તમારી પાસે ક્યાંક નકલી આરસી બૂક તો નથી ને? એક ભેજાબાજે આખા રાજ્યમાં વેચી ફેક આરસી બૂક

આણંદની એલસીબી પોલીસે શહેરમાં મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસેથી ડુપ્લીકેટ આર.સી બુક્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તપાસ કરતા આંતર રાજ્ય ડુપ્લીકેટ આર.સી બુકનું કૌભાંડ ઝડપી પાડીને મુખ્ય સુત્રધાર સહિત બે જણાની ધરપકડ કરવામાં આવી છે. આણંદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમારી પાસે ક્યાંક નકલી આરસી બૂક તો નથી ને? એક ભેજાબાજે આખા રાજ્યમાં વેચી ફેક આરસી બૂક

ઝી મીડિયા/બ્યૂરો :આણંદની એલસીબી પોલીસે શહેરમાં મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસેથી ડુપ્લીકેટ આર.સી બુક્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તપાસ કરતા આંતર રાજ્ય ડુપ્લીકેટ આર.સી બુકનું કૌભાંડ ઝડપી પાડીને મુખ્ય સુત્રધાર સહિત બે જણાની ધરપકડ કરવામાં આવી છે. આણંદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ શહેરમાં મહેન્દ્ર શાહ ચોકડી પાસેથી એલસીબી પોલીસે ઉમરેઠનાં એક શખ્સને આરટીઓ કચેરીની જુદા જુદા વાહનોની બોગસ 16 જેટલી સ્માર્ટ કાર્ડ આર.સી બુક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં રજોસણા ગામનાં મુખ્ય સુત્રધારનું નામ ખૂલ્યુ હતું. પોલીસે રાજય વ્યાપી બોગસ આર.સી બુક કૌભાંડ ઝડપી પાડયું છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા મુખ્ય સુત્રધારે અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોને બોગસ સ્માર્ટ કાર્ડ આર.સી બુક આપી હોવાનું ખુલ્યું હતું.

એલસીબી પોલીસે આણંદ શહેરની મહેન્દ્ર શાહ ચોકડી પાસે વોચ ગોઠવી ઉમરેઠનાં ગુલામમોહંમદ ઉર્ફે ગુલો આદમભાઈ વ્હોરાને ઝડપી પાડી તેની પાસેથી જુદી જુદી આરટીઓ કચેરીની જુદા જુદા વાહનોની 16 જેટલી સ્માર્ટ કાર્ડ આર.સી. બુક્સ કબ્જે કરી હતી. પોલીસે મળી આવેલ આરસી બુક્સને આરટીઓ કચેરીમાં ખરાઇ કરાવતાં પ્રથમ નજરે બનાવટી હોવાનું કે પછી ગેરકાયદેસર રીતે મેળવેલ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આ આરસી બુક્સ બનાસકાંઠા જિલ્લાનાં રજોસણા ગામનાં તારીફ અબ્દુલહમીદ માકણોજીયા પાસેથી લાવ્યો હોવાનું ખૂલ્યુ હતું. એલસીબીની એક ટીમે રજોસણા ગામે છાપો મારી મુખ્ય સૂત્રધાર તારીફ માકણોજીયાને ઝડપી લીધો હતો. જે બંને વિરુદ્ધ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધ્યો હતો.

પકડાયેલો આરોપી તારીફ અબ્દુલહમીદ માકણોજીયા પોતાના લેપટોપમાં આરસી બુક્સ બનાવી પ્રિન્ટરથી કોપી કાઢી આ સ્માર્ટ કાર્ડ આર.સી.બુક્સ બનાવતો હતો. ગુલામમોહંમદ ઉર્ફે ગુલો આદમભાઇ વ્હોરા તેની પાસેથી આરસી બુક્સ લાવતો હતો અને જે-તે જરૂરિયાતવાળા વાહન માલિકોને આપતો હતો. પોલીસે 16 જેટલી બનાવટી આરસીબુક (સ્માર્ટ કાર્ડ) કબ્જે લઇ હાથ ધરી હતી. આ આર.સી.બુક્સ વડોદરા, સુરત, નડિયાદ, આણંદ, ખેડા, પાલનપુર તેમજ બાવળા આરટીઓ કચેરીની બનાવટી હોવાનું સામે આવ્યું. આરોપીઓ પાસેથી 7 રીક્ષા ઉપરાંત ક્વોલીસ, બોલેરો મેક્સી ટ્રક, સ્વીફ્ટ, વેગેનઆર, અલ્ટો મળી છ કાર અને એક હોન્ડા બાઈક, બજાજ સીટી બાઇક અને સુઝુકી બાઇક એમ ત્રણ બાઈક સહિતના વાહનોની આરસી બુક્સ મળી આવી હતી. એલસીબી પોલીસે પકડાયેલી આર.સી. બુકને પ્રોજેક્ટ મેનેજર સિલ્વરટચ ટેક્નોલોજીસ લિમિટેડ આરસી બુક સેન્ટર અમદાવાદ કચેરી ખાતે ચીપ રીડર મારફતે તપાસ અને ખરાઈ કરવામાં આવી હતી. જેમાં તમામ સ્માર્ટ કાર્ડ આરસી બુક ચીપમાં રહેલી માહિતી તથા કાર્ડ ઉપર છાપેલ માહિતી અલગ અલગ હોવાનું તેમજ ચીપમાં રહેલી માહિતી અને કાર્ડ ઉપર છાપેલી માહિતી અલગ અલગ હોવાથી આ સ્માર્ટ કાર્ડ બનાવટી હોવાનું જણાઈ આવતા ભાંડો ફુટ્યો હતો.

આરોપી ગુલામમોહંમદ ઉર્ફે ગુલોએ મુખ્ય સુત્રધાર તારીફ માકણેઝીયા પાસેથી 2500 થી 3 હજાર રૂપિયામાં આર સી બુક્સ મેળવી હતી. પોલીસે મુખ્ય સુત્રધાર તારીફ માકણેજીયાની પાલનપુર ખાતે હાઈવે પર ગોલ્ડન પ્લાઝામાં છાપો મારીને 999 નંગ છાપેલી આર સી બુક્સ તેમજ 253 નંગ કોરી આર.સી બુક્સ મળી કુલ 1252 નકલી સ્માર્ટ કાર્ડ આર.સી બુક કબ્જે કરી હતી. પોલીસે તેની પાસેથી પ્રિન્ટર, લેપટોપ, પેન ડ્રાઈવ, થીનરની બોટલ, બે મોબાઈલ ફોન સહિત 56,790 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મુખ્ય સુત્રધાર તારીક માકણોજીયા બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં આર.ટી ઓ એજન્ટ તરીકે તેમજ વાહન લે-વેચનું કામ કરે છે. જે દરમિયાન એચ.પી દાખલ કે કેન્સલ કરવા, વાહન ટ્રાન્સફર કરવા માટે આવતી જૂની આર.સી બુક પોતે મેળવી લેતો તેમજ રાજ્યનાં અન્ય એજન્ટો પાસેથી પણ જુની આર.સી બુક મેળવી લેતો હતો. તેમજ જે એજન્ટને નવી આરસી બુક જોઈતી હોય તો તે મુજબની વિગતો આપતા જેનાં આધારે તે છેલ્લા એક વર્ષથી આરસી બુકમાં છાપેલી વિગતો ભૂંસી નાખી લેપટોપમાં કાર્ડ પ્રેસ સોફ્ટવેરની મદદથી આરસી બૂકમાં નવી વિગતો ખોટી રીતે લખી પ્રિન્ટ કરતો હતો. આરસી બુક દીઠ 2500 થી 3 હજાર રૂપિયા લેતો હતો.

તારીક માકણોજીયા દ્વારા બનાવવામાં આવેલી એક પણ આરસી બૂક અત્યાર સુધી પકડાઈ ન હતી. વાહનોની લોનનાં હપ્તા બાકી હોય તેવા વાહનો ફાઈનાન્સરો દ્વારા સીઝ કરેલ હોય તેવા વાહનોની બે માસ જેટલો સમય રાહ જોયા બાદ હરાજી કરી અન્ય ઈસમોને વેચી દેતા હોય છે. જેથી નવી આરસી બુકની જરૂર પડતી હોય છે, જેથી એચપી કેન્સલ લેટર તથા વાહન નંબર સાથેની વિગતો મેળવી નવી આર સી બુક બનાવી આપતો હતો. તેમજ અત્યાર સુધીમાં કોને કોને બોગસ આરસી બુક બનાવી આપી છે તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેવુ ડીવાયએસપી બીડી જાડેજાએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news