આણંદમાં પકડાઈ કાર ચોર ટોળકી, 12 કારનુ લિસ્ટ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગામડી ઓવરબ્રિજ નીચેથી કારની ચોરીઓ કરતી હાડગુડ ગામની ચોર ટોળકીને ઝડપી પાડી 12 જેટલી કાર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોર ટોળકી પાસેથી ચોરીની 6 કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવો વધી રહ્યા હતા. એલસીબી પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, કેહાડગુડ ગામનો તૌફિકઅલી પીરસાબમિયા સૈયદ પોતાના મિત્ર શોએબશા દિવાન સાથે મળીને કારની ચોરીઓ કરી રહ્યો છે, અને ચોરીઓ કરેલી કાર વેચવા માટે ગામડી ઓવરબ્રિજ નીચે એકત્ર થવાના છે. જેના આધારે એલસીબી પોલીસે ગામડી ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન નંબર પ્લેટ વગરની વેગન આર કારમાં ત્રણ શખ્સો પહોંચતા પોલીસે તેમને રોકીને નામઠામ પૂછ્યા હતા. તેમણે પોતાની ઓળખ તૌફિક પીરસાબમીંયા સૈયદ, સોએબશા ઈફાયતશા દિવાન અને ભયલુ ઉર્ફે દરબાર તરીકે આપી હતી. પોલીસે કારની માલિકી અંગેના આધાર પુરાવાની માંગણી કરતા તેઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. જેથી ઈ ગુજકોપ દ્વારા તપાસ કરતા કાર ચોરીની હોવાનું જાણવા મળ્યું હતુ.
પોલીસે ત્રણેયને કાર સાથે એલસીબી પોલીસ મથકે લાવીને પૂછપરછ હાથ ધરી હતી. તેઓએ અત્યાર સુધીમાં આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના અલગઅલગ વિસ્તારોમાંથી કુલ 12 જેટલી કારની ચોરી કરી હતી અને કેટલીક કાર વેચી મારી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી 6 કાર અને ત્રણ મોબાઈલ ફોન સાથે 3.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
- ચાર દિવસ પહેલા સાંજના સુમારે જલારામ મંદિર સામેથી વેગન આર કારની ચોરી
- 20 દિવસ પહેલા દિવસ પહેલા સાંજના સુમારે પીપલગ ચોકડી પાસે આવેલા ઉત્સવ પાર્ટી પ્લોટ સામેથી વેગન આર તેમજ હોન્ડા સીટી કારની ચોરી
- 10-12 દિવસ પહેલા સાંજના સુમારે વણસોલ 27 ગામ પાટીદાર સમાજની વાડીના પાર્કીંગમાંથી પોતાના સાગરિત સાથે વેગન આર કારની ચોરી
- એક મહિના પહેલા નડીઆદ-પીજ રોડ ઉપર આવેલા સત્સંગ પાર્ટી પ્લોટ પાસેથી વેગન આરની ચોરી
- બે મહિના પહેલા હાથીજણ સર્કલ નજીક ધ ગોલ્ડન લીપ હોટલ આગળથી રાત્રીના સુમારે અલ્ટો કારની ચોરી
- બે મહિના પહેલા સિદ્ધિવિનાયક મંદિરના પાર્કીંગમાંથી બપોરના સુમારે વેગન આરની ચોરી
- 6 મહિના પહેલા મહેમદાવાદના સિધ્ધિ વિનાયક મંદિરના પાર્કીંગમાંથી વેગન આરની ચોરી
- દોઢ માસ પહેલા વડોદરાની દુમાડ ચોકડી નજીક આવેલા બનીયાન રીસોર્ટના પાર્કીગમાથી રાત્રીના સુમારે મારૂતિ કારની ચોરી
- 20-25 દિવસ પહેલા સાંજના સુમારે સામરખાની પટેલ વાડીની સામેથી સાંજના સુમારે વેગન આર કારની ચોરી
- બે-અઢી મહિના પહેલા વડોદરાના ગોત્રી ડી કેથ લોન સ્પોટ્ર્સ શો રૂમ નજીકથી મારૂતિ ફ્રન્ટી કારની ચોરી
- બે મહિના પહેલા મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના પાર્કીંગમાંથી બપોરના સમયે વેગન આર કારની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી
એલસીબી પોલીસના જણાવ્યા અનુસાર, ગેંગનો મુખ્ય સુત્રધાર તૌફિકમીંયા સૈયદ છે અને તે અગાઉ આણંદ, ખેડા અને સુરત ગ્રામ્યના પલસાણા સહિત 7 પોલીસ મથકોએ વાહનચોરી, વિદેશી દારૂની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓમાં પકડાયો હતો. છેલ્લાં છ-સાત વર્ષથી તૌફિક ટુ અને ફોર વ્હીલર્સની ચોરીઓ કરે છે. આ આરોપી કોઠાસુઝથી ડુપ્લીકેટ ચાવી બનાવીને તેનાથી કારની ચોરી કરીને ફરાર થઈ જતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે