તમારી આસપાસ ભટકતા ATM ચોરોથી સાવધાન, સુરતમાં પકડાઈ આખી ગેંગ

એટીએમ કાર્ડ (ATM fraud) નો ઉપયોગ કરનારાઓ માટે ચેતવણીરૂપ ઘટનાઓ સતત બની રહી છે, ત્યારે પોલીસ પણ આવી ઘટનાઓને અંજામ આપનારો તત્વો સામે કાર્યવાહી કરી રહી છે. સુરત (Surat) શહેર પોલીસની એસઓજી દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 
તમારી આસપાસ ભટકતા ATM ચોરોથી સાવધાન, સુરતમાં પકડાઈ આખી ગેંગ

તેજશ મોદી/સુરત :એટીએમ કાર્ડ (ATM fraud) નો ઉપયોગ કરનારાઓ માટે ચેતવણીરૂપ ઘટનાઓ સતત બની રહી છે, ત્યારે પોલીસ પણ આવી ઘટનાઓને અંજામ આપનારો તત્વો સામે કાર્યવાહી કરી રહી છે. સુરત (Surat) શહેર પોલીસની એસઓજી દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા છેલ્લા થોડા સમયથી ATM મશીનમાં પૈસા ઉપાડવા જતા ગરીબ વર્ગના લોકોને ટાર્ગેટ કરી ATM મશીનમાં કોઇ તકલીફ પડે ત્યારે લોકોને મદદ કરવાનું તરકટ રચી પૈસા ઉપાડવા જતા લોકોના ATM કાર્ડ ચોરી કરી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતી ગેંગ સક્રિય થઈ છે. જે ગેંગને તાત્કાલીક ઝડપી પાડવાની જવાબદારી એસ.ઓ.જી.ને સોંપવામાં આવી હતી. જેને પગલે એસ.ઓ.જી. ની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ATM કાર્ડ બદલી પૈસા કાઢી લીધેલા હોય તે બાબતે દાખલ થયેલ ગુનાઓની માહીતી એકઠી કરી તે ગુનાઓમા આરોપીઓની ગુનો આચરવાની કાર્ય પદ્ધતિથી વાકેફ થયા હતાં. જેમાં ધ્યાને આવ્યુ હતું કે, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા ATM ફ્રોડ બાબતે દાખલ થયેલ અલગ અલગ ગુનાઓમા આરોપીઓની ગુનો કરવાની પદ્ધતિ એકસમાન જણાયું હતું. જેથી આ તમામ ગુનાઓ કોઇ એક ટોળકી દ્વારા આચરવામાં આવેલ હોવાનુ સામે આવ્યું હતું. 

સુરતમા એટીએમ ચોર ગેંગ સક્રિય
જે વ્યક્તિઓ આવા ATM ફ્રોડનો ભોગ બન્યા હતા, તેઓને મળી ફ્રોડ આચરનાર ટોળકીના સભ્યોના વર્ણન બાબતે પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જેના આધારે એવુ નક્કી થયું હતું કે અગાઉ સુરત શહેરમાં આવા ગુનાઓ આચારનાર ટોળકી જ આ ગુનાઓ આચરી રહી છે. જેથી આ ટોળકીના તમામ સભ્યોને તાત્કાલિક ઝડપી પાડવા એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.  જે ટીમો દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન એસ.ઓ.જી ના ASI મહેશદાન વજુભાઈ તથા PC દેવેન્દ્રદાન ગંભીરદાનને આવા ગુનાઓ કરતી ટોળકીના બાબતે માહિતી મળી હતી અને આ ટોળકીના સભ્યો વધુ એક ગુનો આચરવાની ફીરાકમાં પાંડેસરા મહાદેવ નગર સોસાયટી પાસે ફરતા હોવાની હકીકત મળી હતી. જેથી તે સ્થળે વોચ ગોઠવી શિવમસિંઘ ઉર્ફે ચંચલ સુરેશસિંઘ ઠાકુર, રિતિક ઉર્ફે ભોલે સુરેન્દ્રબહાદુર સિંહ અને અમિત ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબ સિંહને ઝડપી પાડવામાં આવ્યા હતા. 

ચોરોની મોડસ ઓપરેન્ડી
આ આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોના ATM કાર્ડ કુલ નંગ 17, 3 મોબાઈલ ફોન તથા રોકડા 38870 રૂપિયા મળી કુલ મુદ્દામાલ 68,870 રૂપિયા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની મોડસઓપેન્ડી એવી હતી કે ત્રણેય આરોપીઓ ભેગા મળી અલગ અલગ બેંકના ATM સેન્ટરો ઉપર જઈ વોચ ગોઠવતા હતા. જે ATM સેન્ટરમાં મજૂર વર્ગના ગરીબ લોકો કે જેઓને ATM બાબતે ઓછું જ્ઞાન હોય તેવી વ્યક્તિઓ પૈસા ઉપાડવા આવે ત્યારે તેઓની નજીક ઉભા રહેતા હતા. તેઓ જે વ્યક્તિ રૂપિયા કાઢતો હોય તેનો ATM પાસવર્ડ જોઇ લેતા હતા. તે બાદ તે વ્યક્તિ જ્યારે ATM માંથી રૂપિયા ઉપાડતી હોય ત્યારે આરોપીઓ દ્વારા ATM મશીનની સ્ક્રીન દબાવી રાખે. જેથી મશીન કામ કરતુ બંધ થઈ જાય. જેથી તેઓની મદદ કરવાના બહાને પોતાની સાથેનો અન્ય શખ્સ રૂપિયા ઉપાડવા આવેલ વ્યક્તિને વાતોમાં ભોળવી તેની પાસેનુ ATM કાર્ડ પોતાની પાસેના ATM કાર્ડ સાથે બદલી દેતો હતો. ત્યારબાદ આરોપીઓ અન્ય બેંકના ATM માંથી પૈસા ઉપાડી લેતા હતા. 

આ રીતે ATM ફ્રોડથી બચો 
ત્યારે પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ પૈસા ઉપાડવા માટે ATM નો ઉપયોગ કરો ત્યારે ખાસ તકેદારી રાખવાની કે, ATM રૂમમાં એક કે તેથી વધારે વ્યક્તિ બાજુમાં ઉભા હોય ત્યારે તેઓને દેખાય તે રીતે પાસવર્ડ એન્ટર કરવો નહિ. જો આવા સંજોગોમાં પાસવર્ડ એન્ટર કરવાનું થાય ત્યારે નજીક ઉભેલ વ્યક્તિ જોઇ ના શકે તે રીતે હાથની આડાશ ઉભી કરીને પાસવર્ડ નાખવો. ATM નજીક ઉભેલ અન્ય વ્યક્તિને પાસવર્ડ કોઇ પણ સંજોગોમાં જણાવો નહિ. પાસવર્ડ પોતે જ એન્ટર કરવો. રૂપિયા ઉપાડ્યા બાદ ATM કાર્ડ મશીનમાંથી જાતે જ પરત લેવું અને પરત લેતી વખતે પોતાનું જ ATM કાર્ડ છે તે પણ વેરીફાઇ કરી લેવું. જેથી જો ATM કાર્ડ કોઇ ફોર્ડ આચરનાર વ્યક્તિ દ્વારા બદલી કાઢવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં બેંકને તરત જ જાણ કરી ATM કાર્ડ બ્લોક કરાવી શકાય અને થનાર ફ્રોડને અટકાવી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news