ પાડી રહી છે કે બાળકોની સ્ટેશનરી ફરજિયાત સ્કૂલમાંથી ખરીદવા. સાથે જ લૉકડાઉન દરમિયાન જે વર્કશીટ આપી હતી તેની અલગથી ફી સ્કૂલ ઉઘરાવી રહી છે.
NEET UG 2022 માટે રજિસ્ટ્રેશન શરૂ
NEET UG 2022 માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે. 6 મે સુધીમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ, ડેન્ટલ, આયુષ જેવા ક્ષેત્રમાં પ્રવેશ માટે NEET PG 2022 ની પરીક્ષા આપવી ફરજિયાત છે. neet.nta.nic.in વેબસાઈટના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન બાદ 7 મે સુધીમાં ફી ભરવાની રહેશે. 17 જુલાઈના રોજ દેશભરમાં NEET UG 2022ની પરીક્ષા યોજાશે. 3 કલાક અને 20 મિનિટ એટલે કે બપોરે 2 વાગ્યાથી 5.20 વાગ્યા સુધીમાં પરીક્ષા યોજાશે. NEET UG 2022 ની પરીક્ષા 720 માર્કની લેવાશે. પરીક્ષામાં 200 MCQ નું પેપર પૂછાશે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયને લગતા પ્રશ્નોનો સમાવેશ કરાશે. એક MCQ 4 માર્કનો હશે, 180 MCQ ના જવાબ આપવાના રહેશે. સાચા જવાબનો 4 માર્ક અને ખોટા જવાબનો એક માર્ક માઈનસ માર્ક આપવામાં આવશે. ભારતના 542 શહેરોમાં જ્યારે વિશ્વના અન્ય 14 દેશોમાં NEET UG 2022 ની પરીક્ષા લેવાશે. પરીક્ષા ક્યાં ક્યાં શહેરમાં યોજાશે તેની ટૂંક સમયમાં જાહેરાત કરાશે. જુદી જુદી કુલ 13 ભાષામાં NEET UG 2022નું આયોજન કરાશે. વિદ્યાર્થીઓ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, આસામી, ઉર્દુ, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષામાં પરીક્ષા લેવાશે. આ વખતે NEET UG 2022 માટે અધિકત્તમ ઉંમરની મર્યાદાને રદ્દ કરી દેવાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે