Ahmedabad : દારૂની મહેફિલ કરનારી બે મહિલા નીકળી ચબરાખ, પોલીસને આપી ખોટી ઓળખ
Trending Photos
- થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી- 1માં દારૂની મહેફિલ ચાલતી હોવાના મેસેજને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો
- પોલીસે આ બને મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આઈપીસી 177 એટલે ખોટી માહિતી આપવા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1 ના એક ફ્લેટમાંથી અગાઉ સોલા પોલીસે દારૂની મહેફિલ ઝડપી હતી. જેમાં પોલીસે બે મહિલાઓ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. જોકે આ મામલે હવે નવો ખુલાસો સામે આવ્યો છે. જે અંગે સોલા પોલીસના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે મકાનમાં દારૂની મહેફિલની મેસેજને આધારે દરોડો પાડતા ઘરમાં ચાર મહિલા અને એક પુરુષ દારૂ પીધેલા મળી આવ્યા હતા. એક મહિલાએ દારૂ પીધો ન હતો. મહિલા પોતે કોરોના નેગેટિવ આવતાં તેણે મિત્રોને બોલાવી દારૂની પાર્ટી યોજી હતી. ત્યારે હવે આ કેસમાં મહિલાઓ ચબરાખ નીકળી હોવાનું સામે આવ્યું છે. મહિલાઓએ પોલીસને પણ ઉલ્લુ બનાવી પોતાનું નામ અને સરનામું ખોટું આપતા પોલીસ પણ વાળ ખંજવાળવા લાગી હતી અને વધુ એક ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી- 1માં દારૂની મહેફિલ ચાલતી હોવાની સોલા પોલીસ સ્ટેશનને કંટ્રોલરૂમમાંથી મેસેજને આધારે પોલીસે ગ્રીન એવન્યુના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ફ્લેટના બેડરૂમમાં થલતેજના ગ્રીન એવન્યુમાં રહેતા કેતન પાટડીયા, અદાણી શાંતિગ્રામમાં રહેતા અનુરાધા ગોયલ, બોડકદેવ ના અક્ષર સ્ટેડિયામાં રહેતા શેફાલી પાંડે, માણેકબાગ સોસાયટીમાં રહેતા પ્રિયંકા શાહ અને થલતેજના હેલિકોનીયા એપાર્ટમેન્ટમાં રહેતા પાયલ લિંબાચિયા દારૂ પીધેલા મળી આવ્યા હતા.
ટીપોઈ પર દારૂના ગ્લાસ અને બોટલ મળી આવી હતી. ઘરમાં અન્ય એક મહિલા અમોલા કેતન પાટડીયા પણ હાજર મળી આવી હતી. જે દારૂ પીધેલી હાલતમાં ન હતી. અમોલા કોરોના નેગેટિવ આવ્યા હતા. જેઓએ માનસિક તણાવમાંથી દૂર થવા માટે તેઓએ મિત્રો સાથે મળી અને દારૂની મહેફિલ યોજી હોવાનું સોલા પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ત્યારે હવે આ કેસમાં પકડાયેલ મહિલા આરોપી અનુરાધા ગોયલ પોતાના ખોટા નામથી પોલીસ સ્ટેશનમાં પકડાઈ હતી. જોકે તેનું અસલ નામ અનુજા દિવ્ય અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. પોતે પરિણીત હોવા છતાંય પિતાનું નામ લખાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. સાથે જ આ પાર્ટીમાં સામેલ અન્ય એક મહિલા જેનું નામ પ્રિયંકા દેવાંગ શાહ હતું. તેણે પણ પોતાની ઓળખ છતી ન થાય તે માટે ખોટું સરનામું પોલીસ વિગતમાં લખાવ્યું હતું. હકીકતમાં પ્રિયંકાનું સાચું નામ પંક્તિ હોવાનું સામે આવ્યું છે અને પોતાની બહેનના સરનામે જ્યારે તે ભાડે રહેતી હતી તે સરનામું તેણે પોલીસ રેકર્ડમાં લખાવ્યું હતું. હાલ પોલીસે આ બને મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આઈપીસી 177 એટલે ખોટી માહિતી આપવા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે