કલોલના કાર્યક્રમ બાદ અમિત શાહ સીધા ભાજપના કેન્સર પીડિત કાર્યકર્તાને મળવા પહોંચ્યા

Amit Shah in gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદ, ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે

કલોલના કાર્યક્રમ બાદ અમિત શાહ સીધા ભાજપના કેન્સર પીડિત કાર્યકર્તાને મળવા પહોંચ્યા
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારના અલગ અલગ કાર્યક્રમોમાં આપી હાજરી
  2. અમદાવાદ અને કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપી 

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદ, ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે તેમણે કલોલના ભારતમાતા ટાઉનહોલમાં BVM ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનિકરણનું ખાતમુહૂર્ત કરીને જનસભા સંબોધી હતી. સાથે જ કલોલના મોટી ભોંયણમાં વિવિધ કાર્યોના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ તથા નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો પણ શુભારંભ કરાવ્યો. 

કાર્યકર્તાની ખબર કાઢવા ઘરે પહોંચ્યા ગૃહમંત્રી
કલોલથી નીકળીને ગૃહમંત્રી અમિત શાહનો કાફલો ભોયણ મોટી પ્રાથમિક શાળા પહોંચ્યો હતો. શાળાની મુલાકાત લીધા બાદ ગૃહમંત્રી અમિત શાહે રાયચંદ ઠાકોર નામના એક કાર્યકરની તબિયત જોવા માટે તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાયચંદ ઠાકોર ભાજપના જૂના કાર્યકર છે તેમને કેન્સર ડિટેક્ટ થયું છે. જેથી ગૃહમંત્રીએ ખાસ તેમની મુલાકાત લઈને તેમની સારવાર અને ખબર અંતર પૂછ્યા હતા.

તેમણે સંબોધનમાં કહ્યુ હતુ કે, આયુષ્યમાન યોજના અંતર્ગત કોઈ પણ બીમારી આવે તેને ચાર આના પણ ખર્ચવા પડતા નથી. ગાંધીનગર જિલ્લામાં 11 હજાર લોકોએ નાનુમોટુ ઓપરેશન કરી 34 કરોડ સરકારે તેમના ઈલાજ માટે ખર્ચ્યા છે. એકલા ગાંધીનગર જિલ્લામાં 3.44 લાખ લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે. જેઓને કોઈપણ તબીબી મુશ્કેલી માં એકપણ રૂપિયા નો ખર્ચ નથી કરવો પડતો. મોદીજીના રાજમાં આરોગ્ય સેવાને સતત વધારવામાં આવી રહી છે. દરેક ગરીબને આવાસ, પીવાનું પાણી, સ્વાસ્થ, ગેસ સિલિન્ડર અને કોરોના રસી આપવાનું કામ મોદીજીની સરકારે કર્યું છે. કેન્સરના નિદાન માટેની આજની યોજના માટે હું અંતઃકરણથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન અને શુભેચ્છા આપું છું. સારવાર માટે ખર્ચની ચિંતા ન કરતા, મોદી સરકાર માટે તમારો જીવ બચે એજ પ્રાથમિકતા છે. માટે તમામ જવાબદારી સરકારની છે. 

આજની સંખ્યામાં અડધો અડધ સંખ્યા માતૃશક્તિની છે. આજે જે વિકાસકાર્યો લોકોને મળી રહ્યા છે તે ઘણા મહત્વના છે. દેખાવમાં ભલે નાના લાગતા હોય, પણ ખૂબ જ મહત્વના છે. આજે લાંબા સમય પછી કલોલ તરફ આવવાનું થયું છે. તાજેતરની ચૂંટણીની અનેક જવાબદારી હતી એટલે આવી નહતો શકતો. આખરે મોદીજીની આગેવાનીમાં 4 રાજ્યોમાં ભવ્ય વિજય થયો છે. દૂર દૂર સુધી કોંગ્રેસ જોવા નથી મળતી. આ પ્રચંડ વિજય એ પ્રજાનો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ બતાવે છે. આ પ્રચંડ વિજય સરકારના કામો અને નરેન્દ્ર મોદીની નીતિમાં વિશ્વાસ બતાવે છે. 7 ઓક્ટોબર 2001 થી નરેન્દ્ર મોદીની શરૂ થયેલી યાત્રા આજેપણ અવિરત ચાલે છે. આપણે રોજ એક કામ કરીએ તો કંટાળી જઈએ છે. આજે પણ મોદીજી 18 કલાક કામ કરીને સતત નવા વિચાર અને યોજના આપતા રહે છે. મેં એમનું કામ જોયું છે અને એમની જોડે કામ કર્યું છે. પ્રજા માટે જ સતત જીવવું એ એમનો મંત્ર છે. 23 અને 24 વર્ષના યુવાનોને ખબર નહિ હોય પણ તેથી વધુની ઉંમરના લોકોને ખબર હશે કે પહેલા સાંજે 7 વાગે એટલે લાઈટ ગુલ થતી હતી. પણ નરેન્દ્ર મોદી દેશમાં પ્રથમવાર ગુજરાતમાં 24 કલાક વીજળી આપી.

ઉલ્લેખનીય છે કે, આજે ગૃહમંત્રી અમિત શાહ 306 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે. જેમાં તેઓ આવાસ, વોટર પ્રોજેક્ટ ઉપરાંત બોપલ ઇકોલોજી પાર્કનું પણ લોકાર્પણ કરશે. તેઓ આજે અમદાવાદના બોપલ વિસ્તારમાં નવા બનાવેલ ઇકોલોજી પાર્કનું પણ લોકાર્પણ કરશે. સાથે જ AMCના વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news